બાળ કાવ્ય સંપદા/પંખીઓના સંપની ગરબી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પંખીઓના સંપની ગરબી

લેખક : દલપતરામ
(1820-1898)

(મારું સોનાનું છે બેડું રે, છેલછબીલા છોગાળા – એ રાગ.)

સખી જો આ શોભે સારાં રે, પીંપર ઉપર પંખીડાં;
બહુ ટોળે મળી વસનારાં રે, પીંપર ઉપર પંખીડાં.
કેવાં કલ્લોલ કરે છે રે ! પીંપર ઉપર પંખીડાં;
સ્વર મધુર મધુર ઊચરે છે રે, પીંપર ઉપર પંખીડાં.
પરિપૂર્ણ ૫૨સ્પ૨ પ્રીતે રે, પીંપર ઉપર પંખીડાં,
રહે હળી મળી રૂડી રીતે રે, પીંપર ઉપર પંખીડાં.
દીસે છે દિલનાંર ડાહ્યાં રે, પીંપર ઉપર પંખીડાં,
ગુણવંત ભલાં ગણાયાં રે, પીંપર ઉપર પંખીડાં.
કેવાં લાયક છે ? નથી લડતાં રે, પીંપર ઉપર પંખીડાં;
નથી એકબીજાને નડતાં રે, પીંપર ઉપર પંખીડાં.
તેથી પોતે સુખ પામે છે રે, પીંપર ઉપર પંખીડાં;
જુએ તેને હરખ જામે છે રે, પીંપર ઉપર પંખીડાં.
મેં દૂર રહીને દીઠાં રે, પીંપર ઉપર પંખીડાં;
મારા મનમાં લાગ્યાં મીઠાં રે, પીંપર ઉ૫૨ પંખીડાં.
છે જોતાં જનાવર*[1] જાતે રે, પીંપર ઉપર પંખીડાં;
પણ સંપી વસે ભલી ભાંતે રે; પીંપર ઉપર પંખીડાં.
તેથી લેશ શિખામણ લઈએ રે, પીંપર ઉ૫૨ પંખીડાં;
એમ હળીમળી સરવે રહીએ રે, પીંપર ઉપર પંખીડાં.
ત્રિભુવનનો રાજા રીઝે રે, પીંપર ઉપ૨ પંખીડાં;
પરલોકે પણ સુખ લીજે રે, પીંપર ઉપર પંખીડાં. ૧૦
છતમાં થોડા દિન છઈએ રે, પીંપર ઉપર પંખીડાં;
લડીને શીદ અપજશ લઈએ રે ? પીંપર ઉપર પંખીડાં. ૧૧
આ કથન કહ્યાં શુભ કામે રે, પીંપર ઉપર પંખીડાં;
દીધી શીખ દલપતરામે રે, પીંપર ઉપર પંખીડાં. ૧૨


  1. * માણસથી બીજી હલકી જાતનાં પ્રાણી. જન + અવર

[૧. દિલમાં (ચો.પાં.)]