બે હજાર ચોવીસ સમક્ષ/શબ્દમૂળની શોધ – હેમન્ત દવે, સુહાગ દવે
ભાષાશાસ્ત્ર
હેમન્ત દવે અને સુહાગ દવે
કિશન પટેલ
શબ્દમૂળની શાસ્ત્રીય અને જિજ્ઞાસાપોષક શોધ
ગુજરાતી ભાષાના સંદર્ભે સો વર્ષથી પણ વધુ સમયથી ચાલતાં આવેલાં ભાષાવિજ્ઞાન અને ભાષાશાસ્ત્ર અંગેનાં અધ્યયન-સંશોધનનાં કાર્યોમાં, વર્ષ ૨૦૨૪માં હેમન્ત દવે અને સુહાગ દવેના ‘શબ્દમૂળની શોધ’ પુસ્તક દ્વારા એક મહત્ત્વનું ઉમેરણ થયું છે. આ લેખનો મુખ્ય ઉદ્દેશ્ય વાચકને પુસ્તક ભણી લઈ જવાનો છે. તેથી (વિશેષતઃ આ) પુસ્તકમાં પ્રવેશ માટે, કેટલીક પાયાની સમજણ સ્પષ્ટ થયેલી હોવી અનિવાર્ય બની રહે છે. આ પુસ્તક ભાષાશાસ્ત્રની શાખા એવા વ્યુત્પત્તિશાસ્ત્ર અંગેનું છે. તો લેખકોએ પણ જેનો હવાલો આપ્યો છે તે હરિવલ્લ્ભ ભાયાણીના ‘વ્યુત્પત્તિવિચાર’(૧૯૭૫) પુસ્તકને આધારે સમજીએ તો ‘વ્યુત્પત્તિ’ એટલે એક અર્થમાં ‘પાંડિત્ય’, ‘બહુશ્રુતતા’ અને બીજા અર્થમાં ‘શબ્દોની ઉત્પત્તિ’. ભાષામાં સતત પરિવર્તન થયા કરે છે તેથી આજે ઉચ્ચારાતો કોઈ શબ્દ કઈ રીતે સિદ્ધ થયો તે શોધવા સમયના અલગ અલગ સ્તરે ભાષાનાં ભૌગોલિક, સામાજિક, સાહિત્યિક વગેરે પરિબળોનો અભ્યાસ કરવો પડે છે. એ દ્વારા શબ્દનો ચોક્કસ ઇતિહાસ હાથ લાગે છે. આમ, ભાષાશાસ્ત્રની એક શાખા એવું વ્યુત્પત્તિશાસ્ત્ર, વૈજ્ઞાનિક પદ્ધતિથી શબ્દના ઇતિહાસનો અભ્યાસ કરે છે. ‘વ્યુત્પત્તિ’ શબ્દ પહેલા ‘निर्वचन’ અને ‘निरुक्ति’ જેવા શબ્દોનું પ્રચલન હતું. (લગભગ ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થયેલા) યાસ્કાચાર્યલિખિત ગ્રંથ ‘નિરુક્ત’ પ્રાચીન ભારતીય વ્યુપત્તિશાસ્ત્રનો પ્રથમ મહત્ત્વનો ગ્રંથ છે. આ પુસ્તકના પ્રસ્તાવનાલેખની શરૂઆત જેનાથી થાય છે એ શાકટાયન અને ગર્ગ જેવા વ્યાકરણાચાર્યોના મતોની ચર્ચા કરતું સૂક્ત ‘નિરુક્ત’માંથી જ પસંદ કરવામાં આવ્યું છે. આ પુસ્તકને સરળતાથી સમજવા ખાતર એને બે ભાગોમાં વિભાજિત કરી જોઈએ. તો, પ્રથમ ભાગમાં, પ્રાસ્તાવિકમાં લેખકોની વ્યુત્પત્તિશોધન યાત્રાની આરંભકથા અને ત્યારબાદ ગુજરાતી ભાષાની વ્યુત્પત્તિના ક્ષેત્રે થયેલાં કાર્યોનો ઐતિહાસિક નકશો રજૂ કરતો, “ગુજરાતી વ્યુત્પત્તિઃ ઐતિહાસિક સર્વેક્ષણ” નામનો દીર્ઘ અભ્યાસલેખ છે. તો