બે હજાર ચોવીસ સમક્ષ/ટૂંકીવાર્તામાં વસ્તુસંકલના – સુશીલા વાઘમશી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સંશોધન-વિવેચન

‘ટૂંકી વાર્તામાં વસ્તુસંકલનાનું આયોજન’ : સુશીલા વાઘમશી

સેજલ શાહ

નવી દિશા, પણ ઝાંખી

આધુનિક કથાસાહિત્યમાં ટૂંકી વાર્તાના અંતસત્ત્વ અને આકૃતિ અંગે અનેક ચર્ચાઓ થઈ છે અને પીએચ.ડી.ની ડીગ્રી નિમિત્તે પણ અનેક અભ્યાસો થયા છે. તે દિશામાં વધુ એક ઉમેરણ સુશીલા વાઘમશીના આ પુસ્તક દ્વારા થયું છે. તેમના પીએચ.ડી. માટેના શોધનિબંધના, ૨૧૬ પાનાંના આ પુસ્તકમાં પાંચ પ્રકરણ છે – પ્રથમ પ્રકરણમાં વસ્તુસંકલનાની વિભાવના અંગે થયેલી વિવિધ વિચારણા, પછીનાં ત્રણ પ્રકરણમાં આધુનિક અને અનુઆધુનિક સમયની કેટલીક પ્રતિનિધિ વાર્તાઓ પસંદ કરીને વાર્તાના ક્રાફ્ટ(રચના-રીતિ)ની વિશેષતા સમજવાનો પ્રયત્ન અને છેલ્લું પ્રકરણ ઉપસંહારનું. ગુજરાતી ટૂંકી વાર્તાનાં ઘટકતત્ત્વોમાં એક મહત્ત્વનું બળ ‘કથાવસ્તુ’ છે. ટૂંકી વાર્તાની વિવેચના કરતી વખતે રીતિ, પ્રયુક્તિ, શૈલી, પ્રયોજન એવી વિવિધ સંજ્ઞાઓનો પ્રયોગ કરીએ છીએ ત્યારે મૂળ બાબત કથાવસ્તુની નિરૂપણ- રીતિમાં સર્જકનું કળાકર્મ કેટલું સઘન, સંકુલ, તિર્યક બનીને પ્રગટે, તેનું મહત્ત્વ છે. કથનકેન્દ્ર, ઘટનાહ્રાસ, રૂપક-પ્રતીકના ઉપયોગ વખતે કે પછી પુરાકલ્પનના ઉપયોગથી વાર્તા વ્યંજનાત્મક બને છે. ‘વસ્તુસંકલના’ આ સાહિત્યસ્વરૂપનું આવશ્યક ઘટક છે. એના વિશે પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ કરેલી ચર્ચા પ્રથમ પ્રકરણમાં મળે છે. ભરતમુનિથી લઈને પીટર બ્રુક સુધીના મીમાંસકોએ કથાસાહિત્યમાં વસ્તુસંકલના વિષે કરેલી વિચારણાને ભેગી કરીને વિભાવનાને સ્પષ્ટ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. વસ્તુસંકલનાની વિભાવના આધુનિકકાળમાં મળી છે પણ કાવ્યશાસ્ત્ર, નાટકશાસ્ત્ર આદિમાં કથા/નાટક સંદર્ભે જે ચર્ચા થયેલી છે એને અહીં મૂકી છે. ‘ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં ‘ઇતિવૃત્ત’ની ચર્ચા નાટકસંદર્ભે કરી છે. પરંતુ આ વાત કથાબંધારણને પણ એટલી જ લાગુ પડે છે. માટે મેં અહીં નાટક શબ્દની સાથે કથા શબ્દનો પણ પ્રયોગ કર્યો છે..’ (પૃ. ૧૨). આમ આધુનિક વિભાવનાને પરમ્પરાગત વિભાવના સાથે જોડી સુશીલા વાઘમશીએ પૂર્વસૂરિઓએ કરેલા વિચાર સાથે સંધાન જોડી આપ્યું છે. અહીં ભારતીય સાહિત્યમીમાંસામાં અને પાશ્ચાત્ય સાહિત્ય-મીમાંસામાં વસ્તુસંકલના વિષે પૂર્વકાળથી આજ સુધી થયેલી વિચારણા અંગે વિચારકોનાં અનેક અવતરણો મળે છે, જે લેખિકાની વિષય માટેની સૂઝ અને લગની દર્શાવે છે. ઍરિસ્ટૉટલે પણ વસ્તુની ગોઠવણીને ‘living creature’ સાથે સરખાવ્યું છે, ‘વસ્તુસંકલના’ માટે mythos સંજ્ઞા પ્રયોજી છે. વાર્તામાં ઘટનાનું આગવું મહત્ત્વ છે, વ્યાવહારિક બનાવો અને વાર્તામાં બનતી ઘટનાઓ અને તેનું પરસ્પરનું સંકલન મહત્ત્વનું છે. જ્યારે ટૂંકી વાર્તા વિષે વિભિન્ન છેડાનાં અનેક મંતવ્યો હોય – એક તરફ ટૂંકી વાર્તાને આદિ-મધ્ય-અંત હોવો જોઈએ એમ મનાતું હોય ત્યારે બીજી તરફ તેને બંધનોમાં રૂંધી ન શકાય તેમ પણ મનાતું હોય. ત્યારે વિવેચનના બધા જ મુદ્દા એકસાથે મૂકવાથી તુલનાત્મક અભ્યાસ માટે આધાર રહેતો હોય છે. આ પ્રકરણમાં પશ્ચિમી અભ્યાસનું તારણ વિગતે મળી જાય છે. પણ ક્યાંક વધુ પડતા અંગ્રેજી સંદર્ભોનો ઉપયોગ અને તેનો ગુજરાતી સાથે અનુબંધ સ્પષ્ટ ન થાય ત્યારે આધુનિક સમયના વિચારકોના કેટલાક મુદ્દા સ્પષ્ટ થતા નથી. થિયરીના પ્રકરણમાં અનુવાદ કર્યા વગરનાં આખાં ને આખાં અંગ્રેજી અવતરણો મળે છે. આ અવતરણોનો સારાંશ અથવા તે દ્વારા જે અભિપ્રેત હોય તે મુકાયું હોત તો વધુ સ્પષ્ટતા મળી હોત. નોર્મન ફ્રિડમાન વસ્તુ- સંકલનામાં વાચકની વાતને પણ આવરી લે છે, તે રસ પડે તેવો મુદ્દો છે. વાચકને પ્રતીતિકર લાગે, લાગણીનો ક્રમિક વિકાસ વાચકમાં ભાવ જગાડે છે. ‘ક્રિયા, વિચાર અને પાત્રપરિવર્તનની પ્રક્રિયામાં આ ત્રણ વિવિધતા છે, આ ત્રણમાંથી કોઈ એક પ્રધાનપણે રહી વસ્તુસંકલનાનો એકરૂપ સિદ્ધાંત આપે છે, ફ્રિડમાન મુજબ વસ્તુસંકલનામાં ‘પરિવેશ’ અગત્યનું ઘટક છે, જ્યારે સર્જક યોગ્ય પરિવેશનું નિર્માણ નથી કરી શકતો ત્યારે વાચક પર એની યોગ્ય અસર ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે.’ (પૃ. ૩૩). આ મુદ્દાઓ અભ્યાસીઓને ઉપયોગી બને તેવા છે. પુસ્તકના આરંભનાં ૮૨ પાનાં વસ્તુસંકલનાની સંકલ્પનાને સ્પષ્ટ કરવા માટે ફાળવ્યાં છે. મુખ્ય વાત તો કથાના અંકોડા એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અને કૃતિના નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવામાં એ સહાયક છે કે નહિ તે જોવાનું હોય છે. જો એકમેક સાથેનો જીવંત સંબંધ છૂટી જાય તો કૃતિના રસપ્રદેશ પર પણ અસર પડે અને ભાવક સાથેનું જોડાણ પણ તૂટી જાય છે. લેખિકાનું માનવું છે કે, ‘ગુજરાતી સાહિત્ય-વિવેચનમાં વસ્તુસંકલના વિશેની વિચારણા પ્રમાણમાં ઓછી થઈ છે અને સ્વતંત્રપણે વસ્તુસંકલનાને ધ્યાનમાં રાખીને કૃતિની ચર્ચા તો એનાથી પણ નહીંવત્‌. સૈદ્ધાંંતિક ચર્ચા પ્રમાણમાં થઈ છે પરંતુ તેમાં પણ મોટાભાગે પશ્ચિમની વસ્તુસંકલના-વિચારણાનું દોહન છે.’ (પૃ. ૭૧) અહીં તેમણે નવલરામ પંડ્યા, બલવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશીએ નવલકથામાં વસ્તુ સંયોજન સંદર્ભે કરેલા લેખોનો આધાર લીધો છે. સુરેશ જોષી, સુમન શાહ અને નરેશ વેદે ટૂંકી વાર્તા વિષે કરેલી ચર્ચામાં લેખિકા નોંધે છે કે ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ‘વસ્તુસંકલના’ સંજ્ઞા અને વિભાવનાની વિધિસરની સૈદ્ધાંતિક તેમજ નેરેટિવ સંદર્ભે ચર્ચા કરનાર નરેશ વેદ પ્રથમ છે. (પૃ. ૮૦) આ વાત તરત સ્વીકારવી અઘરી લાગે તેવી છે. આધુનિક સમયમાં વસ્તુસંકલના વિભાવનાનો ઉલ્લેખ કર્યા વિના એ દિશામાં કાર્ય થયું હોવાની સંભાવના છે. સામાન્ય રીતે શોધનિબંધનું આયોજન એવું હોય છે કે પ્રથમ પ્રકરણ સિદ્ધાંતને સ્પષ્ટ કરે ત્યારબાદના પ્રકરણમાં થિયરીના આધારે કૃતિને મૂલવવામાં આવતી હોય છે. કૃતિની પસંદગી અને એ કૃતિ પર એ સિદ્ધાંતનું પ્રતિપાદન અભ્યાસનો પ્રાણ હોય છે. પ્રસ્તુત પુસ્તકમાં ૭ પરંપરાગત ટૂંકી વાર્તાઓ, ૬ આધુનિક ટૂંકી વાર્તાઓ અને ૬ અનુઆધુનિક ટૂંકી વાર્તાઓને પસંદ કરી તેમાં અભ્યાસનો કેન્દ્રીય વિષય એટલે કે ‘વસ્તુસંકલનાની રીતિ’ તપાસી છે. પ્રકરણ ૨, ૩, ૪-માં પણ વાર્તાકારોના પરિચયમાં એકસૂત્રતા જળવાઈ નથી. એક તરફ ચેખોવે કહ્યું હતું કે જે કોઈ વસ્તુને વાર્તા સાથે સંબંધ ન હોય તેને નિષ્ઠુર બનીને ફેંકી દેવું જોઈએ. વસ્તુ એટલે ઘટના, plot અને તેના બિનજરૂરી ઘટાટોપથી વાર્તાતત્ત્વને હાનિ થાય છે. ગુજરાતી સાહિત્યમાં આ વિષે સઘન ચર્ચા સુરેશ જોષી પછી થઈ. પરમ્પરાગત ટૂંકી વાર્તાને આધારે આ વિષયનો અભ્યાસ કરતાં અહીં કનૈયાલાલ મુનશીની વાર્તા ‘શામળશાનો વિવાહ’, ધૂમકેતુની ‘આત્માનાં આંસુ’, રા. વિ. પાઠકની ‘મહેફિલે ફેસાનેગુયાન....’, ચુનીલાલ મડિયાની ‘વાની મારી કોયલ,’ ઝવેરચંદ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ , જયંતિ દલાલની ‘ઝાડ, ડાળ અને માળો’, જયંત ખત્રીની ‘તેજ, ગતિ અને ધ્વનિ’ વાર્તાઓનો અભ્યાસ કરાયો છે. મોટા ભાગે અહીં વાર્તાના કથાવસ્તુનો જ આધાર લઈ તે પ્રસંગોનો ક્રમ, લોકેશન આદિ રસનિર્માણ માટે કઈ રીતે ઉપયોગી બન્યાં છે, તે ધ્યાનમાં રખાયું છે, ક્યાંક એમ લાગે કે વાર્તાની કળાત્મકતા કરતાં પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવા પર વધુ ધ્યાન ચાલ્યું ગયું છે. પ્રત્યેક વાર્તાના કથાવસ્તુની ચર્ચા કર્યા પછી દરેક વાર્તાને અંતે એ વાર્તા વસ્તુસંકલનાની દૃષ્ટિએ કેટલી સઘન છે કે ક્યાં