મણિલાલ હ. પટેલ/૧૩. સાચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. સાચી


‘એ જ, હા એ જ છે, પવન!’ પોતાની જાતને મનોમન કહેતી સાચીથી, હાથમાં બૂફેની ડિશ હોવાછતાં, ખુરશીમાંથી ઊભાં થઈ જવાયું! આંખો એમ થોડી ધોખો ખાય છે?! ને આંખો મીચતાંય જેનો ઊજળો હસમુખો ચહેરો ઓઝલ થવાને બદલે પાસે ને પાસે મંડરાતો હતો એ, પવન! પિયરગામનો એ, ફળિયામાં સામેની લાઇનમાં લીમડાવાળું તે એનું ઘર... સાચીના બાપાના વિશાળ આંગણામાં ય ઘટાદાર લીમડો હતો – એ ઘડીક તો લીમડા નીચે ઊભીને એને તાકતી-તાગતી ન હોય જાણે એમ જોઈ રહી... હાથમાંની થાળી ય પળવાર તો ભૂલી જવાઈ... ‘વાળ ખાસ્સા ધોળા થયા છે ને ચહેરોય થોડો સુકાયેલો.. તે હોય જ ને! મારાથી બે-ત્રણ વર્ષે મોટો હશે... આજે મનેય પચાસ ઉપર બે થવામાં છે... તે! હજી કપાળ પર થઈને જમણી આંખ પર તરી આવતા વાળને સંવારવાની ટેવ... હા, જોને, ડાબા હાથમાં થાળી છે ને જમણો હાથ એંઠો છે તો ય કાંડાથી વાળને જરાક ઊંચે ચઢાવે છે... શરીર હજુ ઘાટીલું ને એવી કપડાંની સજાવટ...’ સાચીએ જાતને વારી પણ ત્યાં જ વળી પ્રશ્ન થયો કે – ‘સાંભળેલું કે એ તો સી.એ. થઈને મુંબાઈમાં કોઈ મોટી કમ્પનીના માલિક થયા છે... તો આજે વળી આ શહેરમાં – છેક અહીં ક્યાંથી?’ જાતે જ પોતાને જવાબ આપતી હોય એમ બબડી – ‘એ ય તારી જેમ હશે ને?! તું ય ગામ છોડીને દીકરા સાથે અહીં છે એવું કૈંક... અથવા ધંધાપાણી-મિત્રતાને નાતે ય...’ સાચીના હાથમાંની ડિશ જાણે હવાએ ઝાલી રાખી ન હોય... એની નજર એ પુરુષઝૂમખામાં ખોડાઈ ગઈ હતી – એ ય જો આ તરફ જુએ તો તો દોડીને! કોટે વળગી પડવાનો એ ઉમળકો! સાચી સ્તબ્ધ થૈ ગૈ... ‘શું થયું? શું છે? મમ્મી... આમ ઊભાં કેમ છો? ને ત્યાં કોઈ?’ સુરતાએ પણ એ તરફ જોતાં ઉમેર્યું, ‘બેસો, લ્યો આ તમારો ભાત... દાળ પણ લાવી છું.’ ‘ના બેટા, તું લઈ લ્યે... મને હવે બસ, બહુ થયું...’ ‘પણ તમે જ તો ભાતદાળ મંગાવેલાં....ને.. ભલે હવે...’ ‘મમ્મી! કોઈ ઓળખીતું માણસ-’ ‘ના..હા બેટા, નમનના પપ્પા... એટલે કે પપ્પાના મિત્ર જેવું કોઈ લાગ્યું. એટલે જરાક...’’ સુરતાને થયું કે મમ્મી થોડાં જુદાં કેમ લાગે છે? મમ્મી તો સ્વસ્થ ને કરીને બોલનારાં, આમ થોથવાય તો મમ્મી નહીં... કશુંક છૂપાવતાં તો નહીં હોય?! ના રે ના, હું ય કેવી છું? મમ્મીને વળી છુપાવવાનું શું હોય?! સુરતાએ જોયું કે હવે ત્યાં સામે કોઈ નહોતું... પેલા પુરુષો હાથ ધોવા કે દાળ-ભાત લેવા – પણ મમ્મીની નજર હજીય એ દિશામાં સ્થિર હતી... જાણે કોઈ હજી ત્યાં ઊભું છે? હમણાં બોલાવશે... આ તરફ આવશે. મમ્મીનો ચહેરો થોડો વધુ રતુંબડો અને ખાસ્સો ભાવભર્યો કેમ લાગતો હતો? થોડોક લાલ, તલસાટવાળો પણ..! બાકી, મમ્મીના ચહેરા પર સ્વસ્થતાની સાથે કાયમી ઉદાસીનું એક પારદર્શક પડ પારખુ નજરથી છાનું ન રહે... એથી એમનો ચહેરો વધારે આકર્ષક બનતો હતો એ નક્કી! સુરતા તો મમ્મીને આવું કહે ને વખાણે! એ બંને સગાઈમાં ભલે સાસુ-વહુ હતાં પણ એ રહેતા-વર્તતાં તો મા-દીકરીની જેમ! આજે ય સાચી સુરતાને કમ્પની આપવા જ આવી હતી – બાકી એને લગ્નો કે રિસેપ્શનો બહુ ગમતાં નથી. નમનના મિત્રના ભાઈનું રિસેપ્શન હતું અને નમન કમ્પનીના કામે બહારગામ હતો... એટલે સુરતાએ જવાબદારી લીધેલી ને મમ્મીએ હા પાડેલી... મેળાની જેમ આ મેળાવડો ય ઊલવામાં હતો. ખુરશીઓ ખાલી પડતી હતી, વધારાનાં બૂથ સિમેટાતાં હતાં.. મન્ચ પર જનારાં હવે ખાસ નહોતાં... વૃક્ષો પરની દીપમાળાઓ હજી વાતાવરણને જીવન્ત અને ઉલ્લાસિત રાખી રહી હતી... સંગીતની ધૂન હતી – ધીમી ને ઝીણી કસક જગવતી – ‘કીસી રાહ મેં, કીસી મોડ પર, ચલ દેના છોડકર, મેરે હમસફર મેરે હમસફર...’ સાચીનું મન હજી બેસવા ચાહતું હતું... બહુ, બહુ વખતે મન જાણે ભરાઈ આવ્યું હતું... ‘બધાં ગયાં – અડધી વાટે છોડીને ય ગયાં.... એકલી તરસતી મૂકીને ગયાં... શું કામ? મેં તમારું શું બગાડ્યું હતું?! ને મેં ક્યાં કશું માગ્યું ય હતું? ને તોય...’ આંખો આર્દ્ર હતી. સુરતાએ જ કઈં જ પૂછ્યા વિના પાણી આપ્યું ને પછી ગાડી સુધી અબોલપણે લઈ આવી... સુરતા કાર ડ્રાઇવ કરતી હતી અને સાચી પુનઃ સૂનમૂન થઈ ગઈ હતી. પિયરગામ, એ ઘર-આંગણું અને તડકે નહાતું ફળિયું... કરાની વાડમાંનું મોટું કંથેર જાળું – કાંટા વાંકા ને ત્વચા ઉતરડતા... અંધારે એક ઓળો અધીરો વાટ જુએ છે – ને બીજો પ્રગટે છે પછી તેથી... ચુમ્બનોનો વરસાદ. ઓહ! ‘તું આટલું બધું ચાહે છે?’ ‘હા, સાચી! સાચ્ચે જ.’ ને પુનઃ પરવાળાંની ઊની ઊની જુગલબન્દી! સાચી તાજ્જુબ હતી – આ ક્ષણે ય તે! ને સુરતાને ખ્યાલ આવી ગયો હતો કે મમ્મી બહુ દૂર નીકળી ગયાં છે... ઘરે આવીનેય સુરતાએ મમ્મીને એમની રીતે સૂવા કરવા માટે એકલાં છોડી દીધાં હતાં... સુરતા આવી ક્ષણો સાચવી લેવા જેટલી સમજદાર હતી. સાચીની રાત તન્દ્રામાં વીતી હતી. પવનની લહેરખીએ જંપેલાં જળ જગાડી દીધાં હતાં. ભૂલવાની મથામણોમાં કૈંક વિસારે દિવસો પાછા ઘરના આંગણામાં ચણવા આવતાં કબૂતર-મોર અને હૂદહૂદની જેમ આવી લાગ્યા... એ જ છટાઓ અને ઠસ્સો! એ ઋતુઓ જ એવી રઢિયાળી હતી. ગામ-ફળિયું-સીમ-વગડો દિવસે તડકામાં નહાતાં હોય ને રાત અજવાળે–અન્ધારે સુગન્ધોનો અંઘોળ કરતી રહેતી! આવા પરિસરમાં સાથે રમ્યાં, ફર્યાં ને ઊછર્યાં હોય ત્યાં કારણો અને પરિણામોની શોધ કે પડપૂછ શાની? એના જનમ પહેલાં બે બહેનો જનમી પણ જીવી નહીં. સાચી તો જોડકાંમાં જન્મી... ભાઈ લઈને આવેલી પણ ભાઈ બચી ન શક્યો... બાપા કહેતા : ‘તું બચી ગઈ, સાચી! ને એટલે જ તારું નામ સાચી... તું કદી જૂઠી ના પડતી... સાચી જ રહેજે..’ જોકે બાએ તો એને હમ્મેશાં ‘બચી’ (વહાલી-લાડલી) કહીને બોલાવી છે. સાચીને આજે પાછા બાપાના બોલ યાદ આવ્યા! પણ સાચી બની રહેવાનું સરળ નથી હોતું એ તો આજેય પડકાર બનીને મનને મથાવે છે – સાચી આજે પાછી ગડમથલમાં છે... ત્યારે તનમનની તડપ ઠારવા – કહો સુખને પામવા ભય અને અપરાધની પરવા નહોતી કરી... તો આજે હવે ભય શાનો? સુખ સારું કરેલું તે કર્મ આજેય કઠતું નથી તો કબૂલ કરવામાં વાંધો શેનો?! સાચીની આંખ સામે આવીને એ દિવસો પાછા ઊભા રહ્યા... પવનનું ઘર સામે જ. એની બહેન કથા તે સરખી વયની સૈયર, આમે ય ફળિયામાં તો અમસ્તાં ય એકબીજાંને ત્યાં દિવસમાં બેચાર આંટા થતા હોય. સાતતાળી ને સંતાકૂકડી રમવા, કૂવે પાણી સિંચવા, કેરી-રાયણ લેવા વગડે જવું, સીમવગડે ડોડા-મગફળી ખાવા ભેગાં મળવું ને ઢોર પાવાં કે નહાવા-કપડાં ધોવાં નદીએ જવાનું. બધાં અમસ્તાંય ભેગાં ને ભેગાં. વારતહેવારે કે પ્રસંગપર્વે – એકબીજાને જોતાં થયાં ને જાતને ઓળખતાં થયાં. મળતાં પહેલાં જ ઝૂરવાનું જાણતાં થયેલાં. તીખા રોટલા અને શાક સાયણું તો પરસ્પર આપવા-લેવાનાં જ હોય. ને પોતે તો પવન કે કથાને મૂકીને શીરો ને સુખડી કદી નથી ખાધાં! પવન કૉલેજથી શનિ-રવિએ કે રજાઓમાં આવે એટલે સુખડી શેકાય જ. ને બા પણ કહેતી હોય કે સામાં ભાઈબહેનને બોલાવજે, હાં