મર્મર/સપ્તક


સપ્તક

જીવવું તો જિન્દગાનીના બની
સાચી માની ચીજ સૌ સંસારની;
જાણી જેને ના શકે જીવનાર તે
રાખ તારી વાત મૃત્યુ પારની.

જીવતાં તું મૃત્યુની ચિંતા કરે!
જિન્દગી બીજું શું છે? છે સર્વની
પોતપોતાની રીતે જીવી, કરી
જિન્દગી તૈયારી મૃત્યુપર્વની.

માનું મારી કીર્તિ ને દૌલત બધી
જાઉં ખાધા ભૂલી સર્વ પ્રહારને;
બંદગીથી જો હું જન્નતને જીતું
ને ભલાઈથી જીતું સંસારને.

પથ્થરોની ખૂબ નિંદા થાય છે
દિલના બેદિલ પણ કહેવાય છે;
તું ઝરણ કરજે ન એની ઠેકડી
નીર પથ્થરથી જ તારાં ગાય છે.

આ હવે એવી જ છે, પાગલ બની
જાય છે સૌ શ્વાસ લેનારા અહીં;
આંખ મીંચી ઊડતાં બોલી રહે:
પ્રેમને છે પાંખ ને આંખો નથી.

આવડી અધીરાઈ શી! તોફાનમાં
નાવ તારીને થવાનું, થાય તે;
સોંપી જેને છે સુકાનો તેં દીધાં
સોંપી તેને કાં ન દે ચિંતાય તે.
 
જેહના તલસે છ દર્શન કાજ તું
ઢૂંઢવા તેને ફરે કાં બ્હાવરો?
એ ઉભો સરિયામ રસ્તા પર, ફક્ત્
ફેંકી જો ચ્હેરેથી બુર્ખો આવર્યો.