ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જાજલિ મુનિની કથા
જાજલિ નામના એક વનવાસી બ્રાહ્મણ અરણ્યમાં રહેતા હતા. તે મહાતપસ્વીએ સમુદ્રકિનારે બહુ તપસ્યા કરી. તે ધીમાન્ મુનિ નિયતાહારી, સંયત હતા; ચીર, મૃગછાલ અને જટા ધારણ કરેલા તે ઋષિ અનેક વર્ષો સુધી શરીર પર પંક જામવાને કારણે મલિન થઈ ગયા હતા. એક વેળા તે તેજસ્વી મુનિ જલયુક્ત પ્રદેશના લોકોને જોવા ઉત્સુક થઈને મનોવેગ જેવા વેગે વિચરવા લાગ્યા. ત્યાર પછી તેમણે વન, કાનન સમેત સમુદ્ર પર્યંતની પૃથ્વી જોઈને જલપ્રદેશમાં નિવાસ કરતાં કરતાં વિચરવા લાગ્યા. સ્થાવર જંગમ સંસારમાં મારી જેમ, મારી સાથે જળમાં, આકાશના નક્ષત્રલોકમાં આવજા કરી શકે એવું કોઈ નથી. તેઓ જ્યારે જળમુક્ત પ્રદેશોની વચ્ચે રહેતા મુનિ રાક્ષસોથી દૃશ્યમાન રહીને આવું કહી રહ્યા હતા ત્યારે પિશાચોએ કહ્યું, ‘તમારે આમ બોલવું ન જોઈએ. વારાણસીમાં તુલાધાર નામનો વણિક મહાયશસ્વી છે, તમે જે કહો છો તેવું તે પણ કહેતા નથી.’
મહાતપસ્વી જાજલિએ પિશાચોની એવી વાત સાંભળીને કહ્યું, ‘હું બુદ્ધિમાન યશસ્વી તુલાધારનું દર્શન કરીશ.’ ઋષિની વાત સાંભળીને પિશાચોએ તેમને સમુદ્રમાંથી ઊંચકીને કહ્યું, ‘હે દ્વિજોત્તમ, તમે આ જ રસ્તે આગળ વધજો.’ જાજલિ મુનિ ભૂતોની વાત સાંભળીને ઉદાસ ચિત્તે વારાણસીમાં તુલાધાર પાસે જઈને આમ બોલ્યા,
(શ્રોતા વક્તાને અટકાવીને જાજલિ મુનિના ભૂતકાળ વિશે જાણવા માગે તો...)
મહાતપસ્વી જાજલિ મુનિ ઘોર તપ કરતા હતા, પ્રભાતે અને સંધ્યાએ સ્નાન અને સાંધ્ય ઉપાસનામાં ડૂબ્યા રહેતા હતા. સ્વાધ્યાયરત મુનિ યથાનિયમ અગ્નિની સેવા કરતા હતા, વાનપ્રસ્થ વિધાનો જાણીને વેદવિદ્યાથી જ્વલંત રહેતા હતા. તેઓ વનમાં તપ કરતા હતા પરંતુ ધર્મની અવહેલના કરતા ન હતા. વર્ષાકાળે ખુલ્લા આકાશ નીચે અને હેમન્તમાં પાણીમાં ઊભા રહેતા હતા. ગ્રીષ્મ ઋતુમાં પવન અને તડકો વેઠતા, તો પણ તેમને ધર્મજ્ઞાન ન થયું. જમીન પર દુઃખદાયક શય્યાઓ પર સૂઈ જતા હતા, આકાશ નીચે ઊભા રહીને અંતરીક્ષમાંથી વરસતા પાણીને મસ્તક પર તેમણે ઝીલ્યું હતું. તેને કારણે તેમની જટા ગૂંચવાઈ ગઈ, તેઓ સદા વનમાં ઘૂમ્યા કરતા હતા એટલે તેમનું શરીર મલિન અને પંકિલ થઈ ગયું. તે મહાતપસ્વી ક્યારેક નિરાહારી રહ્યા, વાયુભક્ષી રહ્યા, કાષ્ઠની જેમ અવ્યગ્ર રહ્યા, કોઈ રીતે વિચલિત ન થયા. જરા પણ હિલચાલ કરતા ન હતા એટલે ઠૂંઠા વૃક્ષ જેવા લાગતા હતા, તે સમયે કુલિંગ પક્ષીએ તેમના માથામાં માળો બાંધ્યો. તે પક્ષી દંપતી તેમની જટામાં માળો બાંધી રહ્યા