બાળ કાવ્ય સંપદા/હીંચકો બાંધ્યો મેં

હીંચકો બાંધ્યો મેં

લેખક : માલિની શાસ્ત્રી
(1935)

હીંચકો બાંધ્યો મેં તરુવરિયા ડાળ,
હીંચકો ઝૂલે છે સરવરિયા પાળ... હીંચકો.

હીંચકાની પાટ પરે ગોળ ગોળ કડલાં,
ગોળ કડલાંએ બાંધ્યા હીરગૂંથ્યાં દોરલા.
દોરલા ઝાલીને હું તો હીંચકીયે ઝૂલું,
ઊભી થાઉં, બેસી જાઉં ભણવાનું ભૂલું.... હીંચકો.

ભાઈલો ચગાવે મારા હીંચકાને આભલે,
હીંચકો ચગે ને અડે આભલાને ચાંદલે.
આભલેથી તોડ્યા એણે ચમકંતા તારલા,
ચમકંતા તારલાના કીધા મેં તો હારલા... હીંચકો.

હારલો પે’રીને હું તો ગરબામાં ઘૂમતી,
મંદિરમાં જઈ હું તો માતાજીને નમતી.
ગરબા રમીને હું તો હોંશભેર થાકી,
ઘેર જઈ ઘરકામ કરીશ હું તો બાકી... હીંચકો.