બાળ કાવ્ય સંપદા/ટોપી

ટોપી

લેખક : કરસનદાસ લુહાર
(1942)

ભીમાભાભા ભમીને આવ્યા,
ભૂલ્યા ચંપલ, સોટી જી !
ભૂરી ભાભુએ ફળિયામાં
ધમાલ કીધી મોટી જી !

“તમે ભુલકણા છો કાયમના,
જે તે ભૂલી આવો જી !
જાઓ, ગમે ત્યાંથી ચંપલ
ને સોટી ગોતી લાવો જી !”

ભાભા માથું ખંજાળે કે,
ભારે થઈ આ ગોપીજી !
ચંપલ ને સોટીની સાથે
ક્યાંક પડી રહી ટોપીજી !