ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૩) ભટ્ટ નાયકનો મત
Jump to navigation
Jump to search
(૧૩) ભટ્ટ નાયકનો મત : (પૃ.૭૯)
મમ્મટ એમનો મત આ પ્રમાણે રજૂ કરે છે : न ताटस्थ्येन न आत्मगतत्वेन रसः प्रतीयते न उत्पधते न अभिव्यज्यते अपि तु काव्ये नाट्ये च अभिधातः द्वितीयेन विभावादिसाधारणीकरणात्मना भावकत्वव्यापाररेण भाव्यमानः स्थायी सत्त्वोद्रेकप्रकाशानन्दमयसंविद्विश्रान्तिसतत्त्वेन भोगेन भुज्यते इति भट्टनायकः । ભટ્ટ નાયક વિશે નોંધપાત્ર બાબત એ છે કે તેમનો સમય ‘ધ્વન્યાલોક’ની રચના પછીનો છે અને વ્યંજનાવૃત્તિનો તે અસ્વીકાર કરે છે. ‘લોચન’કાર આચાર્ય અભિનવગુપ્ત તેમની ટીકા કરે છે અને તેમના ‘ભુક્તિવાદ’નું ખંડન કરે છે. આમ ભટ્ટ નાયકનું સ્થાન ધ્વનિસંપ્રદાયના સ્થાપક આનંદવર્ધન અને અભિનવગુપ્તની વચ્ચે રહેલું છે. પરિણામે ભટ્ટ નાયક રસ પરત્વેના આલંકારિકોના અભિવ્યંજનાવાદનું ખંડન કરે અને અભિનવગુપ્ત એમના ભુક્તિવાદનું ખંડન કરે એવી સ્થિતિ જોવા મળે છે.