બાળ કાવ્ય સંપદા/ફૂલછાબ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ફૂલછાબ

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

ફૂલે ભરી હો ! ફૂલે ભરી !
ફૂલછાબ આજ મારી ફૂલે ભરી હો !

સરિતાને કાંઠે ને સાગરની પાળે
ધરતીની પાટે ને આભ તણી ડાળે,
ફૂલડાં ફોરે જે દિવસે ને રાતે,
ક્યારી મારી તેણે મ્હેકી રહી !
ફૂલછાબ આજ મારી ફૂલે ભરી હો !

કોકિલાની કીકીએ લ્હેરે જે સોણલાં,
રજનીની ચૂંદડીએ ઝૂલે જે હીરલા,
ચંદાની પાંપણે ખીલે જે ફૂલડાં,
આવ્યાં છાનાં ફૂલછાબે ઝરી !
ફૂલછાબ આજ મારી ફૂલે ભરી હો !

જીવનનાં તેજ ને મૃત્યુની છાયા,
સ્નેહની સુધા ને આંસુડાંની ધારા,
ગૂંથો ગૂંથો એ ફૂલડાંની માળા !
ગૂંથો માળા ને ફૂલ વીણો ફરી !
ફૂલછાબ આજ મારી ફૂલે ભરી હો !