બાળ કાવ્ય સંપદા/ફૂલોમાં ફૂલ
Jump to navigation
Jump to search
ફૂલોમાં ફૂલ
લેખક : માલિની શાસ્ત્રી
(1935)
ફૂલોમાં ફૂલ એક જોયું કપાસનું,
પીળું પીળું ફૂલ મેં તો જોયું કપાસનું... ફૂલોમાં
માવડીએ પ્રેમથી ભરી મને બાથ,
ફૂલ તોડવા ગયો તો રોકે મારો હાથ,
મા કહે : “૨હેવા દે, ફૂલ તોડાય ના,
ઘણા ઉપકાર છે પીળા ફૂલના આ... ફૂલોમાં
ફૂલડું સુકાય આ, ને આપે છે રૂ,
પીળું પીળું ફૂલ અને ધોળું ધોળું રૂ,
રૂની દિવેટ બની પ્રગટાવે દીવો,
જાતે જલીને ઉજાસ કરે કેવો !!... ફૂલોમાં.
રૂની થાય પૂણી ને પૂણીમાંથી તાર,
તારને વણીને થાય કાપડ તૈયા૨,
એ રે કાપડથી ઢંકાય અમ કાયા,
પીળું તે ફૂલ આપે આપણને છાયા. ફૂલોમાં
ધરતીએ દીધાં છે ફૂલડાં કંઈ કમ !
પણ ફૂલોમાં ફૂલ છે કપાસ ઉત્તમ.
ફૂલોમાં ફૂલ એક જોયું કપાસનું,
પીળું પીળું ફૂલ મેં તો જોયું કપાસનું.