બે હજાર ચોવીસ સમક્ષ/ફકીરની પાળ – સમીરા દેખૈયા પત્રાવાલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ટૂંકી વાર્તા

‘ફકીરની પાળ’ : સમીરા દેખૈયા પત્રાવાલા

પારુલ કંદર્પ દેસાઈ

કેટલીક સારી વાર્તાઓ

ગુજરાતી વાર્તાસાહિત્યમાં એકવીસમી સદીના આરંભકાળથી જ એક ઉછાળ આવ્યો છે. એમાંય સ્ત્રી-વાર્તાકારોની સંખ્યામાં અલગથી નોંધ લેવી પડે એવો ઉમેરો થયો છે. ‘પ્રતિલિપિ’ કે ‘વાર્તા રે વાર્તા’ જેવાં ઑનલાઇન માધ્યમો, ‘સુજોસાફો’, ‘પાક્ષિકી’, ‘વાર્તાવર્તુળ’, ‘સર્જનશિબિર’ ઉપરાંત બીજાં માધ્યમો દ્વારા અવારનવાર યોજાતી વાર્તાશિબિરો ઉપરાંત કેતન મુનશી કે અન્ય સંસ્થાઓ દ્વારા થતી વાર્તાસ્પર્ધાઓ – આ બધાંનો પ્રભાવ આ સમયગાળાનાં વાર્તાકારોએ ઝીલ્યો અને કેટલાંક સારાં વાર્તાકારો ગુજરાતી સાહિત્યને મળ્યાં. સમીરા દેખૈયા પત્રાવાલા એમાંનાં એક વાર્તાકાર છે. લેખિકા સમીરા આરંભે જ રાજુ પટેલ દ્વારા આરંભાયેલા ‘વારતા રે વારતા’(વારેવા)નો ઋણસ્વીકાર કરતાં લખે છે કે – ‘વાર્તાનું કલેવર શીખવામાં વધુ વાર ન લાગી. વાર લાગી તો વિચારોના કાચા માલને પ્રોસેસ કરવામાં, એમાંથી વાર્તા ઘડવામાં ને સૌથી વધુ વારેવાએ સારા વાચક બનવાની શીખ આપી. વારેવાએ વાર્તા લખતાં અને નબળી વાર્તાને ફાડતાં પણ શીખવ્યું.’ ‘ફકીરની પાળ’ વાર્તાસંગ્રહમાં ૧૭ વાર્તાઓ છે. વિષયવૈવિધ્ય અને રચનારીતિ બંને રીતે આ વાર્તાઓ ધ્યાન ખેંચે છે. નારીસંવેદનની સાથે મનુષ્યમાં રહેલી પલાયનવૃત્તિ, મનુષ્ય અને સમાજ વચ્ચે વિચ્છિન્નતા, એકલતા, ખાલીપો અને અભાવો વચ્ચે જીવતાં પાત્રો, કોમી વિસંવાદિતા, ટોળાંની માનસિકતા જેવા વિષયોને અહીં સ્થાન મળ્યું છે. વિક્ષુબ્ધ થઈ જવાય પણ નકારી ન શકાય તેવી સાંપ્રત સમયની ક્રૂર વાસ્તવિકતાના આલેખન દ્વારા મનુષ્યજીવનના અંધારા ખૂણાને અજવાળવાનો વાર્તાકારે પ્રયત્ન કર્યો છે. પાત્રમાનસને મૂર્ત કરવાની શક્તિ, બારીકાઈભર્યું નિરીક્ષણ, કુતૂહલપ્રેરક આરંભ અને ચોટ ધરાવતો અંત, કથક તરીકે અચેતન પદાર્થો, કથા-અંતર્ગત કથા તેમની વાર્તાઓની રચનારીતિની લાક્ષણિકતાઓ છે. પહેલી વાર્તા ‘ફકીરની પાળ’માં વાર્તાકથક એક દીવાલ છે. કબ્રસ્તાનની એક સાવ જર્જરિત દીવાલ અને લીમડો એક ફકીરના આગમનને કારણે કેવી રીતે લોકોની શ્રદ્ધાનું કહો કે અંધશ્રદ્ધાનું સ્થાન બની ગયું તેનું રસપ્રદ નિરૂપણ અહીં થયું છે. ત્રીસેક વર્ષનો