બે હજાર ચોવીસ સમક્ષ/સાંધ્યદીપ – વીનેશ અંતાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

નવલકથા

‘સાંધ્યદીપ’ : વીનેશ અંતાણી

ધીરેન્દ્ર મહેતા

કથાસ્વરૂપની સૂઝસમજ દાખવતી નવલકથા

વીનેશ અંતાણીની આ અઠ્યાવીસમી નવલકથાનું કથાવસ્તુ આવું છે : આધેડ વયનો કથાનાયક સંજય અધ્યાપકની નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયેલો છે. કથાનો આરંભ થાય છે ત્યારે તે એકલો જ વલસાડથી પોતાને ગામ આવેલો છે. વલસાડ પણ તે એકલો જ રહેતો હશે કારણ કે નિવૃત્તિ પછી પોતાને વતન વલસાડ રહેવા ગયેલાં માતાપિતા અવસાન પામ્યાં છે અને પત્ની તથા પુત્ર સાથે તેને મનોમેળ નથી. એ બન્ને વરસોથી અમેરિકા રહે છે. પુત્રી સાસરે ગુરુગ્રામ. સંજય નવલકથાકાર પણ છે. એની સંવેદનશીલતા એ કારણે પણ હોય. ચાળીસેક વરસ પછી એ ગામ આવ્યો છે. એનો આશય વીતેલા સમયમાં ગામના રૂપને રૂબરૂ થવાનો અને નવલકથાલેખન માટે મોકળાશ મેળવવાનો છે. એ ગામના જુદાજુદા વિસ્તારમાં ફરે છે, એના બદલાયેલા (વિ)રૂપને નીરખે છે. વીતેલા વખતનાં પરિચિતોને મળે છે. એમનાં વીતક જુએ-જાણે-સાંભળે છે. એમાંથી જન્મતી વેદનાનો અનુભવ કરે છે. એ વેદના જ કદાચ છેવટે એની કને એક વાડી ખરીદી ભવિષ્યમાં એમાં ઘર બાંધી રહેવાનો નિર્ણય લેવડાવે છે. કથાનું આ એક સૂત્ર છે. કથાનું એક બીજું સૂત્ર પણ છે. તેનો છેડો સંજયના લગ્નજીવનમાં ગંઠાયેલો છે. પ્રકૃતિભેદને કારણે પ્રતિમા સાથેના સંજયના પ્રેમલગ્નમાં વિસંવાદ સર્જાયેલો છે. હજુ કાનૂની રીતે વિચ્છેદ થયો નથી પરંતુ પ્રતિમા પુત્રની સાથે રહેવા વિદેશ જતી રહી છે અને પાછી આવે એમ લાગતું નથી. આ વિક્ષુબ્ધ અવસ્થાએ પણ સંજયને વતન સાથેના પોતાના ઉષ્માભર્યા સમય અને સંબંધો તરફ ખેંચ્યો હોય એવું કલ્પી શકાય એમ છે. લેખકનો મનોરથ વતનના ‘વીતક’ (વીતેલો સમય તથા સંકટ, બન્ને અર્થમાં)-ની કથા આલેખવાનો હોય પરંતુ એમાં વજન માનવસંબંધોના નિરૂપણનું અનુભવાય છે, જે આ કથાલેખકની સર્જનભોંય છે. સર્જકને માટે પોતાની સર્જનભોંયમાંથી, ચાહે તોય ઊખડવું અશક્યવત્‌ છે. એ જ ભોંયનો ત્રીજો ખૂણો પણ કથાવસ્તુમાં છે – દમયંતી-સંજયની પ્રણયકથા. કથાવસ્તુનો આરંભ જ એનાથી થાય છે. વતનમાં થોડો સમય ગાળવા આવેલા સંજયને એના હાલ મુંબઈ રહેતા મિત્ર ધીરજે રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે. જોગાનુજોગ આ એ જ ઘર છે, જેમાં સંજયનો ઉછેર થયેલો છે. ધીરજે એ ઘર ખરીદી લીધેલું છે અને બંધ પડી રહેલું છે. મેડીની લૉબીમાં ઊભેલો સંજય રસ્તા પરથી પસાર થતી યુવતીને જુએ છે ને એમાં જુએ છે બાલસખી દમયંતીનો અણસાર. દમયંતીનું ઘર એની પડોશમાં જ છે. સંજયના મનમાં એનાં સ્મરણ જાગે છે. વીતેલા વખતમાં આવી નથી શક્યાં એટલાં નજીક એ આવે છે અને એ પણ કંઈક વધુ ત્વરાથી. બન્ને ઘરને જોડતો વાડો બન્નેના એકાન્તમિલનની સગવડ કરી આપે છે. નાના ગામમાં એકલાં રહેતાં સ્ત્રીપુરુષના વેળા-કવેળાના આવા પ્રસંગોથી ઊભા