બાળ કાવ્ય સંપદા/હોળી આવી રે

હોળી આવી રે

લેખક : માલિની શાસ્ત્રી
(1935)

હોળી આવી રે આવી રે હોળી આવી રે.
હોળી લાવી રે લાવી રે હોળી લાવી રે.
શું શું લાવી રે લાવી રે હોળી લાવી રે ?

આંબાડાળે મહોર લાવી,
કોયલનો કલશોર લાવી,

રંગબેરંગી ફૂલડાં લાવી રે...
હોળી.



કેસૂડાંનો રંગ લાવી,
તનમનનો ઉમંગ લાવી,

જંગલમાં એ મંગલ લાવી રે..
હોળી.



પતંગિયાંનાં ટોળાં લાવી,
ભમરાનાં એ ગુંજન લાવી,

ઉત્સવનો આનંદ લાવી રે.
હોળી.



પિચકારી રંગમાં બોળી,
રંગી ઘેરૈયાની ટોળી,
મસ્તીથી રંગમાં રોળી.
એવી ખેલી અમે રંગહોળી.