બાળ કાવ્ય સંપદા/મમ્મીનું નાસ્તા રોકો આંદોલન
મમ્મીનું નાસ્તા રોકો આંદોલન
લેખક : ઉદયન ઠક્કર
(1955)
નાસો-ભાગો, મમ્મી આવી, મમ્મી લપ્પન-છપ્પન છે !
મારી વિરુદ્ધ મમ્મીનુ નાસ્તા-રોકો આંદોલન છે
હું ગજવામાં ભરું ચેવડો, ત્યાં એ તતડાવે ડોળા
મને ભાવતાં સૉસ ને વેફર, એ ખવડાવે ટિંડોળા !
હરે રામ, આ ઘરમાં મારે બળજબરીનું અનશન છે
મારી વિરુદ્ધ મમ્મીનું નાસ્તા રોકો આંદોલન છે
મારો ભાઈબંધ ફોન કરે, તો ધડામ દઈ પછાડે છે
ને પોતે તો ફોનની અંદર વાતનું ઝાડ ઉગાડે છે !
મમ્મી જોતાં મારી બહેનપણીઓનું તો જન-ગણ-મન છે
અરે, અરે, આ મમ્મી આવી, બંદા હવે પલાયન છે
હું ને પપ્પા ટી.વી. જોતાં સોફા ઉપર બેઠા જી
એ કહે : શાસ્ત્રીના કીર્તનમાં જઈશું, ઊતરો હેઠા જી !
પપ્પાનું કંઈ ચાલે નહિ, મમ્મીજી તો ટુ-ઈન-વન છે !
અરે, અરે, આ મમ્મી આવી, બંદા હવે પલાયન છે
હું જબરો ખેલાડી, પણ મમ્મી તો ક્રિકેટ ઇલેવન છે !