બાળ કાવ્ય સંપદા/સાત રંગોનું હલેસું
સાત રંગોનું હલેસું
લેખક : જિગર જોષી ‘પ્રેમ’
(1987)
ચાલો આકાશમાં નદિયું વહાવીએ ને વાદળની હોડી બનાવીએ
સાત રંગોનાં હલ્લેસાં લાવીએ
પંખીની જેમ પછી આકાશે રોજ રોજ જાવાનું હરવા ને ફરવા
પંખી તો આકાશે ઊડવાને જાય ભાઈ આપણે તો જાવાનું તરવા
આભ સુધી જવાનું નક્કી તો છે જ પછી પરીઓના દેશે જઈ આવીએ
સાત રંગોનાં હલ્લેસાં લાવીએ
ધરતી પર વૃક્ષ હવે સહેજે ના ટકતાં એને રોજ રોજ કાપે કુહાડી
ડાળી ને પાન ઉપર કુહાડી આવે ત્યાં પંખી બોલે છે ‘ઓય માડી’ !
વાદળની હોડીથી પાણી રે પાશું ચલો આકાશે વૃક્ષ કોઈ વાવીએ
સાત રંગોનાં હલ્લેસાં લાવીએ