બાળ કાવ્ય સંપદા/શ્રીમાન અમથાલાલ

શ્રીમાન અમથાલાલ

લેખક : રમણલાલ સોની
(1908-2006)

એક હતા શ્રી અમથાલાલ, એ અમથા અમથા બોલે,
અમથા અમથા લાકડી લઈને અમથા અમથા છોલે

અમથા અમથા ખાવા બેસે, અમથા અમથા પીએ
અમથા અમથા માખો મારે, અમથા અમથા બીએ !

અમથા અમથા ચાલવા માંડે, અમથા અમથા દોડે,
અમથા અમથા બાટલી લઈને, અમથા અમથા ફોડે !

અમથા અમથા કરે કમાણી, અમથા અમથા ખૂએ,
અમથા અમથા લાફો ખાઈને, અમથા અમથા રુએ !