હતા ત્યારે તે દયાવાન મહર્ષિએ ઉપેક્ષા કરીને તે માળો દૂર ન કર્યો, એટલે તે વિહંગદપંતી વિશ્વસ્ત થઈને સહજ રીતે જ મહર્ષિના માથા પર જ વસવા લાગ્યું. વર્ષાકાળ વીત્યો એ શરદ્દ ઋતુ આવી ત્યારે કામમોહિત પક્ષીઓના પ્રાકૃતિક ધર્મપ્રમાણે સંતાનપ્રાપ્તિ માટે સમાગમ કર્યો અને વિશ્વસ્ત થઈને મુનિના મસ્તક પર જ ઈંડાં મૂક્યાં. તે ઘટના સંશિત વ્રતધારી વિપ્રને એની જાણ થઈ. તે જાણ્યા પછી પણ મહાતેજસ્વી જરા પણ વિચલિત ન થયા. ધર્મનિષ્ઠ રહેતા હોવાને કારણે અધર્મની કદી અભિલાષા કરતા ન હતા. આ બંને પંખી નિત્ય ચણવા જતા અને પછી ઋષિના મસ્તક પર આશ્વસ્ત થઈને, હર્ષ પામીને વસતા હતા. મુનિ હલનચલન કર્યા વિના, સમાધિનિષ્ઠ, વ્રતધારી બનીને પંખીનાં ઈંડાંની રક્ષા કરતા હતા. સમય વીત્યો એટલે ઈંડાં પુષ્ટ થયાં, તેમાંથી બચ્ચાં નીકળ્યા, તે મોટાં થયાં તો પણ જાજલિ વિચલિત ન થયા. હલનચલન કર્યા વિના, સમાધિસ્થ, વ્રતધારી ધર્માત્મા કુલિંગ પક્ષીનાં બચ્ચાંની રક્ષા કરતા રહ્યા, સમય આવ્યે પક્ષીઓને પાંખો આવી, મુનિને ખ્યાલ આવ્યો કે હવે બચ્ચાંને પાંખો ફૂટી છે. થોડા સમય પછી બુદ્ધિમાન, વ્રતધારી મહર્ષિ બચ્ચાંને ઊડતા જોઈ પ્રસન્ન થયા. પક્ષી દંપતી પોતાનાં બચ્ચાંને મોટાં થયેલાં જોઈ આનંદ પામ્યા અને નિર્ભય થઈને બચ્ચાં સાથે મુનિના મસ્તકે નિવાસ કરવા લાગ્યા. જ્યારે બચ્ચાંની પાંખો બરાબર પરિપક્વ થઈ, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં હતાં અને સાંજે મુનિના મસ્તકે રહેતાં હતાં. વિપ્ર જાજલિ તે પંખીઓને આવતાં જતાં જોઈ જરાય વિચલિત ન થતા. કોઈ વેળા આ બચ્ચાં માતાપિતાથી અલગ પડીને પણ મુનિના મસ્તકે આવીને ફરી ઊડી જતાં હતાં. નિત્ય તેમના આવા આચરણ છતાં મુનિ વિચલિત થતા ન હતા. આ જ રીતે આખો દિવસ ચણ ચણીને પક્ષીનાં બચ્ચાં સાંજે નિવાસ માટે એ જ સ્થળે પાછા આવતાં હતાં. ક્યારેક પક્ષીવૃંદ સતત પાંચ દિવસ બહાર વીતાવીને છઠ્ઠા દિવસે જાજલિના મસ્તક પર બેસતું હતું, તો પણ મુનિ વિચલિત ન થયા. ધીમે ધીમે બચ્ચાં બળવાન અને પુષ્ટ થવાથી બહાર ઘણા દિવસ વીતાવી દેતા હતા, બીજે જઈને જલદી પાછા આવતાં ન હતાં. ક્યારેક તે પક્ષી એક મહિના માટે જતા રહેતાં, પાછા ન આવતાં પરંતુ જાજલિ પહેલાંની જેમ જ રહ્યા. આ પક્ષીઓ એક વખત ઊડીને જતાં રહ્યાં અને ત્યારે જાજલિએ વિસ્મય પામીને મનોમન વિચાર્યું કે હવે હું સિદ્ધ થયો છું. તેમના મનમાં અભિમાન પ્રગટ્યું. વ્રતનિષ્ઠ જાજલિ એ પક્ષીઓને એક વાર જતા જોઈને પોતાને સત્કારયોગ્ય સમજીને અત્યન્ત પ્રસન્ન થયા.
