બે હજાર ચોવીસ સમક્ષ/અક્ષરપ્રતિમા કિશનસિંહ ચાવડા – મહેન્દ્રસિંહ પરમાર
સંશોધન-વિવેચન
પ્રફુલ્લ રાવલ
એક આત્મચિંતક-શોધકની કલમયાત્રાનો સ્વાધ્યાય
‘અમાસના તારા’થી ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત સર્જક કિશનસિંહ ચાવડાના સર્જન-લેખન પર સ્વાધ્યાય કરીને મહેન્દ્રસિંહ પરમારે ડૉક્ટરેટ ઉપાધિ પ્રાપ્ત કરી, એ પછી અઢી દાયકે એ સ્વાધ્યાયમાં થોડા સુધારા-વધારા કરીને એને ‘અક્ષરપ્રતિમા કિશનસિંહ ચાવડા’ એ પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે. આ સ્વાધ્યાય-સંશોધન મહાનિબંધ પણ પારંપરિક ઢાંચા રૂપનો જ છે. પરંતુ વિદ્યારાગે ક્યાંક આગવું મૂલ્યાંકન થયું છે. એટલે આ પુસ્તકનું રૂપ વિદ્યાર્થીઓ માટે માત્ર માર્ગદર્શનરૂપ પુસ્તક ન બનતાં અભ્યાસીઓને માટે પણ, અમાસથી પૂનમ ભણીની યાત્રા કરતા સર્જક અને ચિંતક કિશનસિંહની ઓળખ આપી રહે છે. મહાનિબંધ-લેખન નિમિત્તે આપણે ત્યાં મહદંશે જે સ્વાધ્યાય થાય છે તેમાં ચતુર્દિશ થયેલા પૂર્વસૂરિના સ્વાધ્યાય-લેખનના અંશો-અવતરણોનું સંકલન કરીને સંશોધન-સ્વાધ્યાય કર્યાનો સંતોષ માનવાની પ્રણાલી દૃઢ થઈ છે. રૂઢ પણ થઈ છે. ત્યાં એ સંશોધક-સ્વાધ્યાયીના મૌલિક અર્થઘટનની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાય છે પરંતુ મહેન્દ્રસિંહના આ સ્વાધ્યાયમાં સંકલન-સંપાદન સાથે એમની સમજ અને દૃષ્ટિનો મેળ થયો છે તે એમણે કરેલાં કેટલાંક નિરીક્ષણો પરથી સમજાય છે. સાત પ્રકરણમાં વિભાજિત આ પુસ્તકના પ્રથમ પ્રકરણ ‘ભૂમિકા’માં લેખકે કરવા ધારેલા સ્વાધ્યાયની રૂપરેખા દર્શાવી છે. પ્રત્યેક સર્જક-લેખક રાષ્ટ્રનાં પરિબળોથી સાવ અલિપ્ત ન રહી શકે. એ સંદર્ભે મહેન્દ્રસિંહ પરમારે તત્કાલીન રાષ્ટ્રીય પરિબળો દર્શાવીને, “કિશનસિંહના સાહિત્યસર્જનમાં પણ રાષ્ટ્રવ્યાપી પ્રભાવો ધરાવનારાં પરિબળોએ ઘણો ભાગ ભજવ્યો છે એમ નોંધ્યું છે.(પૃ. ૧૧) આટલી સ્પષ્ટ ભૂમિકા પછી કિશનસિંહના વ્યક્તિત્વનો સવિસ્તર પરિચય ‘કિશનસિંહ – જીવનસંદર્ભ’ પ્રકરણમાં મળે છે. પ્રારંભે એમણે દર્શાવ્યું છે કે, ‘સામાન્ય રીતે લેખકના સમગ્ર વાઙ્મયના અભ્યાસ વખતે લેખકના જીવનની વિવિધ ઘટમાળોનો ઉલ્લેખ ન કરીએ તો ચાલે પરંતુ કિશનસિંહ ચાવડાના સાહિત્યનું ચાલકબળ અંકે કરવા એમના જીવનના વિવિધ વારાફેરાની નોંધ લેવી જરૂરી બની રહે છે.’ (પૃ. ૧૨) અને એ જ પ્રકરણમાં ‘સર્જનમુદ્રા’ શીર્ષક હેઠળ કિશનસિંહનાં પુસ્તકોનો પ્રારંભિક પરિચય આપ્યો છે. એમણે અભ્યાસ બરાબર કર્યો છે તેની પ્રતીતિ ‘કુમકુમ’ વાર્તાસંગ્રહની પ્રકાશન-સાલ અંગે કરેલી ટકોર પરથી સમજાય છે. