બાળ કાવ્ય સંપદા/ઝરણું (૪)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઝરણું

લેખક : મંગળ રાવળ ‘સ્નેહાતુર'
(1958)

ડુંગર ઢાળે પડતું ઝરણું;
જંગલમાં આથડતું ઝરણું.
વાંકું-ચૂકું નદીએ મળતું,
કલરવ ગીતો ગાતું ઝરણું.

શિયાળાની મોસમ આવતાં,
ઠંડું ઠંડું ઝરતું ઝરણું !
બાળકડાંનું ઘેલું દેખી,
ડૂબકી દાવ રમતું ઝરણું !

ઉનાળાનો જ તાપ તપે ને –
કોરું કોરું વ્હેતું ઝરણું !
નિત સવારે સૂરજ દેવને;
‘ધીમા તાપે' કહેતું ઝરણું !

ચોમાસાના દા'ડા આવે;
છલકછલક છલકાતું ઝરણું !
ક્યાંક નાનેરું ક્યાંક મોટું
ક્યાંકે ઊંડું થાતું ઝરણું !

આખો દા'ડો જોવા છતાંય;
જરા ન દિલથી ખસતું ઝરણું !
રોજ ભેરુડા કહેતા આવી
સપનામાં પણ સરતું ઝરણું !