કે! સાચીને થાય છે કે પોતાના જીવનનો નિર્ણય પણ ત્યારે માબાપના હાથમાં હતો... એ તો બધાં પંખીપીંછાંની જેમ હળવાં ને ઊડતાંબૂડતાં હવાઓમાં તરતાં રહેતાં... આજે આ સભાનતા બહુ પીડે છે. બાપાએ આબરૂદાર, જમીન અને પૈસાવાળું સંસ્કારી ઘર જોઈને, એ જનમીને જ તરત સગાઈ કરી દીધેલી... હા-ના કરવાની વય પહેલાં તો લગ્ન લેવાયેલાં ને આણા વગર પણ ટાણેવ્યવહારે સાસરીમાં આંટો મારવાનો થતો... કેટલીક છોકરીઓ હાઈસ્કૂલમાં જતી થયેલી... પણ વર ન ભણે તો વહુને ય ઊઠી જવાનો વણલખ્યો કાયદો જ જાણે! ને પોતાને તો નિર્ણયો પછી ય ક્યાં કરવાના આવ્યા હતા તે..? હા, પવન પાસે એક જિદ્દ અડગ રહીને કર્યા કરેલી.... નિર્ણય ગણો તો એટલો! ...ને એના સહારે ઠીક ઠીક શાતા મળેલી-મળતી રહેલી છે.... કદાચ, આજ સુધી! હા. આંખમાં સાચવેલાં – કોઈને માટેનાં – એ આંસુઓએ ઘણી મદદ કરી છે... તે દિવસે નદીમાં ડૂબતી, પવને સ્તો બચાવેલી. તેર-ચૌદની વય કાંઈ કાચી ન કહેવાય... પીઠ પર ઊંધી ઊંચકેલી, બેઉ હાથ પકડીને એના ગળામાં ભિડાવેલો ને એના બેઉ હાથે પાછળ પકડ બનાવીને, નદીનો ઢાળ ચઢાવીને છેક ઘેર લાવીને બા-ને સોંપેલી. થોડી આડીઅવળી વાતો ય થયેલી.. ડૂબવાનો એ ઓથાર તો મટી ગયેલો પણ એ ઊછરતા પુરુષની માંસલ પીઠની કુંવારી ઊની ઊની વેળા હજીય, હા આજે પણ, સંભારતાં જ વિહ્‌વળ કરી દે છે.... સુરતાએ ચા-નાસ્તો તૈયાર કરીને સાચીને બૂમ પાડી... ‘મમ્મી! આવો’ સાચી હજી પોતાની આજમાં પાછી વળી નહોતી... તળ તૂટતાં હતાં ને ભરતી ઊમટતી હતી... ‘મમ્મી... હું તો તમારી દીકરાવહુ અને દીકરી જેવી... મને તો બધું કહેવાય. મારી ભીતરમાં તમારી વાત ઊંડે દાટી રાખીશ... પણ તમે જે છે તે કહો...’ સુરતાની આટલી વાતની જ વાટ જોતી હોય એમ સાચીએ વાત માંડી... જરા ઊંડો શ્વાસ લીધો ને નજર ટેબલ-ક્લૉથની ભાત પર નોંધી... ‘ત્યારે, આપણી બાજુનાં ગામડાંમાં, પવન અને કથા જેવાં નામો નવીનવાઈનાં જ ગણાય.... એ તો એમના મામા મુંબાઈમાં, એમણે નામ પાડેલાં... ને નામ પ્રમાણે એ બેઉ જરા નોખાં પણ ખરાં. એમનો સાથ આપણને નવું શીખવે... એમની વાતોય ગમે...’ ‘ડૂબતી બચાવ્યા પછીના વર્ષની વાત છે. નદીએ બધાં મળી ગયેલા. મેં કહ્યુંઃ ‘પવન, મને તરતાં શિખવાડ’ એ કહે : ‘સાચી, તું હવે મોટી થઈ કહેવાય, એટલે જાતે- ‘એટલે શું મોટા થાય એમણે ડૂબતાં જ રહેવાનું -?’ ‘ના, અજાણ્યાં અને ઊંડાં પાણીમાં નહીં ઊતરવાનું!’ ‘પણ આ ઓળખીતાં પાણી જ રોજ નાકે આવે છે એનું શું?’ મારા ચબરાક પ્રશ્નની અપેક્ષા ન હોય એમ જરાક વિસ્મિત થતાં બોલેલો : ‘એવાં પૂર તો મનેય મૂંઝવે છે. ચિન્તા નહીં, જે, ભાવ જગવે છે, એ જ, ભાવ પૂરાય કરશે... કુદરતની વાત છે.’ પવનને પહોંચવાનું મારું ગજું નહોતું. વખતનો ઘોડો જાણે અશ્વમેધ કરવા નીકળ્યો હતો... સાચીને તો એટલું સમજાતું હતું કે હવે પવન એના ભાગ્યમાં નથી... પણ લોહી ફેણ માંડતું હતું. એ સચ્ચાઈ સાથે તાર જોડતાં સાચીએ વાત ચાલુ રાખી... ‘બા સુખડી કરીને ક્યારીમાં ગયેલી. પવનને વૅકેશન હતું. મેં એને બોલાવ્યો. સુખડી આપતાં મારો હાથ કંપતો હતો – ‘કેમ, સાચી! કંઈ તક્લીફ છે?’ મેં કહ્યુંઃ ‘હા મને, મને તું જોઈએ છે - આખેઆખો!’ ‘તે હું તો આ રહ્યો – તારી સામે તો છું!’ ‘ના, મારી છેક અંદર....’ હું મારી વાત કરતાં થોથવાતી હતી... પણ એ વાત પામી ગયો હતો; ‘જો, સાચી! દરેકને જે મનગમતું હોય એ ના પણ મળે એમ બને. જો મનગમતું ન મળે તો જે મળતું હોય તેને મનગમતું જ કરવું પડે...’ પછી મારી આંખમાં આંખ પરોવીને ઉમેરેલું : ‘આપણો હક્ક ભાવના સુધી. અધિકાર દરેક વાતે જતાવવાનો ન હોય.’ એની છેલ્લી વાત મને પલ્લે પડતી નહોતી. મેં કહેલુંઃ ‘હું તો એટલું જ જાણું કે મને તું જોઈએ છે, બસ...’ ને હું એને બથમાં લેતી ચૂમી ભરતીકને વાડામાં જતી રહેલી... મારાથી રડી પડાયેલું... પછી હું આંગણે આવી ત્યારે એ એના લીમડા નીચે ખાટલે બેસીને મારી તરફ જોઈ રહેલો....’ અજવાળાં આવતાં ને અંધારાં મૂકી જતાં. પખવાડાં બદલાતાં. તડકો અને મેઘ માટી ખૂંદતા. મૉલ પાકતા... વઢાતા.. ને કુંવારી ધરતી પુનઃ ખેડાતી. થોર પર તીતીઘોડા યુગલ રચતા. કાંટાળી વાડો પર કૂણી વેલ પથરાઈ જતી... સાચી જીવતરને પોતાની રીતે સમજીને જીવવા ચાહતી પવનની પ્રતીક્ષા કરતી રહેતી... ‘તે દિવસની તો વાત જ જુદી હતી. માગસરની એ અજવાળી રાત તો રાત કહ્યે રાત હતી. જીવનમાં પછી એવી રાત કદી ફરી આવી નથી. ચાહેલા સુખની એ ઘડી હતી. ભય અને રોમાંચ વિના તો બધું નક્કામું! કોઈ જાદુઈ જગત જોતી હોઉં એવું થયેલું. શિયાળાની રાત તો પડતાં જ સૌને ઘરમાં પૂરી દેનારી, પૂર્વમાં ચાંદીની થાળી જેવો ચાંદો ચકચકતો હતો. લીમડાઓમાં અમે ક્યારે, કેમનાં, કેમ આવી ઊભેલાં ને ત્યાંથી ક્યારે વાડો-નેળિયું વટાવીને ટેકરી પાસેની ક્યારીમાં મહુડીની કાળી છાયામાં પહોંચી ગયાં તે ખબર જ ન પડી...!’ સુરતા તો અચંબિત થઈને સાચીને જોઈ જ રહી... આ ભાષા અને આ વાતો... ચહેરો પણ જાણે વધારે રતુંબડો બની રહેલો... તે માની શકતી નહોતી કે આ એ જ શાન્ત અને એકલી ઉદાસ દેખાવા કરતી એની સાસુ-બા છે.... ‘લીલા સુંવાળા ઘાસની પથારી અને મહુડીની ઘાટ્ટી છાયામાં અમે - જાણતાં છતાં અજાણી કાયાને પરખવામાં લીન-તલ્લીન... ગામ ફરતે વાદળી ધુમાડાની બંગડી વીંટળાઈ વળી હતી. દૂધથી ભરેલી તળાવડીમાં પડછાયા પડતા હતા. ચણા-ઘઉંનાં ખેતર જ નહીં, આખી સીમ અમારી ચોફેર તરતી હતી... જાણે શિયાળુ બપોરનો તડકો મારા રુંવેરુંવે થઈને મારામાં છેક ઊંડે ને ઊંડે ઊતરતો હતો. હું જાણે કશાક શમણામાં હતી...’ સાચી જાણે હાંફી ગઈ ન હોય! જરાક પોરો ખાઈને બોલતાં બોલતાં એનો અવાજ પલળી ગયો હતો. ‘થોડાક જ દિવસો પછી મને ખ્યાલ આવી ગયેલો... કે હું ભરાઈ ગઈ હતી... હું ધન્ય થઈ ગઈ હતી... ને પછી તો માંદાં સાસુની સેવા ઓલે, હું વગર આણે સાસરવાસે ગોઠવાઈ ગયેલી... એ દિવસ પછી અમે કદી સામસામે મળ્યાં નથી... ‘નમન’ નામ પણ કથાએ જ પાડેલું – એને કદાચ પવને કહ્યું હોય! એ જે હોય તે... મારે મન તો કથા જ નમનની માસી અને ફોઈ બન્ને હતી, એમાં મીનમેખ નહોતો...’ સુરતા ઊઠીને સાચીને વળગી જ પડી... નાના બાળકની જેમ ડૂસકે ચઢી ગયેલી સાચીને, ક્યાંય સુધી, સુરતા પીઠે પસવારતી-પંપાળતી રહી... મોડી સાંજે નમન આવ્યો ત્યારે પાણીનો ગ્લાસ આપતાં સુરતા એને એકીટશે જોતી રહી – જાણે એ કોઈ ચહેરો શોધવા માગતી ન હોય, એમ! ‘કેમ, આજે જ મને પહેલીવાર, નવીનવાઈનો જોતી હોય એમ ટગર ટગર શું જુએ છે?’ ‘નમન, તમારી વાત સાચી છે.’ કહેતી – હસતી સુરતા હજી પ્યાલો પકડીને ઊભી છે ત્યાં જ દીકરાનો અવાજસાંભળીને અવશ આવી ચઢી હોય એમ સાચી આવતાં જ ‘બેટા, નમન! આવી ગયો.’ કહેતી, બે હથેળીના સમ્પુટમાં નમનનો ચહેરો ઝીલી લેતી હોય એમ ગોઠવીને, કપાળ પર લાં...બી ચૂમી ભરતાં બોલી : ‘સુખી થાવ અને સુખી કરો, મારા દેવ...’ કશું ન સમજાતું હોય એમ, નમન અચરજભરી નજરે, સાચી અને સુરતાને ઘડીક જોઈ જ રહ્યો...