zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ચાડિયાનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાડિયાનું ગીત

લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)

ઊડો કાબર, ઊડો ચકલાં,
ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
સઘળાં પેઠાં ક્યાંથી ચોર ?

થોર તણી આ વાડ ઉગાડી,
છીંડે બાવળ-કાંટ ભરી;
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં ?
સંતાકૂકડી કેવી કરી ?

ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ;
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ.

મોતી-મૂઠશાં ડૂંડાં ઝૂલે,
લીલો નીલમડો શો મૉલ;
દાણો ઓછો એક ન થાશે,
માલિકને મેં દીધો કૉલ.

ખેડૂત આવે, ઊડી જાઓ,
એ જાતાં હું સાદ કરીશ;
ખોટા ખોટા ડોળા ફાડી,
છુપાઈને દાણા ધરીશ.

ઊડો કાબર, ઊડો ચકલાં,
ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
સઘળાં પેઠાં ક્યાંથી ચોર ?