માણસાઈના દીવા/‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો!’

ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. “ચાલ, આમ આવ!" ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: “ચાવવા માંડ!” શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: “હવે થૂંકી નાખ ચોખા.” શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા; અને પછી ફોજદારે કહ્યું: “નહિ, આ ચોર નથી; એનાં ચાવણ થૂંકાળું છે. તું જા! હવે કોણ છે બીજો? ચાલ, આ લે ચોખા; ચાવ.” બીજાએ ચાવ્યું. એને થૂંકાવ્યું. એ થૂંકેલું સાહેબે નિહાળ્યું. શિર હલાવીને સાહેબે બીજાને પણ નિર્દોષ જાહેર કર્યો. “ચાલ, હવે, ઝાલા, તું ચાવ ચોખા, હમણાં જ પીર પોતાના ગુનેગારને પકડી આપશે.” ઝાલો એક પાટણવાડિયો હતો. ચોખાની ચપટી લેતાં ઝાલાનો હાથ ધ્રૂજ્યો. ચોખા મોમાં ઓરતાં એના હોઠ કંપ્યા. ચાવીને એણે થૂંક્યું. એ થૂકેલ ચાવણ પર ઝૂકેલા સરફોજદારના મોં પર વિજયની ઝલક આવી ગઈ; એમણે સાગરીતોને કહ્યું: “જોયું ને? કોરેકોરું! જોયું ને! વાહ બેટમજી! પારખું કરી લીધું. બસ, હવે બીજા બધા ચાલ્યા જાવ; ને તું આમ આવ, ઝાલા!” ઝાલો ધૃજતો, સંકોડાતો નજીક આવ્યો. એટલાં ચાર-પાંચ પગલાંમાં તો ઝાલાએ પીર સાથે જાણે જુગજૂની વાતો કરી લીધીઃ અરે પીર! તમે શું પોલીસના બાતમીદાર છો! તમે શું આવડી મોટી બનાવટ કરી શકો છો? તમે પણ આ વાઘદીપડાની જૂઠલીલામાં શામેલ છો? સોડ ઓઢીને સૂતા સૂતા તમે શું આવાં કામાં કરાવો છો! સરફોજદારના મજબૂત પંજાના એક તમાચાએ ઝાલા પાટણવાડિયાને પીર સાથેની ગોષ્ઠિમાંથી સભાન બનાવ્યો; ને ઝાલાએ વક્ર હાસ્ય કરતા ફોજદારનો કુટિલ પ્રશન સાંભળ્યોઃ “લાવ, ક્યાંછે ચોરીનું કાપડ?” “કાપડ!" ઝાલો કશું સમજતો નહોતો. “હા, હા; તારા બાપનું-કિનખલોડવાળા પાટીદારનું કાપડ. ચાલાકી જવા દે, ને કાપડ ઝટ કાઢી આપ. હવે પીરના પંજામાંથી જઈશ ક્યાં?" “કાપડ વિશે, સાહેબ, હું કશુંય જાણતો નથી.” “ઠીક ત્યારે, ઝાલાભાઈને સમજાવો હવે!" એમ ફોજદારે પોતાના સાથીદારોને કહેતાં તો ઝાલાના શરીર પર સામટાં દંડા, ગડદા,પાટુ, તમાચા ને ઠોંસા વરસી પડ્યાં. પોતાના તરફથી એક નવો ઠોંસો લગાવવા ફોજદારે હાથ ઉપાડ્યો, એ જ પલે કોઈકે એ હાથનું કાંડું ઝાલ્યું. ફોજદારે ચમકીને પાછળ જોયું. હાથ પકડીને ઉભેલ ઊંચી કાઠીના એક આદમીએ, શરીરના કદથી ઊલટા જ કદના કોમળ ધીરા સ્વરે આટલું જ કહ્યું:"શીદ મારો છો? ના મારશો.” “રવિશંકર મહારાજ!" ફોજદારે પોતાનું કાંડું પકડનારને જોઈ ચીડાઈ જઈને કહ્યું: “ના શું મારે! કંઈ સમજો તો ખરા!