ચીંથરેહાલ અસ્તવ્યસ્ત દેખાતો એક ફકીર કોમી તોફાન પછી કબ્રસ્તાનમાં આશરો લે છે. એને ક્યારેક પૈસા કે ખાવાનું આપતા લોકોને એની પાસે આવવાથી પોતાનાં દુઃખ દૂર થતાં લાગે છે અને આ જર્જરિત દીવાલ ફકીરની પાળ તરીકે ઓળખાવા લાગે છે. એક દિવસ ફકીર ત્યાંથી ગાયબ થઈ જાય છે પણ લોકોની શ્રદ્ધા ઓછી થતી નથી. કોઈ ને કોઈ ફકીરની જગ્યા સંભાળી લે છે અને એનું વેપારીકરણ થઈ જાય છે. સહેલાણીઓનું એ પર્યટનસ્થળ બની જાય છે. અહીં એક એવો જનસમુદાય પણ પાત્ર બનીને આવે છે જેને બસ એક તાંતણો જોઈએ છે જેને આધારે ટકી જવાય. વાર્તાન્તે બીજાંનાં દુઃખદર્દ દૂર કરવામાં નિમિત્ત બનનાર ફકીર પોતે જ દીકરીના વિયોગમાં પાગલ થઈ જાય છે. લોકોની ઘેલછાભરી માનસિકતાની સામે ફકીર અને એની દીકરી નૂરીની કથાનો કરુણ વિરોધ સર્જે છે. ‘જોયું ન જોયું’ વાર્તામાં કપોલકલ્પનાનો લાક્ષણિક વિનિયોગ થયો છે. કાકાને ઘેર આવેલો ચિરંજીવી સવારે ઊઠે છે ત્યારે એને કાકા નિર્વસ્ત્ર દેખાય છે. ત્યાર બાદ બારીબહાર એની નજર જાય છે તો કેટલાય પુરુષો વસ્ત્રહીન દેખાય છે. કોઈ બિહામણું સપનું જોતો હોય તેમ તે ડઘાઈ જાય છે – ‘પ્રભુકૃપાએ સ્ત્રીઓ નિર્વસ્ત્ર નહોતી દેખાતી, પણ તેને બદલે જે દેખાતું હતું તે તેનાથીય ભયંકર હતું. કોઈ સ્ત્રી આખી ભૂરી દેખાતી તો કોઈ લાલ, કોઈ કથ્થઈ તો કોઈ સાવ કાળી, કેટલીક સાવ બળેલી ચામડીની હોય તેવી કે જેનો રંગ જ નક્કી નહોતો થઈ શકતો.’ (પૃ. ૯૦) વાર્તાકાર અહીં કપોલકલ્પના દ્વારા સમાજની એક એવી વાસ્તવિકતા સામે લાવી મૂકે છે કે જ્યાં મોટાભાગની સ્ત્રીઓ અને બાળકીઓ પુરુષોની વાસનાભરી નજરનો ભોગ બને છે. ચિરંજીવીને આવું દેખાય છે એના મૂળમાં એક પ્રસંગ પડેલો છે. તે જે મકાનમાં ભાડે રહેતો હતો એ મકાનની સામેના એક મકાનની ઓરડીમાં મકાનમાલિકનો મવાલી જેવો ભત્રીજો અને એનો દોસ્ત ઘરમાં રહેતી મૂંગી કામવાળી પર બળાત્કાર કરે છે. ચિરંજીવી આ જુએ છે પણ માથાભારે મકાનમાલિક સાથે પંગો ન લેતાં જોયું ન-જોયું કરે છે. વાર્તાકાર મનુષ્યની આ જોયું-ન-જોયું કરવાની પલાયનવૃત્તિ તરફ આંગળી ચીંધે છે, એટલું જ નહીં એનું પરિણામ કેવું ભયાનક આવી શકે તે પણ વાર્તાના અંતમાં સૂચવે છે. મોટીબહેનની નાનકડી બાળકી મીનુ તરફ જોતો જિગર, જે એનો ખાસ મિત્ર હતો, તેનાં વસ્ત્રો ગાયબ થઈ રહ્યાં હતાં. ‘ચિરંજીવીને ચીસ તો પાડવી હતી પણ અવાજ તેના ગળામાં જ ફસાઈ ગયો હતો.’ (પૃ. ૯૨) વાર્તાના બાહ્ય સ્તરે અનુભવાતી રમૂજ એક ઊંડા મર્મને પ્રગટ કરે છે. ‘વાવણી’ વાર્તામાં નાયકનો ગામડા સાથેનો અનુબંધ કેવી રીતે જોડાય છે તેનું ચિત્રણ આસ્વાદ્ય છે. મુંબઈ જેવા મહાનગરમાંથી નાયકને પિતાની સાથે એમની આખરી ઇચ્છા પૂરી કરવા આવવું પડે છે. અહીં એને બહુ જ કંટાળો આવે છે. સમય જાણે આગળ વધવાનું નામ જ નથી લેતો. કાકા-કાકીનો સ્નેહ, પપ્પા અને કાકાની નાનપણની, યુવાનીની, સગાઓની, મિત્રોની યાદોની અઢળક વાતો, ગામડાનો પરિવેશ – એને ખબર પણ ન પડે એમ ધીમેધીમે ગામડું એના પર પ્રભાવ પાડે છે. આંબલીના ઝાડની એક ડાળખી રસોડાની ચીમનીને નડતી હતી જેને કારણે ધુમાડો જલદી બહાર નીકળતો ન હતો. કાકીને રાહત થાય એ માટે એ ડાળખી કાપી નાંખે છે પણ કાકી ખુશ થવાને બદલે દુઃખી થઈ જાય છે કારણમાં તે કહે છે કે – ભાભી તને આયાં હીંચકો બાંધીને રમાડતાં. સ્મૃતિઓનું મહત્ત્વ નાયકને સમજાય છે. પપ્પાના અવસાન પછી નાયક માની કબર પર ખીલેલા મરવામાંથી થોડો મરવો લઈ આવે છે અને જેની ડાળી કાપી નાખી હતી તે જગ્યાએ વાવી દે છે. મુંબઈ પાછા આવ્યા પછી નાયકને જાણે દૂરથી એક અવાજ સંભળાય છે, જાણે કહેતો હોય – ‘ભાઈ, જલદી પાછો આવજે, આ મરવો પાણી માંગે છે.’ (પૃ. ૧૨) સાંપ્રત સમયમાં સ્ત્રી ઘણાં ક્ષેત્રે સ્વતંત્ર રીતે વિકસી છે છતાં આધુનિકતાના ઉપલા સ્તર નીચે ગોપિત પરંપરા અને રૂઢિચુસ્તતા આજે પણ સ્ત્રીને અન્યાય કરે છે. ‘સિલવટ’, ‘છાંટા’, ‘રોટલી’ વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. ત્રણેય વાર્તાઓમાં લેખકે નારીના આંતરમનને આગવી રીતે વ્યક્ત કર્યું છે. ‘સિલવટ’ વાર્તા નારીપાત્રના સંકુલ અને અટપટા પ્રદેશોને ઉજાગર કરે છે. નાયિકા ઝાયનાની એકલતા, ખાલીપો, સ્મૃતિઓની ભીંસ, ક્રિયા-પ્રતિક્રિયા બધું જ બારીકાઈથી આલેખાયું છે. સિલવટ એટલે કે કરચલી માત્ર પલંગ પરની ચાદર પર નહીં, ઝાયનાના શરીર પર, તૂટી ગયેલા ઉત્કટ પ્રેમસંબંધ પર જ નહીં ચિત્તમાં પણ, પડેલી છે. એક માત્ર બિલાડી સુઝી છે જેની પર ઝાયના પોતાની અકળામણ કાઢે છે. વાર્તાન્તે સુઝીને પકડીને એ એવી રીતે ભીંસી લે છે કે – ‘અચાનક આવા વર્તનથી સુઝી પ્રખર વેગથી બારી તરફ ધસીને બારીનો દરવાજો ખોલતી બહાર નાસી. સુઝીને અટકાવવાના નિષ્ફળ પ્રયત્ન કરતી ઝાયના પલંગ પર પટકાઈ. ભ્રમણ-ઘમણ-આરોહ-અવરોહ-ગતિ-શ્વાસ-ઉચ્છવાસ.’ (પૃ. ૬૫) નાયિકાની અધૂરપ વાર્તાકારે તીવ્ર સંવેદનાથી વ્યક્ત કરી છે. ‘છાંટા’ વાર્તાનું વિષયવસ્તુ જુદું છે. માસિક ધર્મ દરમ્યાન વહુ પ્રિયા અને નૈના જ નહીં, સાસુ પણ અલાયદી ઓરડીમાં રહે છે. ફોજમાં ભરતી થયેલો પ્રિયાનો પતિ અવધ આવે છે ત્યારે માના ચુસ્ત નિયમને કારણે પત્નીના હાથને પણ સ્પર્શી શકતો નથી અને પ્રિયા જાતીય સુખથી વંચિત રહે છે. નૈના બિમાર હોવાને કારણે પિયર છે. એના પતિ યજુરના ચહેરા પર જુદાઈ દેખાય છે. પતિની આતુરતાથી રાહ જોતી પ્રિયાને સમાચાર મળે છે કે ઇમર્જન્સી ડ્યૂટી પર જવાનું હોવાથી પતિ આવી શકે તેમ નથી. વાર્તાન્તે જ્યારે બા ઓરડીમાં હોય છે ત્યારે જે બને છે એને વાર્તાકાર સાંકેતિક રીતે નિરૂપે છે. ‘યજુર અને પ્રિયાના બે અલગ-અલગ ઓરડાઓ એક થઈ તૃપ્તિના તરંગો વેરી રહ્યા હતા. ઓરડામાંથી બહાર નીકળતી પ્રિયાના ભીના વાળમાંથી ઊડતી વાછંટ નૈનાનાં સુક્કાં કપડાં પર સુખના છાંટા વેરતી હતી. (પૃ. ૫૩) વાર્તાકારે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે વાર્તાનો આ અંત અસ્વાભાવિક નથી લાગતો. અહીં પ્રચ્છન્નપણે આ પ્રકારની રૂઢિચુસ્તતા કેવાં પરિણામો લાવી શકે એ પણ સૂચવાયું છે. ‘રોટલી’ વાર્તાનું વસ્તુ જાણીતું છે પણ વાર્તાકાર એને જે રીતે નિરૂપે છે તે આસ્વાદ્ય છે. દારૂડિયા પતિને પરણેલી અભણ પુષ્પા આઠ વર્ષની દીકરી ચકુને ભણાવવા માગે છે પણ એના જેઠ તો ચકુનું સગપણ નક્કી કરીને આવે છે અને ચકુએ નિશાળમાં કક્કાની જગ્યાએ રસોડામાં રોટલી બનાવતાં શીખવા બેસવું પડે છે. આટલી મોટી છોકરીને રોટલી ગોળ બનાવતાં નથી આવડતી એવું જેઠનું મહેણું પુષ્પાને એવું લાગી જાય છે કે તે ચકુને રસોડામાં પૂરીને મારવાનું નાટક કરે છે અને ઊંચા અવાજે પોતા સાથે જે વીતી ગયું છે એની હૈયાવરાળ ઠાલવતી જાય છે. પુષ્પાનું આ રૂપ જોઈને જેઠ ભાગી જાય છે અને પતિનો નશો ઊતરી જાય છે ને એ બોલી ઊઠે છે ‘માંય ગઈ રોટલી... મારે કોઈને નથી દેવી... બારે નીકળ તું... માંય ગઈ રોટલી.’ (પૃ. ૩૯) આમ, પુષ્પાની આ યુક્તિ કારગત નીવડે છે અને આ રહસ્ય પ્રગટ થતાં વાચકના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે. ‘દરવાજે કોઈ આવ્યું હતું, કોણ એ ખબર નહીં’ વાર્તામાં સાંપ્રતની સળગતી સમસ્યા વિશિષ્ટ દૃષ્ટિકોણથી પ્રગટ થઈ છે. બધી જ્ઞાતિઓના લોકો એકબીજા સાથે હળીમળીને રહે, બધાંના