બાળ કાવ્ય સંપદા/પપ્પા સંગીતમાં દાદા છે !
Jump to navigation
Jump to search
પપ્પા સંગીતમાં દાદા છે !
લેખક : ઉદયન ઠક્કર
(1955)
તાનસેનથી પણ જ્યાદા છે
પપ્પા, સંગીતમાં દાદા છે !
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
લલકારે છે લઈને વાજું
ગીત સુરીલું, તાજુંમાજું
સૂર સાંભળો લીસા લીસા
સા-રે-ગ-મ-પ-ધ-નિ-સા
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
મારા પપ્પા રોજ પરોઢે
ગાતા પંખીઓની જોડે
સુબહ-સુબહ હું આંખો ખોલું
‘સુબહાનલ્લા’ - જોરથી બોલું
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
મને કહે કે આવો બબલા
લાવો પેટી, પાવો, તબલાં
હું તો ફક્ત ચડાવી બાંયો
ઝીંકે રાખું બાંયો-દાંયો
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
નાદિર દીન્તા નીતા નારે
તિરકિટ ધુમ, તન્ની તાથા રે...
ઐયૈયો, આ તબલાંઓ તો
કેવું મદ્રાસી ગાતા રે !
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
અવાજના ઊજળા આરસથી
પપ્પા તાજમહાલ બનાવે
હું તો ઔરંગઝેબ, મને તો
માત્ર આટલું સમજમાં આવેઃ
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