બીજા ભાગમાં સવાસોથી વધુ શબ્દોની રસપ્રદ અને શાસ્ત્રીય ઢબે રજૂ કરવામાં આવેલી વ્યુત્પત્તિનોંધો સમાવિષ્ટ કરવામાં આવી છે. ગુજરાતી વ્યુત્પત્તિ અંગે શાસ્ત્રીય અને અટકળયુક્ત (લૌકિક વ્યુત્પત્તિ) કહી શકાય એવાં અધ્યયન-સંશોધનો તો લાંબા સમયથી થતાં આવ્યાં છે. પરંતુ સુમિત્ર મંગેશ કત્રે અને પ્રબોધ પંડિત જેવા વિદ્વાનોને કારણે ગઈ સદીના ઉત્તરાર્ધમાં ભાષાશાસ્ત્ર(Philology)નું સ્થાન ભાષાવિજ્ઞાન(Linguistics) લે છે. ભાષાનો ઐતિહાસિક અભ્યાસ-તુલનાત્મક અભ્યાસ ગૌણ બન્યો. તેથી વ્યુત્પત્તિ અને ભાષાશાસ્ત્રનાં વળતાં પાણી થયાં. આ પરિવર્તનમાં પશ્ચિમનો પ્રભાવ વિશેષ હતો. પરંતુ પશ્ચિમમાં ત્યાંની ભાષાઓનાં ઐતિહાસિક વ્યાકરણ, ઐતિહાસિક વૃત્તાંત, વ્યુત્પત્તિ ઇત્યાદિ વિશે નક્કર કામ થઈ ચૂક્યું છે. (પૃ. ૦૬) તે પશ્ચિમની સરખામણીએ ગુજરાતીમાં ભાષાની સૌદ્ધાંતિક વિચારણા માટે જરૂરી પૃષ્ઠભૂમિ જ આપણી પાસે તૈયાર નથી.
*
અહીં લેખકો જે પૃષ્ઠભૂમિની વાત કરે છે તે સમજવા, વ્યુત્પત્તિશોધનની પ્રક્રિયા માટે તેમણે જે પદ્ધતિ સ્વીકારી છે તે સમજવી જરૂરી છે. લેખકોએ થોમસ એસ. કુનના ‘The Structure of Scientific Revolutions’ (૧૯૬૨) પુસ્તકમાં ચર્ચેલી ‘નોર્મલ સાયન્સ’ અને ‘સાયન્ટિફિક રેવલૂશન’ની ભાષાવિકાસની વિભાવના સ્વીકારી છે. ‘સાયન્ટિફિક રેવલૂશન’ના સિદ્ધાંત-અનુસાર, જે કેટલાક વણ-ઉકેલ્યા પ્રશ્નો અધ્યયનની પદ્ધતિના પુરાણા ઢાંચાને કારણે ઉકેલવા શક્ય નહોતા, તેમના ઉકેલ નવી પદ્ધતિથી શક્ય બન્યા છે. આ સિદ્ધાંતને ગુજરાતી વ્યુત્પત્તિશાસ્ત્રમાં લાગુ કરતાં, લેખકો વ્યુત્પત્તિ અંગે પૂર્વે થયેલાં કાર્યોની નોંધ લઈ કહે છે, “આ લખાણોમાં ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે તે બહુ જૂજ અપવાદોને બાદ કરતાં ગુજરાતી<અપભ્રંશ<પ્રાકૃત<સંસ્કૃત/વૈદિક<ભારોપીય (અથવા તો એમાંથી એક કે બે સ્તબકની બાદબાકી) એ પ્રકારની છે.” (પૃ. ૦૫) હવે, જે શબ્દોનાં મૂળ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરેમાં શોધી શકાયાં નથી એવા શબ્દોનો મોટો ભાગ દેશ્ય અને અજ્ઞાત શબ્દોનો છે. આવા શબ્દોને (ઈ.