તહેવારો સાથે ઉજવાય એવા સમૃદ્ધ વાતાવરણમાં મોટી થયેલી નાયિકાને મુસ્લિમ હોવાને કારણે ઘર મેળવવા માટે દોડધામ કરવી પડે છે. નાયિકાને થતા સતત અપમાન, અવહેલના અને ઉપેક્ષાના અનુભવની સમાંતરે કોઈક એવું આવે છે જે નાયિકાને ઘર ગોઠવવામાં મદદ કરે છે જે આ સમસ્યાઓ વચ્ચે સધિયારો બની જાય છે. જો કે દરેક પેરેગ્રાફની શરૂઆતમાં પુનરાવૃત્ત થતું વાક્ય ‘દરવાજે કોઈ આવ્યું હતું, કોણ એ ખબર નહીં.’ વાર્તાની અનિવાર્યતા બનીને નથી આવતું. ‘ખોળો’ વાર્તામાં પુરુષના મનમાં રહેલી પ્રસૂતિની સંવેદનાને ઝીલી છે. પુરુષ આ પ્રકારની સંવેદના અનુભવવા માગે એ વિષયમાં નાવીન્ય છે પણ કૂંડામાં છોડ વાવવો અને એના દ્વારા આ અનુભવ કરવો એ આખીય વાત પ્રતીતિકર બનતી નથી. સમસંવેદન અનુભવવાને બદલે કથાનાયક જાણે મનોવૈજ્ઞાનિક કોયડો બની જાય છે. ‘રસ્તો’ વાર્તામાં રસ્તો કથક છે, જંગલનો રસ્તો છે પણ એ જે જુએ છે એ માત્ર દુઃખદ ઘટનાઓ જ છે એ કૃતક લાગે છે. ‘બાબુ ઘડિયાળીની પ્રેમકથા’, ‘સિગ્નલ વગરની જિંદગી’, ‘ચંપાનો ગજરો’, ‘સુમી તને નહીં સમજાય’ જેવી વાર્તાઓમાં વસ્તુ અને નિરૂપણરીતિનું નાવીન્ય છે પણ એ માત્ર પ્રયોગકક્ષાએ રહી જાય છે. આ વાર્તાઓની એક લાક્ષણિકતા એ છે કે એમાં અંત સુધી રહસ્ય ઘૂંટાતું આવે છે અને અંતના સ્ફોટ પછી વાર્તા નવી રીતે ઊઘડે છે. આ અંત માત્ર ચમત્કૃતિભર્યો નહીં, પણ પાત્રોનાં વર્તનને સમજાવતો અંત બને છે. જેમ કે ‘જોયું ન જોયું’ વાર્તામાં નાયકને લોકો જે રીતે દેખાય છે તેનું કારણ વાર્તાન્તે મળે છે. ‘એ જ રાતે’ વાર્તામાં નાયકને મોગરાનો ગજરો હૂંફ આપે છે તેના રહસ્યનું ઉદ્‌ઘાટન વાર્તાન્તે થાય છે કે મા અંબોડે મોગરાનો ગજરો વીંટાળતી. એ રીતે મા સાથે દીકરાનું સાયુજ્ય અહીં સૂચવાય છે. ‘રોટલી’ વાર્તામાં પુષ્પા દીકરી ચકુને બંધ બારણે મારવાનું નાટક કરે છે એ રહસ્ય વાર્તાન્તે ઊઘડે છે. ‘છાંટા’ વાર્તાનો અંત ચોંકાવી દેનારો પણ વાર્તામાં બનતી ઘટનાઓના સ્વાભાવિક પરિણામરૂપે આવે છે પરિણામે પ્રતીતિકર અનુભવાય છે. સમીરા દેખૈયા પત્રાવાલા વિવિધ પ્રયોગો કરીને આ સ્વરૂપની શક્યતાઓ તાગવા જે મથામણ કરે છે તેમાં રસ પડે છે. ભલે બધી વાર્તાઓમાં પ્રયોગો સિદ્ધિમાં ન પરિણમ્યા હોય, પણ આ સંગ્રહમાં એમની જે ક્ષમતાઓ દેખાય છે તે આગામી સમયમાં વધુ ઉત્તમ પરિણામ લાવશેે એવી આશા જરૂર રાખી શકાય.

[ઝેન ઓપસ, અમદાવાદ]