બાળ કાવ્ય સંપદા/જય હો ગરવી ગુજરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જય હો ગરવી ગુજરાત

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

જય હો જય હો જય ગરવી ગુજરાત,
ગાજે દિશે દિશામાં તારી ખ્યાત !
જય હો જય હો જય ગરવી ગુજરાત.

પાવાગઢ ગિરનાર ઇડરિયો ઉત્તર આબુ આભ ઊડન્ત,
મશહૂર બની તું મજદૂરીથી કલાકિસબમાં ચાર દિગન્ત;
ખેડૂત તારો જગનો તાત :
જય હો જય હો જય ગરવી ગુજરાત !

સંત સાંઈ ને શાહ શૂરવીર ગર્જન્તા ગિરે વનરાજ,
દરિયો ખેડે, ધરતી છેડે, સોદાગર કંઈ સાહસબાજ;
સખાવતોથી તું છલકાત :
જય હો જય હો જય ગરવી ગુજરાત !

લોકગીતથી તું રંગીલી લ્હેરંતાં લ્હેકે લલકાર,
ફલ લ્હેંકતી, ફૂલ મ્હેંકતી વનસ્પતિ લીલી કુંજાર;
સરિતા સરવરથી રળિયાત :
જય હો જય હો જય ગરવી ગુજરાત !

આદિ કવિ ઉર્દૂની ધરતી, વલી થયો ભારતપ્રખ્યાત,
ધૂન ધરન્તી રાસ રમન્તી ગરબે ઘૂમતી માઝમ રાત;
નરસિંહથી ઊજળાં પરભાત :
જય હો જય હો જય ગરવી ગુજરાત !

‘યાહોમ કરી પડ ફતેહ છે આગે' ગાજન્તો નર્મદ પડકાર,
હિન્દ દેશને નવજોબનિયું બક્ષી બોલો જયજયકાર;
આદમ તારો છે આઝાદ :
જય હો જય હો જય ગરવી ગુજરાત !