સ. ૫૦૦ આસપાસ રચાયેલ) અમરકોશના ટીકાકાર ક્ષીરસ્વામીએ ‘દેશ્યામ્’ કહીને ઉલ્લેખ્યા છે. જેમાંના ઘણા હેમચંદ્રાચાર્યકૃત દેશીશબ્દસંગ્રહમાં મળે છે. પંડિત બેચરદાસ દોશીએ એમાંના ઘણાં શબ્દોના મૂળ સંસ્કૃત,પ્રાકૃતમાંથી શોધી આપ્યા છતાં ઘણાં શબ્દોના મૂળ અંગે આપણે જાણતા નથી. (પૃ. ૧૯). તો હવે આ પ્રકારના શબ્દોની વ્યુત્પત્તિ જૂની પ્રચલિત પ્રણાલીથી શોધવી શક્ય નથી. તો એ શોધવા માટે શું આવશ્યક છે? આપણે સૌ જાણીએ છીએ કે, સમયેસમયે દેશ-વિદેશની અનેક પ્રજા (ગ્રીક, શક, કુષાણ, હૂણ, પોર્ટુગલ વગેરે વિદેશની અને વિવિધ દ્રાવિડી ભાષા બોલતી દેશની પ્રજા) સાથે ગુજરાતી પ્રજાનો સંબંધ રહ્યો છે. આવી પ્રજાના કાયમી વસવાટ અને સંપર્કને કારણે ગુજરાતી ભાષાની વિકાસરેખા સ્હેજ ઊંચકાય છે અને ગુજરાતી શબ્દભંડોળ, વ્યાકરણ વગેરે અનેક બાબતોમાં પરિવર્તન આવે છે. (પૃ. ૦૨) આથી, અજ્ઞાત અને દેશ્ય ગણાતા ઘણા ગુજરાતી શબ્દોનાં મૂળ ફારસી, ગ્રીક, પોર્ચ્યુગીઝ અને વિવિધ દ્રાવિડી ભાષામાં મળી આવે તેવી સંભાવના કરી શકાય છે. અન્યત્ર લેખકો નોંધે છે, આ પ્રકારના અભ્યાસ માટે પહેલાં તો જરૂરી છે અર્વાચીન ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનનો ઇતિહાસ, જે હજુ આપણે ત્યાં લખાયો નથી. બીજું, બંગાળીમાં જેમ સેનનો કે નેપાલીમાં ટર્નરનો વ્યુત્પત્તિકોશ છે એવો કોશ ગુજરાતીમાં નથી. ત્રીજું, જૂની ગુજરાતી કૃતિઓની સમીક્ષિત અને પ્રમાણભૂત વાચના જેટલા પ્રમાણમાં હોવી જોઈએ, એટલા પ્રમાણમાં નથી. એ મુજબ હજી જૂના ગ્રંથોનો ઉદ્ધાર થવો બાકી છે. (પૃ. ૦૩, ૦૪ અને ૧૮). ભૃગુરાય અંજારિયા, ભોગીલાલ સાંડેસરા, રસિકલાલ છો. પરીખ, હરિવલ્લ્ભ ભાયાણી વગેરે વિદ્વાનોએ વારંવાર આ તરફ ધ્યાન દોર્યું છે છતાં આ પુસ્તકના લેખકો આ ૨૦૨૪માં પણ જો આ જ ફરિયાદ પુનરાવર્તિત કરતા હોય તો, આપણાં વિદ્વાનોની ચિંતા માત્ર અરણ્યરુદન બની રહી ગઈ એવું ચોક્કસ કહેવું પડે. ઉપર્યુક્ત વર્ણન મુજબ લેખકો, ફરિયાદ કરી અટકી ગયા નથી. આ દિશામાં, નરસિંહરાવ દિવેટિયા, પ્રબોધ પંડિત, કે. કા. શાસ્ત્રી, છોટુભાઈ નાયક, હરિવલ્લ્ભ ભાયાણી, બેચરદાસ દોશી વગેરે વિદ્વાનો અને વિવિધ કોશ દ્વારા થયેલાં કાર્યોની, તેમની મર્યાદા અને પ્રદાનસહિત તટસ્થતાપૂર્વક નોંધ લીધી છે. એમણે નોંધેલું સાર્થ જોડણીકોશની ત્રુટિ અંગેનું દૃષ્ટાંત જોઈએ. કોશકારે તમાકુની વ્યુત્પત્તિ પોર્ચ્યુગીઝ ‘તબુકો’માંથી બતાવી છે એે ભૂલભરેલી છે. હકીકતમાં, સાચો પોર્ચ્યુગીઝ ઉચ્ચાર ‘તબાકુ’(tabaco) છે. તેના પરથી જ હિન્દીમાં ‘તમ્બાકુ’ અને ગુજરાતીમાં ‘તમાકુ’ શબ્દ ઊતરી આવ્યા છે. આ ઉપરાંત ‘ફલાણું’, ‘છબી’, ‘ચબરખી’ વગેરે અનેક શબ્દોની વ્યુત્પત્તિ અંગેનું સાર્થ જોડણીકોશનું અશાસ્ત્રીય વલણ બતાવી એમણે વિસ્તૃત ચર્ચા કરી છે. વિશેષ નોંધપાત્ર દાખલો ‘છબી/છબિ’ શબ્દનો છે, જેમાં પ્રમાદ અને ઉપેક્ષાવૃત્તિ સ્પષ્ટપણે જોવા મળે છે. આપણા ઓછા જાણીતા વિદ્વાન જહાંગીર સંજાનાએ ‘ચિત્ર’ના અર્થમાં વપરાતા(અરબીમાંથી હિન્દી માર્ગે ગુજરાતીમાં આવેલ) ‘છબી’ શબ્દની સાચી વ્યુત્પત્તિ ૧૯૪૮માં આપી હતી, જે પછીથી તેમના પુસ્તક ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’ (૧૯૫૫)માં સમાવિષ્ટ થઈ. આમ છતાં, ૧૯૬૭ની સાર્થ જોડણીકોશની પાંચમી આવૃત્તિમાં કે તાજેતરમાં પ્રકાશિત થયેલી નવી આવૃતિમાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને આ જ ત્રુટિ કે. કા. શાસ્ત્રીના ‘બૃહદ્ ગુજરાતી કોશ’ (૧૯૭૫)માં પણ યથાતથ આગળ વધી છે. (પૃ.૮૬,૮૭) પૂર્વ વિદ્વાનોના દોષ ચીંધવા સાથે લેખકોએ તેમનાં કાર્યોની યોગ્ય નોંધ પણ લીધી છે. એટલું જ નહીં પરંતુ કેટલીક વખત ખોટા માર્ગો સાચા માર્ગે લઈ જતા હોય છે એમ, બીજા ભાગમાં સમાવિષ્ટ મોટા ભાગની વ્યુત્પત્તિનોંધોમાં શબ્દનાં મૂળ શોધવાની શરૂઆત જ પૂર્વે થયેલા કોશમાંથી સંદર્ભો લઈને જ થઈ છે. આમ, બેચરદાસ દોશીએ ૧૯૭૪માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘દેશી શબ્દ સંગ્રહ’માં ભવિષ્યના સંશોધક માટે જૂના શબ્દોના મૂળ સ્વરૂપને શોધી કાઢી, મૂળ રૂપમાં બતાવી, અર્થો સાથે મેળ જણાવી સમજવા સારુ સુગમ કરી બતાવવાનું જે કાર્ય ચીંધ્યું હતું તે આ લેખકોએ ઘણે અંશે પાર પાડ્યું છે. લેખકોએ પ્રસ્તાવનાના ઉતરાર્ધમાં ગુજરાતી દેશ્ય, અજ્ઞાત શબ્દોનાં મૂળ કઈ રીતે અરબી, ફારસી, પોર્ચ્યુગીઝ, ગ્રીક અને વિવિધ દ્રાવિડી ભાષા સાથે સંબંધ ધરાવે છે તે ચર્ચાની આંશિક માંડણી કરી છે જે પુસ્તકના બીજા ભાગમાં સવાસો-થી વધુ શબ્દોનાં મૂળની શોધ- પ્રક્રિયામાં વિસ્તારથી આકાર લે છે.