તે મહાન તપસ્વી મુનિએ નદીમાં સ્નાન કરી સંધ્યાતર્પણ કરી અગ્નિમાં આહુતિ આપી, પછી સૂર્યોદય થયો એટલે તેમની ઉપાસના કરી. પોતાના મસ્તક પર પક્ષીનાં બચ્ચાંને પૂરી રીતે મોટાં થયાં તે યાદ કરી જાજલિએ પોતાને ધર્માત્મા માન્યા અને આકાશમાં તાલ આપીને મોટેથી બોલ્યા, ‘મેં ધર્મ પ્રાપ્ત કરી લીધો છે.’ ત્યાર પછી આકાશવાણી થઈ કે ‘હે જાજલિ, તમે ધર્મની બાબતમાં તુલાધાર જેવા નથી થયા. વારાણસીમાં મહાજ્ઞાની તુલાધાર નામનો એક માણસ રહે છે. તમે જે કહ્યું તેવું વચન તે કહી શકતો નથી.’ જાજલિ મુનિ તે આકાશવાણી સાંભળીને ક્રોધે ભરાયા અને તુલાધારને મળવા પૃથ્વી પર ભટકવા લાગ્યા, જ્યાં સાંજ પડે ત્યાં જ તેઓ નિવાસ કરતા હતા. બહુ સમય વીત્યા પછી તે વારાણસી પહોંચ્યા અને ત્યાં ચીજવસ્તુઓ વેચતા તુલાધારને જોયા. ભાંડજીવી તુલાધાર વિપ્રવર્યને આવતા જોઈ હર્ષ પામીને ઊભા થયા અને સ્વાગત વડે આવકાર્યા. ‘હે બ્રહ્મન્, તમે મને મળવા આવી રહ્યા છો તે હું પહેલેથી જાણી ગયો હતો. દ્વિજશ્રેષ્ઠ, હું જે કહું છું તે સાંભળો. તમે સમુદ્રકિનારે પાણીવાળા સ્થળે મોટું તપ કર્યું છે, પહેલાં ક્યારેય તમે ધર્મનું નામ જાણતા ન હતા. હે વિપ્ર, જ્યારે તમે તપસ્યાથી સિદ્ધ થયા ત્યારે પક્ષીઓનાં બચ્ચાં તમારા માથા પર જન્મ્યાં, તમે તેમની યોગ્ય રક્ષા કરી. તે બચ્ચાંને જ્યારે પાંખો આવી અને ચણ મેળવવા ઊડી ગયાં ત્યારે તમે મનમાં નક્કી કર્યું કે પક્ષીઓનું પાલન કરવાથી ધર્મ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી મારા સંદર્ભે આકાશવાણી થઈ તે તમે સાંભળી. સાંભળતાંવેંત તમે ક્રોધે ભરાયા અને એ નિમિત્તે અહીં આવ્યા. હે દ્વિજવર, તમારું કયું પ્રિય કાર્ય કરું તે કહો.’
બુદ્ધિમાન તુલાધારે જપ કરનારામાં શ્રેષ્ઠ જાજલિને આવું કહ્યું ત્યારે જાજલિએ તુલાધારને કહ્યું.
‘હે વણિકપુત્ર, તમે બધા રસ, ગંધ, વનસ્પતિ, ઔષધિ ફળફૂલ વેચો છો. તમે આ નૈષ્ઠિકી બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, તમને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું. તમે આ બધી વાત વિસ્તારથી મને કહો.
(ત્યાર પછી તુલાધાર જીવનના મર્મ, આદર્શ વગેરેની ચર્ચા વિગતે કરે છે. સરખાવો ધર્મવ્યાધની કથા)
જાજલિને વધુ ધર્મોપદેશ તુલાધાર પક્ષીઓ પાસે અપાવે છે તે રસપ્રદ છે... તુલાધારે કહ્યું,
‘અનેક જાતનાં પક્ષીઓ ચારે બાજુ ભમી રહ્યાં છે. તમારા માથા પર જે પક્ષીઓ મોટાં થયાં તે પણ અહીં ઊડી રહ્યાં છે. આ બધાંએ આમતેમ પોતાના હાથપગ સંકોચી લીધાં છે. હે બ્રહ્મન્, તમે અત્યારે એમનું આવાહ્ન કરીને બોલાવો. આ જુઓ આ પક્ષીવૃંદ તમારું સન્માન કરી રહ્યાં છે. હે જાજલિ, પુત્રોને આવાહ્ન કરો, તમે એમના પિતા છો એમાં તો કોઈ શંકા નથી.’