કિનખલોડની ચોરી એણે જ કરી છે.” “નહિ," રવિશંકર મહરાજે સજળ નેત્રે જણાવ્યું:"એ ઝાલો ચોરી કરે નહિ.” “પણ આમ તો જુઓ!" સ્રફોજદારે પોતાને સાંપડેલા પીરના પુરાવા તરફ — એટલે કે ઝાલાએ થૂંકેલ ચોખાના ચાવણ તરફ -આંગળી ચીંધાડીઃ “આ જુઓ છો?” “શું છે?” “હજુપૂછો છો — શું છે? એ મહારાજ! એ તદ્દન કોરું બિલકુલ થૂંક વગરનું ચાવણ છે. અહીં તો પીરનો હાજરાહજૂર પરચો છે. ચોર હોય તો તેના ચાવેલ ચોખામાં થૂંક ન આવે.” સાંભળીને મહારાજના સંતાપમાં રમૂજ ભળી. નિર્દોષ પીરને પણ જૂઠી સાહેદીમાં સંડોવનાર ગાયકવાડી હિંદુ સ્રફોજદાર પ્રત્યે એમને હસવું આવ્યું. એ હસવું દબાવીને પોતે કહ્યું: ‘ફોજદાર સાહેબ! એ પીર,ચોખા અને થૂંકવાળું શાસ્ત્ર તો હું જાણતો નથી; પણ માણસની માણસાઈનો મને પરિચય છે. આ ઝાલો મારો સંપૂર્ણપણે જાણેલો છે. એને ખેતરે જ રહું છું, એ ચોર નો'ય. એને મારશો નહિ; નહિતર હું સીધો વડોદરે પહોંચું છું' “બળ્યું ત્યારે.." એટલું કહીને ફોજદારે પીરને સલામ કરીને ચાલતૉ પકડી. પીર તો શરમના માર્યા સોડ્યમાંયે સળવળ્યા વગર પોઢી રહ્યા.


[૨]


ઝાલા પાટણવાડિયાને લઈ મહારાજ ખેતર પરના સોમાના ઘરમાં જ વસે છે; અને કિનખલોડ ગામના પાટીદારની કાપડની ગાંસડીની ચોરી પર એકધારું ચિંતન ચલાવી રહેલ છેઃ આજે પીરાણાનો પ્રયોગ કર્યો; કાલે પોલીસ બીજી કોઈ એવી જંગલી તજવીજ ચલાવશે. આજે ઝાલાને માર્યો; કાલે કોઈબીજા પાટણવાડિયાને પીટશે. પીરનો આસ્થાળુ ફોજદાર બદલી ગયો ને નવો આવ્યો છે તે વળી મેલડીનું શરણ શોધશે. શું કરું? કોને પૂછું? જે કોઈ આવે છે તે એક જ નામ ઉચ્ચારે છેઃ ફૂલા વાવેચાનું નામ. હરેક પાટણવાડિયાની જીભ પર ફૂલો જ છે. ફૂલો ભયંકર ચોર છે. કોઈથી અજાણ્યો નથી.ફૂલો કદી પકડાતો નથી. ઘણા આવીને કહી જાય છે કે, ફૂલાના ઘરની ઝડતી થાય તો આગલું-પાછલુંયે ઘણું નીકળી પડે. પણ ફૂલાના ઘરમાં ઝડતી કરવી એ તો કાળા નાગના ભોણમાં હાથ નાખવા જેવું. નવા આવેલ ફોજદારની મગદૂર નથી. ને મગદૂર હોય તો પણ મને એમાં શો રસ છે! મારી એમાં શી શાંતિ છે! મને જો ચોરીની અને એ ચોરની મારી રીતે ભાળ ન લાગે તો મારું જીવ્યું ફોક છે. મહારાજ મારી સાથે -મારી આગળ-ચાલે તો હું ફૂલાના ઘરની ઝડતી લઉં." નવા ફોજદારની એવી માગણીનો મહારાજે નકાર કર્યોઃ"ના,ના; મારી એ રીત નથી. મારો એમાં શો દા'ડો વળે! ફૂલો પોતે મારી કને પ્રકટ ન થાય ત્યાં સુધી મારી તજવીજમાં માલ શો!” ચોર તો ફૂલો જ છેઃ મહારાજ માને યા ન માને, ફૂલા વિના બીજાનાં આ કામ નથીઃ એવો એક અવાજ મહારાજને કાને આવતો રહ્યો. ફૂલાનું જે ચિત્ર દરેક જીભ આંકી ગઈ, એમાં વધુને વધુ કાળો રંગ ઘૂંટાતો રહ્યો. લોકોની નજરમાં ફૂલો કાળી રાતે નજરે તોપણ ફાટી પડાય તેવો ચિતરાઈ ચૂક્યો; ને આ એક ફૂલો વાવેચો મોજૂદ છે ત્યાં લગી પરગણામાંથી ચોરીનાં પગરણ જવાનાં જ નથી એવી માન્યતા સૌને ઠસી ગઈ. અપવાદરૂપે એક મહારાજ રહ્યા. ફૂલાને એમણે હજુ જોયો નહોતો;ચકાસ્યો નહોતો. ફૂલાની પાસે સામેથી ચાલીને જવાની વાત પણ ચર્ચવી વસમી હતી. ફૂલાને શી રીતે મળું? ક્યાં મળું? શું કારણ કાઢીને મળું? યોગ્ય તક જો'તી હતી. કાપડની ચોરી પર ચિંતન કરતા મહારાજ મધરાત સુધી ઝાલાને ખેતરે બેઠા રહ્યા. ત્રણેક દિવસ પછીની એક રાતે ઝાલાએ ખેતરમાં આવી સૂતેલ મહારાજને જગાડી કહ્યું:"મહારાજ, આજ રાતે ઝડતી થવાની છે; પણ ફોજદાર સુધ્ધાંને ખબર નથી કે ક્યાં, કોની ઝડતી કરવા જવાનું છે.” “કોની?” ફૂલા વાવેચાના ઘરની." “એણે ચોરી કરેલી છે?” “ના.” “ત્યારે?” “છતાં ચોરીનો માલ ફૂલાને જ ઘેરથી નીકળવાનો છે.” “એ શી રીતે?" મહારાજના અંતઃકરણે આંચકો અનુભવ્યો. “ચોરીનો માલ પ્રથમ ફૂલાના ખેતરમાં મુકાવાનો છે; ને પછી તરત જ, ફૂલાને ખબર સુધ્ધાં પડવા દેવા વગર, ફોજદારને એને ત્યાં લઈ જવાના છે.” “એવું શા માટે?” “એટલા માટે કે તો પછી ફૂલો એણે બીજી જે ચોરીઓ કરેલ છે તેનો માલ પણ કાઢી આપે.” “માલ કોણ મૂકી આવવાનું છે?” “જે ચોરી કરનાર છે તે જ.” “કોણ?” “ઈછલો પાટણવાડિયો.” “વારુ." મહારાજે ગમ ખાઈ લીધી, અને શાંતિથી પૂછ્યું: “એ માલની પોટલી ક્યા? “અમારી કને.” “ત્યારે એ અહીં લઈ આવ.” “કેમ?” “હજુ પૂછો છો? અલ્યા, ફિટકાર છે તમને! ફૂલો ચાય તેઓ ભરાડી ચોર હોય, છતાં તેને માથે આવું તરકટ કરવું છે? તમને શરમ નથી આવતી? લઈ આવો અહીં એ માલ.” ઝાલો, ઈછલો વગેરે મિયાંની મીની બની ગયા. માલ કબજે લઈને મહારાજ ફોજદાર પાસે ગયા. ઈભલાનું નામ આપ્યા સિવાય આખા તરકટની વાત કહી સંભળાવી. ફોજદાર કહે,"બળ્યું ત્યારે! એવી ઝડતી નથી કરવી.”