*
છેલ્લાં ચૌદ વર્ષથી ‘નવનીત સમર્પણ’માં ‘શબ્દમૂળની શોધ’ નામે પ્રગટ થતી નોંધો અહીં સંકલિત થયેલી છે. લેખક હેમન્ત દવેની વ્યુત્પત્તિ શોધનની આ યાત્રા કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘પથિક’ સામયિકથી (હિસ્ટરીઃ એક શબ્દચર્ચા નામક લેખથી) શરૂ થયેલી, એ વાયા શબ્દસૃષ્ટિ અને નવનીત સમર્પણ થઈ આ પુસ્તકરૂપે આપણને પ્રાપ્ત થઈ છે. તેઓ વ્યુત્પત્તિને પોતાની વિદ્યાયાત્રાની આત્મકથા ગણે છે. (પૃ. ૧૧)તેમની આ નોંધો ભાઈ અને સહલેખક સુહાગ દવેએ સાર્થ જોડણીકોશની તેમની નકલમાં વિવિધ પ્રવિષ્ટિ સામે કરેલી નોંધોનો આધાર લઈને તૈયાર થયેલી છે. આમ, કાચો મુસદ્દો પૂરો પાડવાનું પાયાનું કામ ભાઈ સુહાગ દવેએ કર્યું છે. આ પ્રકારનાં પુસ્તકો વાચક પાસેથી શાસ્ત્ર વિશે સજ્જતાની અપેક્ષા રાખતાં હોય છે. આ પુસ્તક પણ આ અપેક્ષા સેવે છે પરંતુ એ વિના ન ચાલે એ પ્રકારે વર્તતું નથી, ઉપરથી વાચકોમાં આ પ્રકારનાં સંશોધનો પ્રત્યે રુચિ પેદા કરે છે. પરંતુ એ પણ નોંધવું રહ્યું કે, અમુક નોંધોમાં લેખકોએ(ગ્રીક, જર્મન જેવી) અન્ય ભાષાનાં કેટલાંક વિધાનો મૂળ લિપિમાં જ યથાતથ નોંધ્યાં છે. દાખલા તરીકે, ‘શુગર’ની વ્યુત્પત્તિ નોંધમાં(પૃ. ૧૫૮ ઉપર) લેખકો બાર્યૂગાઝાના પુસ્તક પેરપ્લસ આવ ધી ઇરિથ્રીઅન સીમાંથી એક વિધાન નોંધે છે તે વિધાન મૂળ ગ્રીક લિપિમાં છે. ‘બરણી’, ‘વેલાકુલ, વેરાવલ, લક્ષ્મી, લાંછન’, ‘હોલવવું, ઓલવવું’ વગેરે કેટલીક વ્યુત્પત્તિ નોંધોમાં પણ આવું બનવા પામ્યું છે. હવે જોઈએ તો, લેખકોએ આ શબ્દોની વ્યુત્પત્તિ શોધવા માટે વિસ્તૃત ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભોનો આધાર લઈ કયા પ્રકારની કાર્યપ્રણાલી સ્વીકારી, ગુજરાતી ભાષાનો સંબંધ અન્ય ભાષા સાથે જોડી મૂળશોધનની પ્રક્રિયા આદરી છે તેની ચર્ચા કરીશું. સિકંદરના હુમલા પછી પાકિસ્તાન, અફગાનિસ્તાન અને આસપાસના મધ્ય એશિયાના પ્રદેશોમાં ગ્રીકોની વસાહતો લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતી હતી (પૃ. ૨૦). આ સમય દરમિયાન ‘કેન્દ્ર’, ‘જામિત્ર’, ‘સુરંગ’ વગેરે જેવા અનેક શબ્દો ગ્રીકમાંથી સંસ્કૃતમાં પ્રવેશ્યા છે. ગુજરાતમાં