બાળ કાવ્ય સંપદા/નવી નિશાળ

નવી નિશાળ

લેખક : નાથાલાલ દવે
(1912-1991)

નાની બેની મારી ચાલી નિશાળે,
લીધાં છે દફતર પાટી જી રે.
સંગે ચાલે એની સરખી સાહેલી,
મુખે મીઠી મલકાતી જી રે.

ગામને પાદરે શાળા સોહામણી,
આંગણામાં ફૂલના ક્યારા જી રે.
ખીલ્યો છે ચંપો, ખીલી ચમેલી,
ઊડે સુગંધના ફુવારા જી રે.

શાળાનાં બહેન એને જોઈ રાજી રાજી,
હસીને એને બોલાવતાં જી રે.
બેનીને સુંદર ગીત શિખવાડે,
સંભળાવે નવી વારતા જી રે.

નાનકડા હાથે એ એકડો ઘૂંટે,
રંગીન તે ચોપડી જોતી જી રે.
બેનીના અક્ષરો કેવા રૂપાળા,
જાણે વેરાયેલ મોતી જી રે.

ઢોલક વાગે ને બેની ગરમે તે ઘૂમે
ઘંટ વાગે ને પડે રજા જી રે.
ગામને પાદર નવી નિશાળમાં,
ભણવાની તો મજા મજા જી રે.