મર્મર/એવી શી મારી કસૂર
એવી શી મારી કસૂર?
એવી શી મારી કસૂર મારા વાલમા?
કેમ તમે દૂરના દૂર મારા વાલમા?
ગરજે છે આભભરી આષાઢી વાદળાં;
વીજલ અણિયે વીંધાય હૈયાં કૂંળાં કૂંળાં;
કેમ કરી ધરવી સબૂર મારા વાલમા?
ઊભરાય નેવ છલે છાપરાનાં પાણી,
ગાંડી નદીયું તણાય જોબનની તાણી;
કેમ ખળે નયનોનાં પૂર મારા વાલમા?
તારા છૂપ્યા ને છૂપી તારાશી આંખો,
જંપેલી વાત કેરી ફફડે છે પાંખો;
સપનામાં સૂણું તારો સૂર મારા વાલમા.
ભીની ભીની ધરતીની પસરી સુગંધ છે
ઝીણી-ઝીણી ફરફરમાં વરસે અનંગ છે,
પીગળે ના પથ્થરનું ઉર મારા વાલમા?