બાળ કાવ્ય સંપદા/એક બિલાડી (1-2)
Jump to navigation
Jump to search
એક બિલાડી
લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)
એક બિલાડી જાડી,
એણે પહેરી સાડી.
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ તરવા ગઈ.
તળાવમાં તો મગર,
બિલ્લીને આવે ચક્કર.
સાડી-છેડો છૂટો થયો,
મગરના મોંમાં આવી ગયો;
છેડો મગર ખેંચી રહ્યો,
મગર બિલાડી ખાઈ ગયો.
*
એક બિલાડી એવી જાડી, મળે ન જેની જોડી,
સાડી પહેરી ફરવા નીકળે, છેડો માથે ઓઢી.
એ જ બિલાડી અસલી, એની વંશવેલ વિસ્તરતી,
બાળક સાથે હસતી રમતી, ખંડ ખંડમાં ભમતી.
ભલે મરઘડો ખાઈ ગયો પણ એ જ બિલાડી અમ્મર,
ભલા ભલા ખાનારા, એને આવી ગયાં છે તમ્મર.
ગુજરાતે એ સદાય જીવતી ઘૂમતી બાળકવાડી,
કોઈ કાળે પણ કોઈની આગળ કદી ન ઊતરે આડી.