બાળ કાવ્ય સંપદા/ફરતાં ફરતાં ફોરાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ફરતાં ફરતાં ફોરાં

લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)

ઝરમરતાં ફરફરતાં ફોરાં, આવો રે છોકરાં ઓરાં ઓરાં !
ગગડે વાદળ વરસે ફોરાં, આવો રે છોકરાં ઝીલવા ઓરાં !

ટેહુક ટેહુક ઢેલ ને મોરાં, આવો રે છોકરાં ઓરાં ઓરાં !
હરખે તરુવર હરખે ઢોરાં, આવો રે છોકરાં ઝીલવા ઓરાં !

ઘરડાં બુઢ્ઢાં હોય રહે કોરાં, આવો રે છોકરાં ઓરાં ઓરાં !
રાયની કુંવરી, રંકનાં પોરાં, આવો રે છોકરાં ઝીલવા ઓરાં !

વરસે ખુશ્કી, વરસે ફોરાં, આવો રે છોકરાં ઓરાં ઓરાં !
કોઈ ભીને વાન, કોઈ હો ગોરાં, આવો રે છોકરાં ઝીલવા ઓરાં !

ઝબૂક વીજળી ઝબૂક ફોરાં, આવો રે છોકરાં ઓરાં ઓરાં !
ઝરમરતાં મરમરતાં ફોરાં, આવો રે છોકરાં ઝીલવા ઓરાં !