બાળ કાવ્ય સંપદા/જવારાનો ગરબો

જવારાનો ગરબો

લેખક : ઉદયન ઠક્કર
(1955)

મેં તો છાબડીમાં માટી સંકોરી કે
સાત ધાન વાવ્યાં રે.
મેં તો વર્ષારાણીને બકોરી
જલછાંટણાં છાંટ્યાં રે.....મેં તો છાબડીમાં

મેં તો સૂરજદાદાને તેડાવ્યા કે
તાપ એના દીધા રે.
મેં તો ચાંદામામાને બોલાવ્યા
ચંદનલેપ દીધાં રે....... મેં તો છાબડીમાં

મેં તો વાદળનાં છત્તર મુકાવ્યાં કે
છાંયડા દીધા છે.
ઝટ ઝાકળબિંદુને બોલાવ્યા કે,
મોતીડાં પે’રાવ્યાં રે.....મેં તો છાબડીમાં

મેં તો વાયરાને પટ બોલાવ્યા કે,
વિઝણલા વાયા રે.
દિન પાંચ મેં જતન એનાં કીધાં કે,
જવારા મેં જાળવ્યાં.....મેં તો છાબડીમાં

મેં તો લીધા જવારા મારે શિરે કે,
સૌને બોલાવ્યાં રે,
ઘૂમી ગરબે મેં જાગરણ કીધાં
ગૌરીવ્રત ઊજવ્યાં........મેં તો છાબડીમાં

મેં તો તુલસીક્યારે એ વળાવ્યાં.
આશીર્વાદ લીધા રે.
પધારજો પો’ર આષાઢમાં,
મનામણાં કીધાં રે.... મેં તો છાબડીમાં