થતા સામાજિક પ્રશ્નોથી લેખક વાકેફ નથી એવું નથી. કથાસ્વરૂપસંદર્ભમાં સંભવાસંભવને લગતી સમસ્યાની પણ તેમને ખબર છે અને મને એ ખબર છે કે કથાલેખક તરીકે વીનેશભાઈનો આ મનગમતો ઇલાકો છે. એમાં એમનો પ્રવેશ કોઈ રોકી શકતું નથી, પોતે પણ નહિ. યાદ આવે છે, એમની યશસ્વી નવલકથા ‘પ્રિયજન’માં નાયક-નાયિકાનો આકસ્મિક મેળાપ કંઈક આ જ રીતનો છે. બન્ને કથાનાં નાયક-નાયિકા મળતી આવતી પરિસ્થિતિમાં મુકાય છે અને સમય વિતાવે છે. એમની વચ્ચેનો સંયમ પણ એકમેકની યાદ અપાવે છે અને જેમ ‘પ્રિયજન’ની કથા એકાકી નાયિકાના દૃશ્યથી ઊઘડે છે તેમ ‘સાંધ્યદીપ’ની કથા એકાકી નાયકના દૃશ્યથી. તો કથાને અંતે એકબીજાથી વિદાય પણ. જો કે, ‘સાંધ્યદીપ’માં તુલસીક્યારાની સાક્ષીએ બનતો વિદાયનો મંગલ પ્રસંગ જુદા અર્થસંકેતો રચે એ રીતે વર્ણવાયો છે. પણ દમયંતી-સંજયના આ પહેલાંના મિલનપ્રસંગો જે ભાવાત્મક દૃશ્યો રચે છે તેનો પ્રભાવ આવા વિક્ષેપને ટકવા દેતો નથી. લેખકની દૃશ્ય ઝડપવાની શક્તિનો તેમની અન્ય કૃતિઓની જેમ અહીં પણ હૃદ્ય પરિચય થાય છે. કૃતિમાં વાચકનું કુતૂહલ વાર્તાતત્ત્વથી નહિ, વસ્તુતત્ત્વથી જળવાય છે. સંજય-દમયંતીના કથાઘટકનું નિરૂપણ ઊર્મિના કોમળ પોત પર થયું છે તો સંજય-પ્રતિમા-સૌમિલનો ઘટક કઠોર વાસ્તવના પોત પર, એમાં રૂક્ષતા અને સંકુલતા, બન્ને છે. પ્રતિમા અને સૌમિલને વિદેશ મોકલી દેવાયાં છે એટલે એ કથામાં પ્રત્યક્ષ થતાં નથી. દેશની મુલાકાતની ગોઠવણમાં પણ સૌમિલ પિતાને મળવાની વાત કેવી કાબેલિયતથી ટાળ્યા કરે છે, તો પ્રતિમા તો એવી કોઈ મુલાકાતનાં સલાહસૂચન કે પ્રસ્તાવનો રીતસર તિરસ્કાર જ કરે છે. સંજય પણ એ બાબત કશો ઉત્સાહ દાખવતો નથી. કથામાં આની પ્રસ્તુતિ સંજયની પુત્રી રાધિકાના પાત્ર દ્વારા થાય છે. એનું પાત્ર કેવળ કથાપ્રયુક્તિ બનીને રહી ન જાય, એનું રમતિયાળ છતાં કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વ પ્રગટ થાય એવી કોશિશ થઈ છે. એ માતાપિતાના દામ્પત્યમાં પડેલી તિરાડ પૂરવાના હેતુસર આવી હતી અને એની શક્યતા ન જણાતાં વિદાય થાય છે. કથામાં એથી વિશેષ એનું કર્તૃત્વ નથી. પણ આ આખા નિરૂપણમાં લેખકની કથાસંયોજનશક્તિ દેખાય છે તેની નોંધ લઈએ. છતાં કથાસૂત્રનો એ છેડો છૂટો રહેતો હોય એમ લાગે છે. દમયંતી-સંજયના સંબંધમાં એક છાની અવઢવ રહેલી હોય એવો વહેમ પડે છે. પુત્રી રાધિકા એકાદ વાર એવો ઇશારો તો કરે છે. સંજય, દમયંતીને ‘અવર સોલ્સ એટ નાઇટ’ જેવી નવલકથા વાંચવા આપે, તેના વિશે વાત કરવાની તત્પરતા દાખવે, ગામમાં રહેવા માટે ફાર્મહાઉસ ઊભું કરવાનો નિર્ણય લે, કથાની આ સામગ્રી શું સૂચવે છે? વરસોથી છૂટી ગયેલા ગામે જવાની ઇચ્છા સંજયના મનમાં પડેલી છે, એ તર્ક સમજી શકાય એવો છે. એ ફળીભૂત થાય એવી તક ઊભી થાય છે – એ જેમાં ભણ્યો છે એ હાઈસ્કૂલના સુવર્ણમહોત્સવ પ્રસંગે નાનપણનો મિત્ર શામજી એને તેડાવે છે. એ જવાનું નક્કી કરે છે. એની પાછળ મુખ્ય હેતુ તો આ છે –

‘ગમે તેટલું બદલાય છતાં કશુંક અગાઉ જેવું જ રહે છે. શું બદલાયું અને શું સચવાયું તે જોવા પણ જવું જોઈએ... એ જશે અને ભૂતકાળની ગલીઓમાં ફરશે. ખોવાયું હશે એને શોધશે.’ (પૃ. ૬-૭) જૂનું ઘર અને જૂનું ગામ, સંજય અનુભવે છે, પોતે જાણે ‘અચાનક બે સમયમાં ફસાઈ ગયો છે.’ બે સમયની આ સહોપસ્થિતિનું આલેખન આકર્ષક છે. સ્મૃતિમાં પુનર્જીવિત થતું અતીત અને સામ્પ્રતનું સમાંતર આલેખન એમાં બિંબ-પ્રતિબિંબભાવે થયું છે. દૃષ્ટિપૂર્વકનું મુદ્રણ પણ એમાં મદદે આવ્યું છે. થાય છે, નિરૂપણ સળંગ આ રીતે જ થયું હોત તો? એને બદલે પછી કથાદોર સંજયના ગ્રામભ્રમણને સોંપાય છે. સંજયની જેમ લેખકને પણ એ ભ્રમણથી ઉદ્દિષ્ટ તો છે ‘ગામમાં એનું બનવું બનતું ગયું હતું’ (પૃ. ૭) એની શોધ. એને માટે એ ગામમાં રહેલી વીતી ગયેલા વખતની વ્યક્તિઓને મળે છે. અને ગ્રામચેતના કરતાં વિશેષ તો માનવસંબંધની આંટીઘૂંટી અને રહસ્યોને ઉકેલે છે. એમ કરતાં એની સાથે વીતેલા વખતની છબી આવે છે તે બહુધા નિષેધાત્મક છે, ખાસ કરીને યુવાપેઢી પરત્વે. અમુક માનવસમાજજીવનના વહેણના ઊંડાણમાં લઈ જતી ઘટનાઓને બદલે બદલાયેલા સમયના પ્રભાવ હેઠળ એક ગામના બદલાયેલા માનવવ્યવહારની આ છબી છે. લેખકની કથનરીતિ ઘટનામૂલક નહિ, વ્યક્તિમૂલક છે એટલે આપણને કેટલાંક મર્મસ્પર્શી વ્યક્તિચિત્રો અવશ્ય પ્રાપ્ત થાય છે. એમાં જરૂરી વૈવિધ્ય પણ છે. એ વ્યક્તિચિત્રો પૃથક્‌પૃથક્‌ છે, પરંતુ કથકપાત્ર સંજય દ્વારા એનું સંકલન એવી રીતે થયેલું છે કે એ વિખેરાઈ જતાં નથી. કાર્યકારણના અંકોડા મેળવવામાં પણ ક્યાંક ચૂક નજરે પડતી નથી. સામે પક્ષે આ વૃત્તાન્ત અમુક વ્યક્તિઓના અંગત જીવનનું વીતક બને છે, એવા વીતકનું જે એક ગામનું, પણ સર્વસાધારણ ચિત્ર રજૂ કરે છે. અને એ ચિત્ર પણ મુખ્ય કથાનક ન બનતાં એકંદરે તો સંજયના અંગત જીવનની પશ્ચાદ્‌ભૂમાં રહી જાય છે. વ્યતીતને વર્તમાનમાં ખેંચી લાવવાના વાહક છે ગામમાં સ્થાયી મિત્રો સાથે રહેતો સંજયનો વાર્તાલાપ. આ વાર્તાલાપોનો હેતુ ભૂતકાલીન વૃત્તાન્ત આપવાનો હોવાથી અનેક જગાએ દીર્ઘસૂત્રી બને છે, પણ ત્યાંય ભાવવાહિતાનું બળ એ ગુમાવતા નથી. એમાં કચ્છપ્રદેશમાં પ્રચલિત ગુજરાતી ભાષાનું લાક્ષણિક રૂપ પકડાય છે. કથન અને સંવાદ, બે સ્તરે ભાષાનું બદલાતું રહેતું પોત પણ લેખકની ભાષાકીય સૂઝનું દ્યોતક છે. વીનેશ અંતાણીની કથાસ્વરૂપની સૂઝસમજ દાખવતી નોંધપાત્ર નવલકથા.

[ઝેન ઓપસ; અમદાવાદ]