બાળ કાવ્ય સંપદા/ઝાકળનાં ઝાડ
Jump to navigation
Jump to search
ઝાકળનાં ઝાડ
લેખક : જિતેન્દ્ર પ્રજાપતિ
(1987)
ઝાકળનાં ઝાડ ઊગ્યાં ઝાકળનાં ઝાડ,
તરણાંની ટોચે ઊગ્યાં ઝાકળનાં ઝાડ.
મધરાતે જાગી ઝાડ ચાંદરણાં પીવે,
પાંદડાં 'ને સળીઓથી અંધારાં સીવે,
પવન આવીને જેને કરતો રે લાડ
તરણાંની ટોચે ઊગ્યાં ઝાકળનાં ઝાડ.
વહેલી સવારે ઝાડ રમવાને આવતાં,
મોતીશાં ફળ એ તો સંગાથે લાવતાં,
ગુમ થાય, પડે જ્યાં સૂરજની ધાડ,
તરણાંની ટોચે ઊગ્યાં ઝાકળનાં ઝાડ.