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત સાહિત્યકોશની ક્ષતિનો પણ નિર્દેશ કર્યો છે. વળી એ કોશમાં કિશનસિંહકૃત ‘અંતરદેવતા’નો ઉલ્લેખસુધ્ધાં નથી એ પણ દર્શાવ્યું છે. આ છે એમની સંશોધનગતિ. અહીં એમણે એમના સ્વાધ્યાયની દિશાનો નિર્દેશ પણ કર્યો છે. આ સંદર્ભે એમનું નિમ્ન વિધાન જાણીએ : ‘એટલે જ “અમાસના તારા’, ‘હિમાલયની પત્રયાત્રા’ જેવાં એમનાં નિબંધ-સ્વરૂપનાં પુસ્તકોને અથવા ‘અમાસથી પૂનમ ભણી’ જેવી આત્મકથાને પણ લલિત વાઙ્મયના મૂલ્યાંકનના માપદંડથી જ જોવાનાં રહે છે.’ (પૃ. ૨૨, ૨૩) ‘વાર્તાકાર કિશનસિંહ’ એ ત્રીજા પ્રકરણથી આ સ્વાધ્યાયનો ઉઘાડ થાય છે. કિશનસિંહના વાર્તાલેખનનાં મૂળ મહેન્દ્રસિંહને એમણે કરેલા પરભાષાના અનુવાદમાં દેખાયાં છે. એ અનુવાદથી કિશનસિંહની ‘એક ચોક્કસ પ્રકારની વાર્તાદૃષ્ટિ ઊઘડી’ (પૃ. ૨૪) હોય એવું મહેન્દ્રસિંહનું માનવું છે. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલા ટૂંકી વાર્તાના સંગ્રહ ‘કુમકુમ’ વિશે અહીં સવિગતે સ્વાધ્યાય ઉપલબ્ધ થયો છે. વાર્તાનાં બધાં પાસાંની ચર્ચા એમણે કરી છે. અલબત્ત, અધ્યાપકીય વિવેચનાનું પલ્લું નમેલું લાગે છે. ‘કુમકુમ’માં સમાવિષ્ટ સોળ વાર્તામાં ‘ભિખારણની દુવા”, ‘આત્માનો વધ’, ‘સપનાનું સત્ય’, ‘વંધ્યા’ એ વાર્તાઓને મહેન્દ્રસિંહે ઉત્તમ લેખી છે. ‘શર્વરી’ની વાર્તાઓ મહેન્દ્રસિંહને ‘એક આખા યુગના વાતાવરણનું પ્રતિનિધિત્વ કરતી’ (પૃ. ૫૨) લાગી છે. અને એ જ એમની દૃષ્ટિએ ‘સંગ્રહનું વિશિષ્ટ અંગ છે.’ (પૃ. ૫૨) કિશનસિંહની વર્ણનકળાનો અહીં સારી રીતે ઉલ્લેખ થયો છે, તે પણ યોગ્ય ઉદાહરણો સાથે. આ વાર્તાઓના પરિવેશ સંદર્ભે મહેન્દ્રસિંહનું અવલોકન છે, ‘ગાંધીજીના વિચારો અને એમના પ્રભાવને એક કરતાં વધુ વખત વાચા મળી છે.’ (પૃ. ૫૭) આ સ્વાધ્યાયમાં ‘શર્વરી’માંની ટૂંકી વાર્તાઓમાં પ્રયોજાયેલા અલંકારોની અને વર્ણનછટાની નોંધ કરીને મહેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગ ચીંધ્યો છે. એમણે કરેલું નિરીક્ષણ પણ એમના અભ્યાસનું દ્યોતક છે. કિશનસિંહ ચાવડાની ‘ચંદનનો સાબુ’ વાર્તા ઠીક વખણાઈ હોવા છતાં ‘પુનર્મૂલ્યાંકનની શક્યતાના ભાગ રૂપે અત્યારે આ વાર્તાને પ્રમાણી શકાતી નથી એટલું જ નોંધવાનું થાય છે.’ (પૃ. ૭૩) એવું સ્પષ્ટ વિધાન કર્યું છે. આ જ વાર્તા વિશે વિશેષમાં મહેન્દ્રસિંહે નોંધ્યું છે કે આ વાર્તા ‘સંગ્રહની સારી વાર્તાઓમાં સ્થાન ચોક્કસ પામે પણ ઉત્તમતાના માપદંડોમાં પૂરા ગુણ મારી ભાવકતા એને નથી આપી શકી’ (પૃ. ૭૧) આ નિરીક્ષણ એમના સઘન અભ્યાસને ચીંધે છે. જ્યારે કોઈ સર્જકની કૃતિઓની વિવેચના ઓછી મળે ત્યારે સ્વાધ્યાય વધુ શ્રમ ને સમજ માગે છે. જ્યારે પૂર્વસૂરિની વિવેચના અલ્પ હોય ત્યારે એ સર્જકના સર્જનને પ્રમાણવામાં