બાળ કાવ્ય સંપદા/મોટ્ટો મોટ્ટો થાઉં
Jump to navigation
Jump to search
મોટ્ટો મોટ્ટો થાઉં
લેખક : રમેશ પારેખ
(1940-2006)
દોરાની હું દાઢી ચોડું, રૂની મૂછ બનાવું,
તપેલીની ટોપી પહેરી દરશન કરવા જાઉં !
મોટ્ટો મોટ્ટો થાઉં,
દાદા બની જાઉં !
ચશ્માં પહેરું, છાપું વાંચું, ડોળા કાઢું મોટા,
ડાહ્યાડમરા થઈને બેસે તેના પાડું ફોટા.
મોટ્ટો મોટ્ટો થાઉં,
પપ્પા બની જાઉં !
અંધારામાં ઊભો રહું ને બિલ્લીથી ના ડરું,
હાથે હાથે નહાઈ લઉં ને ઝાઝું લેસન કરું,
મોટ્ટો મોટો થાઉં,
ભાઈ બની જાઉં !
રાતે પાછો નાનકડો થઈ મમ્મી પાસે જાઉં,
મારી વહાલી મમ્મીનો હું ‘ડાહ્યો દીકો' થાઉં,
નીરજ બની જાઉં,
તરત સૂઈ જાઉં !