બાળ કાવ્ય સંપદા/સાગરને ખોળે
Jump to navigation
Jump to search
સાગરને ખોળે
લેખક : માલિની શાસ્ત્રી
(1935)
સાગરને ખોળે ને પાણીની છોળે,
હંકારું હું તો મારી નાનકડી હોડી.
નાનાં હલેસાં ને નાનકડી હોડી,
હલેસાં મારું ત્યાં દરિયામાં દોડી,
હંકારું હું તો મારી...હોડી.
મસમોટાં મોજાંની વાગે છે છાલક,
શીતલ છાંટાની કેવી લાગે છે ટાઢક,
બંધ થાય આંખ બીક લાગે થોડી થોડી,
હંકારું હું તો મારી... હોડી.
માછીનો દીકરો ને નાનો હું બાળ,
રેતીમાં વીણતો હું છીપલાંનો થાળ,
વીણતો શંખલા ને કોડી
હંકારું હું તો મારી...હોડી.
આજ ભલે નાનો મોટો થાઉં કાલ,
ઊંડા પાણીમાં ફેલાવું મારી જાળ,
દરિયો ખેડું ને ઝાલું વ્હેલની જોડી,
હંકારું હું તો મારી...હોડી.
સાગરને ખોળે ને પાણીની છોળે,
હંકારું હું તો મારી નાનકડી હોડી.