[૩]


કાપડની પોટલી હાથ કરી લઈ એક પાટણવાડિયાને ઘેરે મૂકી મહારાજે પાટણવાડિયાની પોતે જે પરિષદ રચી હતી તેની ‘કમિટી'ને બોલવી, અને કહ્યું:"કિનખલોડની આ ચોરી કરનાર આપણો ઈછલો છે.” બોલાવ્યો ઈછલાને. ઈછલો મહારાજના પગમાં હાથ નાખીને કહે કે, “મહારાજ! એ કાપડની ચોરી મેં કરી છે તે ખરું; પંણ એ કિનખલોડની નહિ.” “ત્યારે?” “અલારસા ગામની.” “જૂઠું; અલારસામાં કોઈ ચોરી થઈ જ નથી." આખા પરગણામાં પાટણવાડિયો ગુનો કરે તેના ખબર પોલીસને તો પહોંચતા પહોંચે, મહારાજને તરત પહોંચે. “થઈ છે, મહારાજ;" ઈછલાએ કહ્યું: “પણ જાહેર નથી થઈ;કારણ્કે એમાં જાહેર ન કર્યા જેવી બાબત હતી.” “સાચું કહેછ?” “ન માનતા હો તો જાવ; પૂછી આવો અલારસે.” કાપડની પોટલી લઈને મહારાજ રાતોરાત પહેલાં કિનખલોડ પહોંચ્યા. જેનું કાપડ ચોરાયું હતું તે પાટીદારને માલ બતાવીને પૂછ્યું:"આ તમારું કાપડ?” માલ જોઈને પાટીદારે કહ્યું:"મારા જેવું ખરું, પણ મારું તો નહિ જ, મહારાજ.” ત્યાંથી ઊપડીને આવ્યા અલારસે ગામે. મુખીને જઈ પૂછ્યું:"અહીં ચોરી થઈ છે ખરી?” “હા, એક ઘાંચીના ઘેરથી કાપડની પોટલી ગઈ છે. પણ બધું ચૂપચાપ રહ્યું છે; કારણકે ચોરમાં મોર પડ્યા છે!” “એટલે?” “એટલે કે ઘાંચીએ પોટલી રેલમાંથી ચોરાઈને આવેલી તે રાખેલી.” ઈછલો સત્ય બોલ્યો હતો, એ સાબિત થયું.પોટલી લઈને મહારાજ પાછા વળ્યા. ઈછલાને તેડાવ્યો.પૂછ્યું:"કહેઃ તેં શી રીતે અલારસામાંથી ચોરી કરી?” પોપટની જેમ ઈછલો અથ-ઈતિ પઢી ગયોઃ “જાણે કે અમે તો ગયેલા વાસણા. એક પાટીદારને ફળિયે લપાઈને બેઠા. ઘરની બાઈ રાતે પેશાબ કરવા ઊઠી, એની ડોકેથી સોનાનો દોરો કાઢી લઈને નાઠા.પણ હોહા થઈ પડી. અમારી પાછળ પોલીસ પડી. એક પોલીસને પછાડીને અમે નાઠા. પાછળ ચાર પોલીસ અમારા પગ દબાવતા દોડ્યા આવે.. અમે દોરો નાખી દઈને નાઠા. પોલીસ પાછી વળી ગઈ.પણ અમે વિચાર કર્યો કે નીકળ્યા જ છઈએ, તો પછી ખાલી હાથે ઘેર કેમ જવાય? અપશુકન થાય! અલારસામાં પેઠા. એક ઘાંચીનું ઘર આવ્યું. અંદર પેઠા. ત્યાં આ પોટલી એની ઘાણી પર તૈયાર જ પડેલી! લઈને નીકળી ગયા.” પેટછૂટી રજેરજ વાત કહી દેનાર ઈછલો વહાલો લાગ્યો. એ પોટલી મહારાજે ઈછલાને જ આપી દીધી.અને વળતે દિવસે પાટણવાડિયા આગેવાનોની વચ્ચે જઈ પોતે બેઠા ત્યારે સૌનો આગ્રહ એવો થયો કે, ‘આ ચોરીની વાત ગમે તે હોય; છતાં એ ફૂલા વાવેચાને દબાવવાની તો જરૂર જ છે.એનો ઉપાડો જબરો છે. એના ધંધા બંધ નહિ થાય ત્યાં સુધી પરગણામાં શામ્તિ નથી.'