સ્વાધ્યાયીની કસોટી થાય છે. ત્યાં જ મૌલિક અર્થઘટનનું મૂલ્ય વધે છે. અહીં ક્યાંક મહેન્દ્રસિંહનો સ્વાધ્યાયશ્રમ જોવા મળે છે. વાર્તાકાર કિશનસિંહનું ઉચિત મૂલ્યાંકન થયું છે. જે સ્વાધ્યાયીની આગવી સમજને ઉજાગર કરે છે. ટૂંકી વાર્તા લખનાર લઘુનવલ કે નવલકથાનું સર્જન-લેખન કરવા પ્રેરાય તે સ્વાભાવિક ક્રમ છે. આ ક્રમે કિશનસિંહે પુરાકથા આધારિત ‘ધરતીની પુત્રી’ નવલકથા લખી છે પરંતુ એ દિશામાં કિશનસિંહ સફળ થયા નથી. એથી મહેન્દ્રસિંહ સર્વથા સાર્થ મૂલ્યાંકન રૂપે તેને ‘પવિત્ર’ નિષ્ફળતા’ લેખે છે. કિશનસિંહની ઓળખ તો નિબંધકારની. આ સ્વાધ્યાયમાં પંચાણું પાનાંમાં નિબંધકાર કિશનસિંહનું મૂલ્યાંકન થયું છે જે સ્વાધ્યાયીના શ્રમ કે સમજને ઉજાગર કરે છે. સવિગતે સાધાર મૂલ્યાંકનમાં પૂર્વસૂરિના અભ્યાસનો લાભ લઈને મહેન્દ્રસિંહે નિબંધકાર કિશનસિંહની જે છવિ અભિવ્યક્ત કરી છે તે સ્તુત્ય છે. કિશનસિંહની નિબંધસૃષ્ટિ ખાસ્સી ભાતીગળ છે. ભાગ્યે જ જીવનનું કોઈ પાસું એ નહીં સ્પર્શ્યા હોય! કિશનસિંહના અનુભવોની ગઠરી અહીં બરાબર ખૂલી છે, પાત્રો છે તો પ્રસંગો છે. કુટુંબકથા છે તો રજવાડાની સૃષ્ટિ નિરૂપાઈ છે ગાંધીકથા હાજર છે તો જીવનના માંગલ્યને એમણે નિબંધમાં આલેખ્યું. આ સઘળાં પાસાં પરનો મહેન્દ્રસિંહનો સ્વાધ્યાય આ મહાનિબંધનું ઊજળું પાસું છે. કિશનસિંહના સર્જનાત્મક ગદ્યની સુગંધ જ્યાં પમાઈ ત્યાં તેને મહેન્દ્રસિંહે બરાબર પ્રમાણીને અભિવ્યક્ત કરી છે. ગુજરાતી નિબંધ મોન્તેઇનની છાયામાં નહીં પણ અંગ્રેજી નિબંધની છાયામાં વિકસ્યો તેથી પ્રારંભે તે વિચારનો વાહક બન્યો છે. કાકાસાહેબથી લલિત નિબંધનો ઉઘાડ થયો. એ સર્જનાત્મક પણ બન્યો. આ બંને ધારા કિશનસિંહના નિબંધોમાં દૃષ્ટિગોચર થાય છે તેની સવિગતે વાત મહેન્દ્રસિંહે કરી છે. એમણે કિશનસિંહના નિબંધોમાંના વૈવિધ્યને પ્રમાણ્યું છે. ‘અમાસના તારા’ એ નિબંધસંગ્રહ નિબંધની મૂળ વિભાવનાથી અલગ રૂપ ધરાવતો હોઈ મહેન્દ્રસિંહ પરમારે વિજય શાસ્ત્રીના મંતવ્યને નોંધીને ‘વિભાવનાઓ અંતે તો સાહિત્યકૃતિઓને આધારે ઘડાતી હોય છે’ એટલું દર્શાવીને, ‘અમાસના તારા’ના પ્રસંગોને નિબંધ નામાભિધાન કરી લઈએ’ (પૃ. ૮૫) એમ તારવ્યું છે અને એ આધારે જ એનો અભ્યાસ કર્યો છે. ‘અમાસના તારા’ના પ્રસંગોનાં નવ વિભાજન કર્યાં છે અને એ પ્રત્યેકની ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. સાથે પોતાનું નિરીક્ષણ મૂક્યું છે. જેમ કે, ‘આ કુટુંબકથાઓ વાંચતાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનાં મૂળ કેટલાં તો ઊંડાં છે તેની સુખદ અનુભૂતિ થયા વિના રહેતી નથી.’ (પૃ. ૯૧) મહેન્દ્રસિંહે એ સંદર્ભે કિશનસિંહ ચાવડાની નિબંધકાર છબીને ઉજાગર કરી છે. અને તારવ્યું છે કે, ‘આ પુસ્તકની સફળતા પાછળ જનસામાન્યને સ્પર્શે એવી ઉદાત્ત ભાવનાશીલતા છે.’ (પૃ. ૯૮) વળી ‘લેખક લગભગ દરેક પ્રસંગને અંતે કંઈક ચિંતનાત્મક છોડતા જાય છે.’ (પૃ. ૯૮) એવું કહે છે. ગદ્યની આસ્વાદ્યતા કિશનસિંહની ભાષા અને શૈલીથી સુલભ બની છે તેની એમણે સોદાહરણ ચર્ચા કરી છે. એનું સારરૂપ કથન આવું છે : ‘જીવંત અને ગતિશીલ પાત્રચિત્રણ, સચોટ પ્રસંગકથન, ખપ પૂરતી સંવાદકળા જીવનના અંતરતમને ઊંડળમાં લેતી સર્જકતાને કારણે ‘અમાસના તારા’ કિશનસિંહના સર્જનયજ્ઞનું શ્રેષ્ઠ ફળ ગણાયું છે.’ (પૃ. ૧૦૧) ‘અંતરદેવતા’માં ગાંધીજીનું ચરિત્રાલેખન થયું છે. સ્વાધ્યાયીએ તેનું અવલોકન પૂરા ભાવથી કર્યું છે ને નોંધ્યું છે – ‘આ નિબંધો એની આત્મકથનાત્મક શૈલીને કારણે લલિતનિબંધની દિશામાં જતા લાગે પણ એમાં નિરૂપિત સામગ્રી, એમાં આવતી વિગતો એને અનૌપચારિક બનતાં અટકાવે છે.’ (પૃ. ૧૧૭) ‘જિપ્સીની આંખે’ના સંદર્ભે સ્વાધ્યાયનું નિરીક્ષણ આવું છે : ‘આ ચરિત્રનિબંધો ગુણવત્તાની દૃષ્ટિએ થોડા નબળા લાગે છે.’ (પૃ. ૧૨૪) વળી ‘આ સંગ્રહ સાંગોપાંગ નથી’ (પૃ. ૧૨૪) એવું પણ એ કહે છે. ‘હિમાલયની પત્રયાત્રા’ મહેન્દ્રસિંહને ‘આનંદરસના સંકીર્તનની કથા’ (પૃ. ૧૩૮) લાગી છે. આ નિબંધો એમને ‘શુદ્ધ લલિતનિબંધ’ જ લાગ્યા છે. ‘તારામૈત્રક’ના ચરિત્રનિબંધોના આલેખનમાં સ્વાધ્યાયીને ‘ખાસ વૈવિધ્ય’ (પૃ. ૧૬૨) દેખાયું નથી. ‘સમુદ્રના દ્વીપ’ની સંદર્ભો સહિતની અવલોકના મળે છે. આ સંગ્રહના ‘વિત્ત’ની નોંધ ગુજરાતી વિવેચને નથી લીધી તેનો વસવસો સ્વાધ્યાયીએ વ્યક્ત કર્યો છે. અને ‘એમાં પ્રગટતું લેખકનું ગ્રહણશીલ વ્યક્તિત્વ આ ક્ષેત્રમાં જૂજ કહી શકાય એવા અનુભવક્ષેત્રનું પ્રતિબિંબ પાડે છે.’ (પૃ. ૧૩૮) નિબંધકાર કિશનસિંહની સાર્થ છબી ઉજાગર કરવાનો ખાસ્સો પરિશ્રમ ને સ્વાધ્યાય અહીં પમાય છે. કિશનસિંહ ચાવડાની કલમયાત્રાનો અંતિમ પડાવ તે આત્મકથાલેખન. એની અભ્યાસી ચર્ચા અહીં ઉપલબ્ધ થઈ છે. એ કૃતિસંદર્ભે થયેલી વિવેચનાનો ખાસ્સો વિનિયોગ કરીને એની ગુણવત્તા ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો છે. ‘અમાસથી પૂનમ ભણી’ કિશનસિંહની ‘જિજ્ઞાસાની યાત્રાનો હદ્ય આલેખ બની રહે છે. ‘સત્ય આલેખવાની એમની વૃત્તિ, એમની નિખાલસતા અને સહજ અભિવ્યક્તિને કારણે આપણી ભાષામાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર આત્મકથાઓમાં નિઃશંક ગણના થઈ શકે.’ (પૃ. ૨૧૮). આમ, મહેન્દ્રસિંહની અભ્યાસવૃત્તિ સાથે ક્યાંક આગવાં નિરીક્ષણથી એક આત્મચિંતક-શોધકની કલમયાત્રાનો સ્વાધ્યાય સુલભ થયો.
[પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.]