બાળ કાવ્ય સંપદા/કોણ મૂકી જતું ?
Jump to navigation
Jump to search
કોણ મૂકી જતું ?
લેખક : રમણલાલ વ્યાસ
(1921)
કોણ મૂકી જતું ફોરમો ફૂલમાં ?
ને મીઠાંશો ફળોમાંહી છાનું !
રંગ પૂરી રહે પંખીની પાંખમાં
કો અદીઠું અહીં છાનુંમાનું ?
ઝૂલતા તારલાના ઊંચે ઝુમ્મરો,
પ્રગટતા સૂર્ય ને ચંદ્ર કેવા ?
ચળકતા આભના આ દીવામાં કહો
પૂરતું કોણ દિવેલ દેવા ?
કોણ ઘડતું હશે ? ક્યાં રહીને જગે ?
લાખ કૈં ક્રોડ આ જીવજંતુ !
પાળતાં પોષતાં સર્વ છાનું રહી
ચલવતું કોણ આ જીવન-તંતુ ?
નીરખ્યો ના કદી તોય તારી કળા
જોઈને જગતમાં રોજ માણું;
હૃદયથી ગાઉં છું ગીત તારું પ્રભુ,
અકળ ગતિ છો કદીયે ન જાણું.