બાળ કાવ્ય સંપદા/મારો પડછાયો
Jump to navigation
Jump to search
મારો પડછાયો
લેખક : રમેશ પારેખ
(1940-2006)
આ મારો પડછાયો છે
જો ને મમ્મી, મારા જેવો એ પણ કેવો ડાહ્યો છે...
મારી સાથે ચાલે છે
મારી સાથે રમે છે
મારી સાથે કૂદે છે
મારી સાથે જમે છે
હું ય એને ગમું છું
એ ય મને ગમે છે
તું નવડાવે ત્યારે મારી સાથે એ પણ નાહ્યો છે.
હું જ્યારે ઊંઘું છું
ત્યારે એ ક્યાં જાય છે ?
અંધારામાં શેાધું છું
ત્યારે ક્યાં ખોવાય છે ?
એની મમ્મી કોણ છે ?
કોણ એનો ભાઈ છે ?
કેમ કદી એ નથી બોલતો ? શા માટે રિસાયો છે ?