[૪]


બોલાવ્યો ફૂલાને. પચાસ વરસની ઉંમરનો ફૂલો આગેવાનો સામે આવ્યો, અને મહારાજને પગે હાથ મૂકવા નજીક આવે તે પૂર્વ તો આગેવાનો જ બોલી ઊઠ્યાઃ “છેટો રહેજે મારા હાળા! અડકીશ ના મહારાજ પગેઃ છેટો રહેજે!” ન્યાતના ભાઈઓએ પણ એટલો અધમ ગણેલો ફૂલો આ શબ્દો સાંભળીને દૂર ઊભો રહ્યો. મહારાજે એનો કાળમીંઢ દેહ માપ્યો, એની મુખમુદ્રા ઉકેલી, એની તાકાતને તાગી. ફૂલો શાંતિથી ઊભો હતો. “ફૂલા વાવેચા!" મહારાજે એને કહેવા માંડ્યું: “કોઈ નહિને તમે ચોરી કરો, એ કંઈ ઠીક કહેવાય! “હું ક્યારે કરું છું?" ફૂલે ઠંડોગાર જવાબ વાળ્યો. “ક્યારે કરું છું કહો છો? પેલી..ગામની, પેલી..ના ઘરની, અને પેલી…" એમ મહારાજે તો નામો દઈ દઈ ને ફૂલાની ચોરીઓ ગણાવવા માંડી, એટલે વચ્ચે ફૂલો બોલી ઊઠ્યોઃ “પણ હેં મહારાજ, તમે મારે ઘેર કે'દાડે આવ્યા છો, ને ક્યારે મને ઉપદેશ દીધો છે? એક વાર મારે ઘેર આવો.પછી જે કહેવું હોય તે કહો.” ચોરની આ દલીલે મહારાજને ચૂપ બનાવ્યા; અને ભારે કૂતુહલ પેદા કર્યું. વળતે દિવસે મહારાજ ફૂલા વાવેચાને ખેતરે એનું ઘર હતા ત્યાં ગયા. એની બે બૈરીઓ હતી, તે આવીને છેડા પાથરી ઊભી રહી. એન પાંચ દીકરા હતા, તે એકપછી એક પગે લાગ્યા. એ પોતે આવીને ચૂપ બેઠો. પછી એણે કહ્યું: “મહારાજ! આ બે મોટા છોકરા તો સારા છે; એને કંઈ બોધ નહિ કરો તોય ચાલશે. આ નાના ને છે, તે પશુ છે ('પશુ છે' અર્થાત્ ચોરીની વિદ્યા ન જાણનારા ગમાર છે). પણ વચેટ દેહલો છે ને, તે મારી જોડે ફર્યો છે. એને જે કહેવું હોય તે કહો.” ફૂલાના શબ્દોએ મહારાજના મનમાં રમૂજ પેદા કરી. એમણે પછી નિરાંતે ફૂલાને કહ્યું: “હેં ફૂલા વાવેચા! મને તો આશ્ચર્ય થાય છે કે એવું તે તમે કયું પુણ્ય કર્યું હશે કે જેને પ્રતાપે તમારે બે બૈરીઓ, પાંચ દીકરા, આ દીકરાની વહુઓ, આ ખેતરાં, આ ભેંસો ને આ બધી સુખ સાહેબી છે!” “મેં તો, મહારાજ," ફૂલાએ જરાયે દોંગાઈ વગર, શુધ્ધ સાચે ભાવે, જવાબ દીધોઃ “કોઈ પરસ્ત્રી સામે એંઠી આંખે જોયું