બાળ કાવ્ય સંપદા/સપનું
સપનું
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
કાલે મેં બા, નીંદર માંહી એવું સપનું જોયું,
કે નભની વહેતી ગંગામાં મેં મુખડું મારું ધોયું.
છૂદાદા બેઠા’તા વાદળીને ટેકે,
ચાંદામામા બેઠા’તા તારલીને ટેકે.
બન્નેને સાથે જોઈને મનડું મારું મ્હોયું.
કાલે મેં બા ! નીંદર માંહી એવું સપનું જોયું.
સૂરજદાદાએ મને સોનું સજાવ્યું,
ચાંદામામાએ મને રૂપું પહેરાવ્યું,
તારાઓને વીણી વીણીને ગજવું મેં તો ભર્યું,
કાલે મેં બા ! નીંદર માંહી એવું સપનું જોયું.
ચાંદાની ગોદમાં સસલું રમે,
ધોળું, સુંવાળું, મને અડવું ગમે,
લગ્ગી જેવી આંખો, એમાં મનડું મારું મોહ્યું,
કાલે મેં બા ! નીંદર માંહી એવું સપનું જોયું.
સૂરજદાદાએ મને ફૂલડાં દીધાં,
ચાંદામામાને ઘેર દૂધડાં પીધાં,
પરીઓની પાંખો ફરફરતી, મનડું એમાં મોહ્યું.
કાલે મેં બા ! નીંદર માંહી એવું સપનું જોયું.