ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૧) ભટ્ટ લોલ્લટનો મત
મમ્મટનો એમનો મત આ પ્રમાણે રજૂ કરે છે : एतद् विवृण्वते विभावैः ललनोध्यानादिभिः आलम्बनोद्दीपन कारणौ रत्यादिको भावो जनितः अनुभावैः कटाक्षभुजाक्षेपप्रभुतिभिः कार्यैः प्रतीतियोग्यः कृतः व्यभिचारिभिः निर्वेदादिभिः सहकारिभिः उपचितः मुख्यया वृत्त्या रामादौ अनुकार्ये तद्दूपतानुसंघानात् नर्तकेऽपि प्रतीयमानो रस इति भट्टलोल्लटप्रभृतयः । ભટ્ટ લોલ્લટ રસ અને વિભાવાદિ વચ્ચે કાર્યકારણસંબંધમાં અને રસની ઉત્પત્તિમાં માને છે એવું અર્થઘટન કરવામાં આવે છે અને પછી એવી ટીકા કરવામાં આવે છે કે આ બરાબર નથી — વિભાવાદિ રસનાં નિમિત્તકારણ ન હોઈ શકે, કેમ કે વિભાવાદિ નષ્ટ થતાં રસ રહેતો નથી; વિભાવાદિ રસનાં જ્ઞાપક કારણ ન હોઈ શકે કેમ કે રસ પહેલેથી સિદ્ધ હોતો નથી. પરંતુ ઉત્પત્તિ નહિ પણ ‘ઉપચય’ ભટ્ટ લોલ્લટના મતનું મુખ્ય તત્ત્વ છે. તેથી આ બધી ટીકાઓ અપ્રસ્તુત જેવી બની જાય છે. એ ખરું છે કે લોલ્લટની સમજૂતી લોકવ્યવહારને અનુસરે છે અને એમના ખ્યાલમાં નથી આવતું કે રસ (aesthetic experience) એ ભાવની માત્ર ઉપચિત દશા ન હોઈ શકે, એનું કોઈક પ્રકારનું રૂપાંતર હોઈ શકે.