મંગલમ્/ચલી આવે
Jump to navigation
Jump to search
ચલી આવે
ચલી આવે - ચલી આવે - ચલી આવે!
સપનાંની સુરખી સમી,
ફૂલડાંની સુરભિ સમી! — ચલી આવે૦
આવે આવે એની કુમકુમ પગલી,
શ્વાસે શ્વાસે એની ફોરમ ઢગલી;
ગુંજી ગુંજી ઊઠે કુંજગલી મોરી
રાધાના તલસન સમી,
ફૂલડાંની સુરભિ સમી! — ચલી આવે૦
વાટે વાટે એની પરબો હું ભાળું,
ઘાટે ઘાટે એની નૌકા નિહાળું;
શિખરે શિખરે એની ધજાઓ લહરતી-
આશાના ઇજન સમી,
ફૂલડાંની સુરભિ સમી! — ચલી આવે૦
અંગે અંગે એની શાતા સમાતી રે,
નાડી નાડી એના ધબકારા ધરબી લે,
રોમે રોમે એની રટણા વિચરતી,
રંભાના નર્તન સમી,
ફૂલડાંની સુરભિ સમી! — ચલી આવે૦