ત્યાર પછી જાજલિ મુનિએ બોલાવ્યા એટલે પક્ષીઓએ અહિંસામય ધર્મયુક્ત દિવ્ય વચનો કહ્યાં,
‘અહિંસા, દયા આદિ ભાવો વડે કરેલું કર્મ આ લોકમાં અને બીજા લોકમાં ઉત્તમ ફળ આપે છે. હિંસા દ્વારા કરેલું કર્મ શ્રદ્ધા નષ્ટ કરે છે, શ્રદ્ધા નષ્ટ થાય પછી શ્રદ્ધાહીન મનુષ્યનો નાશ કરે છે. શ્રદ્ધાહીન પુરુષના કર્મમાં ત્રુટિ રહે તો વચન અને મન તે કર્મની રક્ષા કરી શકતા નથી. પુરાણોના જાણકાર બ્રહ્માએ કહેલી ગાથા કહ્યા કરે છે, ‘પહેલાં પવિત્ર અને અશ્રદ્ધાવાન તથા શ્રદ્ધાવાન અને અપવિત્ર પુરુષના વિત્તને દેવતાઓ યજ્ઞકર્મમાં એક સમાન માનતા હતા. શ્રોત્રિય હોવા છતાં પણ જે પુરુષ કૃપણતાનો વ્યવહાર કરે છે, તેના અને ધાન્ય વેચનારના અન્નને દેવતાઓએ એક સમાન ગણતા હતા. પ્રજાપતિએ તેમના આવા વર્તાવ માટે કહ્યું હતું, ‘હે દેવતાઓ, તમે બહુ અનુચિત કર્યું છે. ઉદાર પુરુષનું શ્રદ્ધાયુક્ત અન્ન પવિત્ર પણ અશ્રદ્ધાથી સિદ્ધ થયેલું અન્ન ભક્ષણીય નથી. એટલે ઉદારનું જ અન્ન ખવાય, કૃપણ અને વૃદ્ધિજીવીનું અન્ન ન ખાવું જોઈએ. કેવલ અશ્રદ્ધાવાન મનુષ્ય જ દેવતાઓને હવિદાન કરવાને પાત્ર નથી, તેનું અન્ન અભક્ષણીય છે, એવું ધર્મજ્ઞો કહે છે. અશ્રદ્ધા પરમ પાપ છે, શ્રદ્ધા પાપમોચની છે. જેવી રીતે સાપ કાંચળી દૂર કરે છે એવી રીતે શ્રદ્ધાવાન મનુષ્ય પાપ ત્યજે છે. શ્રદ્ધા સહિત નિવૃત્તિમાર્ગ ગ્રહણ કરવો બધી પવિત્રતામાં શ્રેષ્ઠ છે, શીલ વિષયક રાગ જેવા દોષોમાંથી જે મુક્ત છે તે જ શ્રદ્ધાવાન સદા પવિત્ર છે. તેને શીલ, તપસ્યા, ધર્માભ્યાસનું શું પ્રયોજન? આ શ્રદ્ધાવાન પુરુષ સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધામાંથી જેવી શ્રદ્ધા ધરાવતો હોય તે એ જ નામે ઓળખાય છે. ધર્માર્થદર્શી સાધુઓએ આ પ્રકારે ધર્મવર્ણન કર્યું છે. ધર્મદર્શન નામના મુનિએ કહ્યું છે: તમે સ્પર્ધાનો ત્યાગ કરો, તેનાથી તમને પરમ ગતિ પ્રાપ્ત થશે. વેદવાક્યમાં શ્રદ્ધાવાન અને વેદાર્થ અનુષ્ઠાન કરનાર તુલાધાર અહીં ધર્માત્મા છે. હે જાજલિ, જે શ્રદ્ધાથી કર્તવ્યપૂર્વક ધર્મમાં વસે છે તે ગૌરવયુક્ત છે...
(શાંતિપર્વ, ૨૫૩)