તેનું બંધારણ નબળું પડે છે, તે મંતવ્ય પ્રસ્તુત કરતી વખતે વસ્તુસંકલના વિભાવનાનો, ક્યારેક મારીમચડીને ફરીફરી ઉલ્લેખ કરાયો હોય તેમ લાગ્યા વગર રહેતું નથી, ‘હવે વાર્તાની વસ્તુસંકલનામાં અન્ય ઉપકારક ઘટકો જેવાં કે કથનકેન્દ્ર, ભાષા, પાત્રાલેખન વગેરેની ચર્ચા કરીશું’ (પૃ. ૯૭) રામનારાયણ પાઠકની વાર્તા વિશેના પ્રકરણમાં વાંચો, ‘તેમના આ પ્રયોગને સફળ બનાવવામાં વાર્તાની આ સંવાદાત્મક શૈલી કારણભૂત છે. માટે આ વાર્તા સંવાદપ્રધાન વસ્તુસંકલનાનો નમૂનો પૂરો પાડે છે.’ (પૃ. ૯૮) ‘આમ વહુ અને ઘોડો વાર્તાની વસ્તુસંકલનાના આ વિશ્લેષણને આધારે કહી શકાય કે આ વાર્તા સામાજિક નિસ્બતની ભૂમિકાએ તો મહત્ત્વની છે જ, સાથે સર્જકે આ સ્ત્રીશોષણના પ્રશ્નને કળાકીય ભૂમિકાએ જે ન્યાય આપ્યો છે તેમાં વસ્તુસંકલનાની મુખ્ય ભૂમિકા છે. માટે આ વાર્તાને રચનાપ્રયુક્તિપ્રધાન વસ્તુસંકલનાનો નમૂનો કહી શકાય. કારણ કે જો આ વાર્તામાંથી સન્નિધિકરણની રચનાપ્રયુક્તિ કાઢી નાખવામાં આવે તો વાર્તાનું સમગ્ર રૂપ ખંડિત થઈ જાય’ (પૃ. ૧૧૦), સુરેશ જોષીની વાર્તા ‘નળ દમયન્તી’ વિશેનું નિરીક્ષણ જુઓ, ‘વાર્તાની સમગ્ર સંકલના જોતાં અહીં ટેક્‌નિકનું પ્રાધાન્ય ભાવકનું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. જો આ વાર્તામાંથી સન્નિધિકરણની રચનાપ્રયુક્તિ કાઢી નાખવામાં આવે તો વાર્તામાં કશું જ રહેતું નથી. માટે આ વાર્તાની વસ્તુસંકલના પ્રયુક્તિપ્રધાન વસ્તુસંકલનાનો નમૂનો બને છે. વાર્તામાં કેટલીક જગ્યાએ થયેલું સર્જકનું સ્પષ્ટ કથન વાર્તાની વસ્તુ સંકલનાને હાનિ પહોંચાડે છે...(પૃ. ૧૩૦) એકસાથે ૪-૫ વાર વસ્તુસંકલના શબ્દનો અતિરેક માત્ર રસક્ષતિ જ કરતો નથી પણ પરાણે લાવવાના પ્રયાસને છતાં કરે છે. વાર્તામાં થયેલો મિથનો પ્રયોગ, ફિલ્મનું પાત્ર અને નાયિકાના પાત્રની અનુભૂતિની સહોપસ્થિતિ મહત્ત્વના છે. લેખિકાએ અભ્યાસ માટે પસંદ કરેલી વાર્તાઓ સમય અને શૈલીની દૃષ્ટિએ મહત્ત્વની છે. આધુનિક ટૂંકી વાર્તામાં સુરેશ જોષીની ‘નળ દમયન્તી’, કિશોર જાદવની ‘દેવદૂત-લય’, મધુ રાય રચિત ‘બાંશી નામની એક છોકરી’, સુધીર દલાલની ‘વ્હાઈટ હોર્સ’, અને સુમન શાહની ‘ફટફટિયું’ વાર્તાનો અભ્યાસ કર્યો છે. અનુઆધુનિક ટૂંકી વાર્તાની વસ્તુસંકલનાના અભ્યાસમાં હિમાંશી શેલતની ‘કોઈ બીજો માણસ’, મોહન પરમારની ‘અંચળો’, કિરીટ દૂધાતની ‘ભાય’, માય ડિયર જયુની ‘ડારવીનનો પિતરાઈ’, બાબુ સુથારની ‘પ્રેમાનંદ, રાજા અને વાણિયાની દીકરીની વારતા’ અને જયેશ ભોગાયતાની ‘બંગલો’ વગેરે વાર્તાનો અભ્યાસ આમેજ કરાયો છે. આમાંની ઘણી વાર્તાઓ વિષે જુદા સંદર્ભે અભ્યાસ થઈ ગયો છે. કિરીટ દૂધાતની વાર્તામાં, વાર્તાનો આરમ્ભ વર્તમાનથી લઈ ભૂતકાળમાં જઈ ફરી વર્તમાનમાં વાર્તા વિરમે છે,’ (પૃ. ૧૭૧), અહીં લેખિકાએ ફ્લેશબૅક પ્રયુક્તિ કહેવાનું કેમ ટાળ્યું હશે? પરાકાષ્ટા શબ્દનો પ્રયોગ પરાકાષ્ઠાને બદલે થયો છે તે જોડણીભૂલ જ હશે. ઉપસંહારનું પ્રકરણ અને તેમાં કરેલી વિભાવનાની સ્પષ્ટતા તરત જ ધ્યાન ખેંચે એવી છે. આ પ્રકરણની ભાષા અને સ્પષ્ટતા અભ્યાસના મર્મને પકડ્યા પછીની પુખ્તતા દર્શાવે છે. આશ્ચર્ય એ થાય છે કે મોટાભાગે આગળના પ્રકરણમાં કથાવસ્તુ અને તેના રસાસ્વાદની ભૂમિકાએ કૃતિલક્ષી દૃષ્ટિકોણથી રજૂઆત થઈ પરંતુ છેલ્લા પ્રકરણમાં ભાવકમાં અપેક્ષિત અર્થની અનુભૂતિ અને ભાવકલક્ષી દૃષ્ટિકોણ જોવા મળે છે. અહીં વસ્તુસંકલના માટેની જણાવવામાં આવેલી બધી જ પ્રયુક્તિ સાથે જો વાર્તાની ચર્ચા થઈ હોત તો તે અભ્યાસ વધુ સઘન બનત. આ પ્રકરણ આખા પુસ્તકમાં આગવું બન્યું છે. અહીં ખાસ એ યાદ કરાવવાનું ગમે કે ગુજરાતી ટૂંકી વાર્તાના વસ્તુ અને અભિવ્યક્તિના વિકાસ અંગે પારૂલ પટેલે; ‘સુરેશ જોષી પછીની વાર્તાનાં વિવિધ પરિમાણ અંગે’ (પસંદગીના વાર્તાકારોને લઈ) મોહન પરમારે કાર્ય કર્યું છે. આ ઉપરાંત શરીફા વીજળીવાળાએ ટૂંકી વાર્તાની એક મહત્ત્વની રચનાપ્રયુક્તિ સંદર્ભે કથનરીતિને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કર્યો છે. અજય રાવલે પણ આ વિષય પર કાર્ય કર્યું છે. પશ્ચિમની વિભાવનાનો આધાર લઈને થયેલાં આ કાર્યો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયાં છે, જેમાં ટૂંકી વાર્તાનાં વિવિધ ઓજારો વિષે મહત્ત્વના મુદ્દા મળે છે. પૂર્વ થયેલા આ અભ્યાસોને જોવાથી પ્રસ્તુત કાર્યમાં ઉમેરણ કરી શકાયું હોત અને વિસ્તૃત દિશાઓ અભ્યાસપૂર્ણ શોધમાં ઉપયોગી નીવડત. અહીં સંદર્ભગ્રંથોમાં પણ આ પુસ્તકોનાં નામ નથી મુકાયાં, જે વિદ્યાકીય કાર્યના વિસ્તારની શક્યતાને સંકોચે છે. વસ્તુસંકલના એક આગવી ટેક્‌નિક હોવા છતાં ટૂંકી વાર્તાનાં અન્ય સર્વ પરિમાણ સાથેનો એનો સંબંધ નકારી ન શકાય. આ અભ્યાસ દ્વારા વિવેચનની વિભાવના તરફ એક જુદી તરહની દિશા ખૂલી છે, પણ આને વધુ સઘન અને સંકુલ બનાવી શકાયો હોત. પ્રત્યેક નવો વિષય પોતાના પૂર્વજોના કોઈ ને કોઈ સંકેતનું વિસ્તરણ કે વિરોધની નીપજ હોય છે. ‘ટૂંકી વાર્તાની વસ્તુસંકલના’ આ ઓજાર સાથે થયેલો અભ્યાસ નવા અભ્યાસ તરફ દોરશે.

[ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ]