બાળ કાવ્ય સંપદા/સરકસ આવ્યું
લેખક : રમેશ પારેખ
(1940-2006)
સરકસ આવ્યું, સરકસ આવ્યું, સરકસ આવ્યું રે
ભાતભાતની જાતજાતની નવાઈ લાવ્યું રે.
અધ્ધ ધ્ધ ધ્ધ બાંધ્યો તંબૂ
નવા નવા છે ખેલ
ચાલો, સરકસ જોવા પપ્પા
આજે કરીએ સ્હેલ
એક વાંદરો માણસ જેવો
ટેબલ ખુરશી માંડી
ચશ્માં પહેરે, છાપું વાંચે
એની પૂછડી બાંડી
રીંછ ગુંલાટો ખાતું ખાતું
હીંચકે, ઊંધું થાય
શીંગદાળિયા આપો તો એ
માણસ પેઠે ખાય
પંદર હાથી આવે ત્યારે
ખૂબ પાડે છે ગમ્મત
દડો ઉછાળી હાથી રમતા
ફૂટબૉલની રમ્મત
દડબડ દડખડ ઘોડા આવે
ચક્કર ચક્કર દોડે
ઉપર ડગમગ ઊભો માણસ
ફટ ફટ બંદૂક ફોડે
પછી સિંહનો ખેલ-સિંહ તો
જાણે સાવ બિલાડી
માણસ એને ખેલ કરાવે
ને પહેરાવે સાડી
ઊંચે ઊંચે માણસ ઝૂલતા
સરખા સરખા લાગે
કોઈ નીચે પડી જાય તો
તરત હાડકાં ભાંગે
એક ડાગલો ઠીંગુમીંગુ
એક ડાગલો લંબૂ
એક ડાગલો જાડોપાડો
એક ડાગલો ચંબૂ
બધા ડાગલા પટપટિયાથી
એક બીજાને મારે
ફટાક કરતો થાય ફટાકો
હસવું આવે ત્યારે.