બાળ કાવ્ય સંપદા/મજા પડી
લેખક : હસિત બૂચ
(1921-1989)
મજા પડી, ભઈ, મજા પડી !
કીડી આજે
હાથી સાથે
લડી પડી, ભઈ, લડી પડી.
બાવાજીના પ્રસાદમાંથી
કીડી લેતી કણ બે કણ,
પીપળછાંયે ઊભો હાથી
ઝાપટતો'તો મણ ને મણ;
તોય અરે, એ સહી રહી !
આજ છેવટે લડી પડી !
દરમાંથી ડોકાયો ઉંદર
પૂછે સૌને : ચૂં ? ચૂં ? ચૂં ?
ગર્દભ મૂંગો, કકળે કાબર;
પવન પૂછતો : સૂ ? સૂ ? સૂ ?
ગરબડ સઘળે મચી ગઈ !
અ૨૨, કીડી વઢી પડી !
ખેસ ચડાવી શેઠ પધાર્યા,
જમાદા૨ આવ્યા દોડી;
વાળંદ ધોબી કુંભાર ધાયા
કામ બધું છોડી છોડી;
ઠઠ ચોમેર બઢી જ રહી !
અધધધ, કીડી વઢી પડી !
થોડી વાર ઉપર અહીં મોટો
બનાવ ભૂંડો બની ગયો :
લાડકડો ભાઈ મંકોડો
હાથીપગલે મરી ગયો !
બસ, બસ, બહેની રણે ચડી !
ધન ! ધન ! કીડી લડી પડી !
ધૂળ હવે તો આભ ચડે, ને
ધરતી આખી ધ્રૂજે છે !
હાડ પીપળાનાં ખખડે, ને
દેવસિંહાસન ડોલે છે !
લડવઢ આવી નથી થઈ !
હર ! હર ! કીડી લડી પડી !
નારદજીએ બેઉ જણાંને
કાન મહીં કંઈ સમજાવ્યા;
થાક્યો હાથી પડ્યો તળાવે,
કીડીબાઈ તટે આવ્યાં;
ભાઈ સાંભર્યો; રડી પડી !
દડ દડ કીડી રડી પડી !