બે હજાર ચોવીસ સમક્ષ/ગુજરાત મીરસમાજના મરશિયા – ભીખુ કવિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સંશોધન : લોકસાહિત્ય

‘ગુજરાત મીર સમાજના પરંપરાગત મરસિયા’ : સંપાદક : ભીખુ કવિ

પ્રેમજી પટેલ

એક સંશોધિત ને રસપ્રદ સંપાદન

લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભીખુ કવિનું નામ સાવ નવું નથી. અગાઉ તેમણે પોતાના મીર સમાજને કેન્દ્રમાં રાખીને કેટલુંક કામ કર્યું છે. ઈ.સ. ૨૦૧૮થી ૨૦૨૦ – એ વરસો દરમ્યાન નવી દિલ્હીથી સિનિયર ફેલોશીપ મેળવીને એમણે ‘ગુજરાત મીર સમાજની પરંપરાગત સાંસ્કૃતિક વિરાસત’ વિષય પર કામ કરેલું છે. તેનો અનુભવ અહીં લેખે લાગ્યો હોય તે સ્વાભાવિક છે. તેમણે શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, રાજકોટ દ્વારા એક વરસના પ્રકલ્પ-અંતર્ગત કરેલા કામને આ ગ્રંથરૂપે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં સંપાદકે પોતાના વિષયને ચાર પ્રકરણમાં રજૂ કર્યો છે. પ્રકરણ એક ‘મીરની ઓળખ અને અભ્યાસ’માં ગુજરાતમાં વસતા મીર સમાજને જુદાજુદા પાંચ વિભાગોમાં દર્શાવ્યો છે – અને તેની ઓળખ આપી છે. મીર સમાજમાં થયેલા પ્રતિષ્ઠિત કવિઓ, અભિનેતાઓ, નામી ભજનિકો, કળાકારોના ઉચિત નામોલ્લેખ કર્યા છે. ત્યારબાદ મીર અને મીરાણીનું, આસપાસ વસેલા અન્ય સમાજોનું શું સ્થાન છે અને કેવું મહત્ત્વ છે તે બતાવ્યું છે. મીરાણીઓ મૃત્યુ પાછળના શોકને-આઘાતને મરસિયા ગાઈને હળવો કરે છે. તથા ક્યારેક શુભ અવસરે લગ્નગીતો ગાઈને આનંદથી ભરી દે છે. આમ સારા-માઠા પ્રસંગોમાં તેમની આગવી ઓળખ છે તે નોંધ્યું છે. બીજું પ્રકરણ છે ‘મીરાણીઓનો પરિચય’. એમાં મરસિયા-દાતા મીરાણીમાતાઓનો સરસ પરિચય આપ્યો છે. તેમાં એ દરેકનો ફોટો, નામ, ગામ, કામ, પ્રદેશ અને ક્યાંક કોઈ વિશેષતા ટૂંકમાં આલેખી છે. એમાં કેટલાક લેખ રેખાચિત્ર જેવા બન્યા છે. ‘મરસિયા સંપાદન’ નામના ત્રીજા પ્રકરણમાં ધ્વનિમુદ્રણ કરેલા મરસિયાઓ યથાતથ આલેખ્યા છે. એમાં આવતા અઘરા શબ્દોના નીચે અર્થ આપ્યા છે, એ ભાવકને મરસિયા સમજવામાં ઉપયોગી થાય એમ છે. અહીં મરસિયા બે વિભાગમાં ગોઠવ્યા છે. સંકલન-૧માં ગુલાબબેન મીરના કંઠેથી નવ જેટલા મરસિયા સંપાદિત કર્યા છે. સંકલન-૨માં જુદીજુદી મીરાણીમાતાઓના કંઠેથી ઓગણીસ જેટલા મરસિયા પ્રાપ્ત કરી, મૂક્યા છે. હેમતાબેન મીર દ્વારા અગાઉ ગાયેલો ‘શવિયાંણ લાખા વૉય રે!’ જે ‘ગદ્યપર્વ’માં લોકસાહિત્યના મર્મી કવિ પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’-એ સંપાદિત-સંશોધિત કરેલો તે હેમતાબેન મીર કાળધર્મ પામ્યાં હોવાથી મીનાબેન મીર પાસે એક ઝલક-રૂપે સંપાદકે લીધો છે. આમ કુલ અઠ્ઠાવીસ મરસિયા એમણે સંપાદિત કર્યા છે. અભ્યાસ નામના છેવટના ચોથા પ્રકરણમાં મરસિયાને લોકગીતના જ એક પ્રકાર તરીકે ગણાવ્યો છે. એમાં મરસિયાનાં સ્વરૂપ, કાર્ય અને એમાંના વિષય અંગે સ્પષ્ટતા કરી છે. ‘મરસિયા’ શબ્દ મૂળ અરબી ‘મરસી’ પરથી આવ્યો છે. તે શોકગીત યાને Elegy(કરુણપ્રશસ્તિ) છે. મરસિયાની ઝવેરચંદ મેઘાણી, ભીખુદાન ગઢવી, કવિ દાદ વગેરેએ આપેલી વ્યાખ્યાઓ મૂકી છે. પંડિત જગન્નાથ અને પૃથ્વીરાજ રાઠોડે મૃત પત્નીનાં વિરહકાવ્યો રચ્યાં હતાં. ‘મરસિયા’નાં સ્વરૂપો’ નામના મુદ્દામાં તેના દસ પ્રકાર બતાવ્યા છે. તે જ રીતે, ‘છાજિયાં’માં મરનારની ગુણપ્રશસ્તિ કેન્દ્રમાં હોય છે. વહેલી સવારે ગવાતાં ‘પરોઢિયાં’ કે ‘પ્રોવિયા’ કહેવાય છે તથા ઇસ્લામમાં એને ‘માતમ-કૂટણા’ કહે છે. ‘મરસિયા’ના વિકલ્પે ‘રાજિયા’, ‘પણજિયા’, ‘શોકગીત’, ‘વિષાદગીતો’ વગેરે નામે પણ એને ઓળખે છે. એ જ રીતે ‘વેલ’ અને ‘પણજિયા’ની સમજ આપી છે. ‘રાજિયા’ વિશે નોંધ કરીને કહ્‌યું છે કે મરણ પાછળ ગવાતાં શોકગીતો બે પ્રકારે રજૂ થાય છે. ૧. સમૂહ-કૂટણું અને ૨. બેઠા-બોલ. એમાં હાથથી છાતી પર કૂટતાંકૂટતાં ગાય તેને ‘છાજિયાં’ લેવાં કહેવાય છે. તેનાય બે પ્રકાર દર્શાવ્યા છે. એ જ રીતે ર. વ. દેસાઈએ મીર કોમને ‘હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિની સાંકળ સમાન’ કહીને ‘મીરાણીનું આગવું પ્રભુત્વ’ નોંધ્યું છે એની ઉપરાંત મીરાણી માતાઓની ગઈકાલની સ્થિતિ અને વર્તમાનમાં શી પરિસ્થિતિ છે, તેની વાત કરી છે. એને છેડે, કવિ પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ દ્વારા સંશોધિત-સંપાદિત ‘લાખાનો પણજ્યો’ (પૃ. ૧૩૨થી ૧૪૨) ઉપર યથાતથ મૂક્યો છે. ‘ઉપસંહાર’માં મેઘાણી, રણજિતરામ મહેતા, અંબાદાન રોહડિયા, અરવિંદ બારોટ, દુર્ગેશ ઉપાધ્યાય (પૃ. ૧૦૯થી ૧૧૨) વગેરેએ મરસિયા વિષે કરેલાં કામની સંદર્ભસહ નોંધ કરી છે. મેઘાણીએ લખ્યું છે કે, ‘યુરોપમાં રાજિયા ગવડાવનારી ધંધાર્થી કોમો હતી.’ ત્યાર બાદ ‘અકૂપાર’ નાટકમાં આવતા મરસિયાના દૃશ્ય અંગે તથા મરસિયાના ભાવિ વિશે વાત કરી છે. ‘મરસિયા’ની શી તાકાત છે તે વિશે, તથા મીરાણીના કાર્યની અસર વિશે પણ લખ્યું છે. ગુલાબબેન મીર દ્વારા ગવડાયેલા મરસિયાના ટુકડા મૂક્યા છે. એમાં આવતાં પ્રતીકો અને રૂપકો વિશે લખ્યું છે. અંબાદાન રોહડિયાનો લેખ – ‘ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય’માંથી ‘મરસિયા : લોકસંસ્કૃતિની મૂલ્યવાન સરવાણી’ (લેખ-૮) લીધો છે. પોતાને મળેલા પ્રોજેક્ટ(પ્રકલ્પ) અંગે નોંધ કરી છે. છેલ્લે સંદર્ભયાદી મૂકી છે. પુસ્તકનાં પ્રથમ બે પ્રકરણ પાયારૂપ છે. તેમાંનું ત્રીજું પ્રકરણ સૌથી મહત્ત્વનું ગણાય. અહીં પ્રથમ તો મરસિયાનું જેટલું સંકલન-સંપાદન થયું છે, તે અગત્યનું છે. કુલ અઠ્ઠાવીસ મરસિયાઓ યથાતથ મૂક્યા છે. આજના સમયમાં એ સાંસ્કૃતિક વારસો ‘લુપ્ત થવાના આરે આવીને’ ઊભો છે, તેથી જે સંશોધિત-સંપાદિત થયું એટલું બચી ગયું – એ અર્થમાં પુસ્તક મહત્ત્વનું છે. પ્રકરણ ચારમાં અભ્યાસનિમિત્તે મરસિયાના પ્રકાર વગેરની ચર્ચા કરી છે. આ બધી મથામણ જોતાં તેમનો ઉપક્રમ પ્રમાણમાં શાસ્ત્રીય ગણાવી શકાય. તેમ છતાં આ ગ્રંથમાં આંશિક મર્યાદાઓ પણ દેખાય છે. આ પુસ્તકમાં આવતાં પુનરાવર્તનો ટાળી શકાયાં હોત. એક જ વિગત નિવેદન (પૃ. ૩)માં, પૃ. ૭૨ તથા પૃ. ૧૪૫ ઉપર એમની એમ આવે છે. ત્રીજી કૃતિ (પૃ. ૭૫) પર ‘આરગતિયા’નો અર્થ ‘ખરીદવાવાળો’ આપ્યો છે. એ જ શબ્દ છઠ્ઠી કૃતિમાં (પૃ. ૮૦ ઉપર) ‘ઓરગતિયા’નો અર્થ ‘વેચવાવાળો’ લખ્યો છે. આ બન્નેમાંથી પ્રથમ અર્થ સાચો છે. વ્હૉરનારનું ઓરનાર અને ઓરગતિયો થયું છે. ત્રીજી વાત, ‘રાજિયા’ વિશે સંશોધક લખે છે કે જ્યારે કુટુંબમાં કોઈ મરણ થાય છે ત્યારે તેનાં કુટુંબીજનો-સ્નેહીઓ પોતાની વ્યથા કે દુઃખ વ્યક્ત કરતાં જે શોકપૂર્ણ ગીતો ગાય છે તેને ‘રાજિયા’ કહેવામાં આવે છે.’ (પૃ. ૧૨૭) આજના સમયમાં તેમની આ વાત સાચી છે. અગાઉના મધ્યયુગીન સમય સંદર્ભે લોકસાહિત્યના મર્મી કવિ પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’ લખે છે – ‘રાજિયો’ – રાજાની પાછળ ગવાતી લોકરચિત કરુણ પ્રશસ્તિઓ જેમ કે રાજા ભરથરીનો દાખલો. (‘મરશિયા’ – સંશોધક-સંપાદક : સંજય પટેલ-ની પ્રસ્તાવનામાંથી) હવે તો આજના યુગમાં બધે મરસિયા શબ્દ વપરાય છે...! આ પુસ્તકમાંથી પસાર થનારને ક્યાંક નજરઅંદાજ કરી શકીએ તેવી નાનકડી ચૂક જડે ખરી. પરંતુ પ્રમાણમાં શાસ્ત્રીય રીતે સંશોધિત-સંપાદિત થયેલા આ ગ્રંથનું મહત્ત્વ ઓછું થતું નથી. તેમની પાસેથી લોકસાહિત્યના વધારે ગ્રંથો મળતા રહે તેવી અપેક્ષા જરૂર રાખી શકાય.

[પ્રકાશક : ભીખુ કવિ, વિતરક : ગૂર્જર, અમદાવાદ]