બાળ કાવ્ય સંપદા/સંતાકૂકડી
સંતાકૂકડી
લેખક : માલિની શાસ્ત્રી
(1935)
ચાલો, ચાલોને, રમીએ પકડાપકડી,
ચાલો, ચાલોને, કરીએ ધમાચકડી;
ચાલો, ચાલોને, રમીએ સંતાકૂકડી.
હું તો સંતાઉં પેલા બારણાની આડે,
દોડી સંતાઉં પેલા દાદરની નીચે,
દોડી સંતાઉં પેલા પીપડાની માંહે,
થાકી ગયો હું તો દોડી દોડીને,
ભાઈબંધો સાથ મને રમવાનું ગમતું,
માડી લઈ જાય ઘેર ઘસડી ઘસડી.
ચાલો, ચાલોને, રમીએ પકડાપકડી,
ચાલો, ચાલોને, કરીએ ધમાચકડી,
ચાલો, ચાલોને, રમીએ સંતાકૂકડી.