ક્ષત્રપોના સમયમાં ગ્રીક ભાષા બોલાતી હતી. ‘કલમ’ (ગ્રીકઃ ક્લેમા પરથી), ‘ગલીગલી’ (ગ્રીકઃ ગંગાલિકસો) અને ’દામ’ (ગ્રીકઃ દ્રાખ્મે>સ. द्रम्म>પ્રા. दम्म >ગુ. દામ) વગેરેમાંથી આ સંબંધ સમજાય છે. લેખકે પ્રસ્તાવના લેખના અંતે દાવો કર્યો છે કે, “લુટવિશ આલ્સડોર્ફે એમના અપભ્રંશ-શ્ટુડિએનમાં અપભ્રંશ ‘તૂર’ (=‘ચીઝ’)નો સંબંધ ગ્રીક(તૂરોસ=‘ચીઝ’) સાથે જોડ્યો હતો, જે એકલ અપવાદ સિવાય, અમારી જાણમાં અન્ય વિદ્વાને ગ્રીક શબ્દોદેશી ભાષાઓમાં આવેતું શબ્દો તરીકે આવ્યા હોય શકે એ વિશે ધ્યાન આપ્યું નથી.”(પૃ. ૨૦) ‘આંગડિયો’ વેપારપ્રિય ગુજરાતી પ્રજામાં જાણીતો શબ્દ છે. પણ એના મૂળ વિશે આપણે જાણતા નથી.સાર્થ જોડણીકોશઆંગડિયો (અથવા આંગડ)ની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘अंग’માં સૂચવે છે. જે સાચું નથી. ગ્રીકમાં આંગ રોસ (લેખકે ગ્રીક લિપિમાં પણ શબ્દ દર્શાવ્યો છે) શબ્દ છે જેનો અર્થ થાય છે ઇરાનમાં રાજવહીવટના કાગળ-પત્રો મોકલવા રાખેલ ઘોડસવાર. તેથી ગ્રીક શબ્દના અર્થ અને ઉચ્ચાર સામ્યને આધારે, શબ્દના મૂળ ગ્રીકમાં હોવાની આશંકા પ્રગટ કરે છે. (પૃ. ૩૧)આ રીતે ‘અગડં બગડં’(=ગમે તેવી ખરી ખોટી-અસ્પષ્ટ બોલી)ની વ્યુત્પત્તિ તપાસતા લેખકો કાનડી શબ્દો ‘ઉગ્ગુ’, ‘ઉગ્ગડ’, ‘ઉગ્ગ્ડણે’ નોંધે છે.જેના અર્થ બરો અને એમનોના દ્રાવિડી વ્યુત્પત્તિદર્શક કોશમાં‘બાળકોને રમાડવા કરાતા અર્થહીન ધ્વનિઓ’, ‘વારંવાર બોલાયેલા અવાજો’ વગેરે છે. કાનડી ‘ઉગ્ગડ’ ગુજરાતીમાં ‘અગડ’ તરીકે આવ્યો હોય અને સંસ્કૃતના સામ્યે અનુસ્વાર ઉમેરાઈ દ્વિરુક્ત પ્રયોગ રૂપે સ્વીકારાયો હોય એ શક્ય છે. (પૃ. ૨૫) અહીં પણ અર્થ અને ઉચ્ચાર સામ્યતાને આધારે સંભાવના પ્રગટે છે. આમ, લેખકોએ અન્ય ગુજરાતી (દેશ્ય) શબ્દોની વ્યુત્પત્તિ જે ગ્રીક (અને લેટિન) અને દ્રાવિડી ભાષામાંથી સૂચવી છે મોટેભાગે એનો મુખ્ય આધાર પણ અર્થ અને અને ઉચ્ચારસામ્યતા છે. પોર્ચ્યુગીઝ શબ્દો સંદર્ભે વાત કરીએ તો, સામ્યતા કરતાં વધુ ઉચ્ચારભેદ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, ભારતમાં પોર્ચ્યુગીઝો દ્વારા બટાટા (અથવા બટાકા) લાવવામાં આવ્યા. ‘બટાટા’ શબ્દ પોર્ચ્યુગીઝ શબ્દ ‘બતાત’(batata) પરથી ઊતરી આવ્યો છે. એ જ રીતે ગુજરાતી ‘ફલાણું’ શબ્દ પોર્ચ્યુગીજ ‘ફુલાનુ’ Fulano અને પોર્ચ્યુગીઝ ‘ફુલાનુ’ અરબી ‘ફલાં’ પરથી ઊતરી આવ્યો છે. (પૃ. ૧૭) અરબી, ફારસી શબ્દો સંદર્ભે જોઈએ તો, ગુજરાતી શબ્દ ‘ચબરખી’ની વ્યુત્પત્તિ સાર્થ જોડણીકોશ (કઈ ભાષાનો શબ્દ છે એવી) સ્પષ્ટતા કર્યા વગર ‘વરક’માંથી બતાવી છે. કોશે અર્થસામ્યને કારણે વ્યુત્પત્તિ કરી હોય એવું બને પણ લેખકો સ્પષ્ટતા કરે છે કે, વર્ણવ્યત્યયને આધારે સમજીએ તો ‘ચબરખી’ શબ્દ ફારસી ‘ચરબક’ પરથી ઊતરી આવ્યો છે’. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામ્યતાની તુલનાએ ઉચ્ચારભેદ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ‘શબ્દમૂળની શોધ’ પુસ્તકનું અવલોકન કરતાં વાચકોને ૧૬ પૃષ્ઠની દીર્ઘ સંદર્ભસૂચિ દ્વારા લેખકોની અસાધારણ અભ્યાસનિષ્ઠાનો પરિચય મળે છે. આ વિસ્તૃત સંદર્ભસૂચિમાં વિવિધ ભાષાઓના પ્રમાણિત કોશો, મધ્યકાલીન સાહિત્યકૃતિઓની સમીક્ષિત વાચનાઓ, લોકકથાઓ, પ્રવાસવર્ણનો અને અન્ય વિદ્વતાપૂર્ણ સ્રોતોનો સમાવેશ થાય છે. આ વ્યાપક સંદર્ભસૂચિ સ્પષ્ટ કરે છે કે ‘વ્યુત્પત્તિ’ શબ્દના ‘બહુશ્રુતતા’ અને ‘પાંડિત્ય’ એવા અર્થો હેમન્ત દવે અને સુહાગ દવે – બંને લેખકોના સંદર્ભમાં સર્વથા સાર્થક છે. વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે, ભાષાશાસ્ત્ર (કે ભાષાવિજ્ઞાન) જેવા સૈદ્ધાંતિક વિષયના પુસ્તકમાં અન્ય ભાષાના શબ્દોનું મુદ્રણ, વ્યાકરણિક ચિહ્નો, ઉદ્ધરણ આપવાની અધિકૃત રીતો વગેરે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બાબતોમાં કાળજીનો અભાવ વાચકને ભ્રામક દિશામાં દોરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં આ પુસ્તક મુદ્રણસજ્જાનું અનુકરણીય ઉદાહરણ બની શક્યું છે. તેથી, લેખકો, પ્રકાશક અને સમગ્ર મુદ્રણને આકાર આપનાર અભિનંદનને પાત્ર છે. અંતમાં, લેખકોએ ગુજરાતી ભાષા માટે સર્વાંગી વ્યુત્પત્તિકોશના નિર્માણની જે આકાંક્ષા વ્યક્ત કરી છે (પૃ. ૧૬) તે ટૂંક સમયમાં પરિપૂર્ણ થાય એવી અભ્યર્થના.
[ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ]