બાળ કાવ્ય સંપદા/ઝાડની માયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝાડની માયા

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયા !
ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું
ને પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું
કે ભલે ઉનાળો હોય કે શિયાળો.

મને એક એક ઝાડવાની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયા !
ઝાડની હું ડાળી, અને ઝાડનું હું થડ :
હું તો પાંદડાં ને ઝાડનું હું મૂળ છું.
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને
ને સોનેરી કિરણોની ધૂળ છું.

લીલા લીલા વાયરાઓ વાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયા.