બાળ કાવ્ય સંપદા/હરણું અને ઝરણું
Jump to navigation
Jump to search
હરણું અને ઝરણું
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
ભૈ,એક હતું ઝરણું ને એક હતું હરણું,
ખળભળ વ્હેતું ઝરણું, નાચે-કૂદે હરણું.
ઝરણાભૈની સંગે, હરણું ફરતું રંગે,
વગડે બેઉ ભમતાં, દિવસ આખો ૨મતાં.
વૃક્ષો ગીતો ગાય છે, પંખીડાં હરખાય છે,
ઝરણું તો છલકાય છે, હરણાભૈ મલકાય છે.
આવ્યો શિયાળો થરથર, પાંદડાં ખરે ખરખર,
વાયરા ફૂંકે સરસર, ઝરણું ધ્રૂજે થરથ૨.
ઉનાળો તો બળબળ, ક્યાં ઝરણાનાં જળજળ ?
સૂરજ સળગે ભડભડ, ઝરણાભૈને ફડફડ.
હરણાભૈ તો રોતા, ઝરણાભૈને જોતા,
આંખે આંસુ લ્હોતા, ઝરણાભૈને જોતા.
ઝરણું કહેતું : બંકા, શાને ધ૨વી શંકા ?
દરિયાને ડહોળાવશું, વાદળને બોલાવશું !
જુઓ, આભને ખૂણે, વાયરા કેવા ધૂણે !
વાદળ દોડી આવ્યાં, વીજબહેનને લાવ્યાં
ડુંગર ડુંગર પાણી, કોણ લાવ્યું તાણી ?
વગડે વગડે પાણી, થઈ કેવી ઉજાણી !
પંખીડાં હરખાય છે, વૃક્ષો ગીતો ગાય છે,
ઝરણાભૈ છલકાય છે, હરણાભૈ મલકાય છે