બાળ કાવ્ય સંપદા/હો ભાઈબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હો ભાઈબંધ!

લેખક : કરસનદાસ લુહાર
(1942)

ફૂલોમાં હાથ અમે બોળ્યા હો ભાઈબંધ !
ફૂલોમાં હાથ અમે બોળ્યા રે લોલ !
આંખોમાં રંગ અમે ઘોળ્યા હો ભાઈબંધ,
આંખોમાં રંગ અમે ઘોળ્યા રે લોલ !
ઊડતાં પતંગિયે બુડ્યા હો ભાઈબંધ,
ઊડતાં પતંગિયે બુડ્યા રે લોલ !
રંગો પહેરીને પછી, ઊડ્યા હો ભાઈબંધ,
રંગો પહેરીને અમે ઊઠ્યા રે લોલ !
તડકાનાં નીર અમે ડહોળ્યાં હો ભાઈબંધ,
તડકાનાં નીર અમે ડહોળ્યાં રે લોલ !
વાયરાનાં ચી૨ને ઝબોળ્યાં હો ભાઈબંધ,
વાયરાનાં ચીર અમે ચોળ્યાં રે લોલ !
ઝરમરતાં વાદળાં ઓઢ્યાં હો ભાઈબંધ,
ઝરમર આકાશ અમે ઓઢ્યાં રે લોલ !
લીલી તળાઈ અમે પોઢ્યા હો ભાઈબંધ,
લીલી તળાઈ અમે પોઢ્યા રે લોલ !
પંખીને કાન અમે દીધા હો ભાઈબંધ,
પંખીને કાન અમે દીધા રે લોલ !
ટહુકાઓ કાન ભરી પીધા હો ભાઈબંધ,
ટહુકાઓ કાન ભરી પીધા રે લોલ !