નથીઃ અને મેં તો જે આંગણે આવ્યું છે તેને રોટલો આલ્યો છે.” ઘડીભર તો મહારાજ સ્તબ્ધ બન્યા. પાપ-પુણ્યનું શાસ્ત્ર એમના અંતઃકરણમાં અટવાઈ રહ્યું. પછી એમણે કહ્યું: “ફોજદાર કહે છે કે તમે તો ફૂલા, આજ લગીમાં બે હજાર ચોરીઓ કરી છે. તે પાપ નહિ?” “હશે, મહારાજ!" ફૂલાએ બે હજારના આંકડાપર મર્મ કરતાં કહ્યું:"ફોજદારે ગણી હશે. મેં તો કંઈ સરવાળો સાચવ્યો નથી. પણ, મહારાજ, ચોરી કરવી એ કંઈ પાપ છે?” “પાપ નહિ?” “ના, મહારાજ; તમે જ વિચારી જુઓ! તમારેય બે આંખો છે; મારે પણ બે આંખો છે; છતાં તમારી પોતાની મૂકેલી જે ચીજ તમે પોતે ધોળે દા'ડે સૂરજના અજવાળામાં ન દેખો, તે અમે ભાળીએ, એ શું અમસ્થું હશે? એનું કંઈ રહસ્ય નહિ હોય?” “શું રહસ્ય?” “રહસ્ય એ કે, લક્ષ્મી અમને ધા-પોકાર કરે છે.” “હેં!" મહારાજ સતેજ બન્યા. કશીક તત્ત્વાલોચના ચાલુ થઈ લાગી. “હા, મહારાજ! પારકા ઘરમાં પરાણે એકઠી થયેલી અને બંધાઈ ગયેલી લક્ષ્મી અમને પોકારે છેઃ એને પહોળી થવું છે. જ્યારે એ ધા-પોકાર કરે છે, ત્યારે અમને એ આપો આપ આઘેથી પણ સંભળાય છે; અને ત્યારે અમારું મન અંદરથી અવાજ દે છે કે, ‘ફૂલિયા! ઊઠ,હીંડ.' અમે જઈ ને લક્ષ્મીને છોડીએ છીએ; અને એ રૂંધાઈ ગયેલીને અમે પહોળી કરી નાખીએ છીએ. એમાંથી મુખીને કંઈક જાય,કંઈક ફોજદારને, કંઈક મોટા ફોજદારને; અમને તો બાપજી, માત્ર કાંટા-ભંગામણ રહે છેઃ ચોરી કરવા જતાં પગ નીચે જે કાંટા ભંગાયા હોત તેટલા પૂરતું મહેનતાણું જ અમારે ભાગે રહે છે.” મહારાજ સડક બન્યા અને ગંભીર ભાવે ફૂલાની સામે તાકી રહ્યા. ફૂલાએ આગળ કહેવું ચાલુ રાખ્યું: “સાંભળો, મહારાજ! એક દા'ડો રાતે હું પાર ચોરી કરવા ગયો. ('પાર' એટલે નદીના સામા કિનારા પરને કોઈ ગામડે.) એક ઘરમાં પેસી મજૂહ તોડી ઘરેણાંની મેં પોટલી બાંધી, ત્યાં તો બાઈ જાગી પડી.એના મોંમાંથી ચીસ ઊઠી. મેં કેડ્યેથી છરો કાઢીને એને બતાવ્યો, એટલે એની ચીસ અરધેથી રૂંધાઈ ગઈ. ઊભી ઊભી એ ચૂપ થઈ ગઈ. મને એ વખતે કોણ જાણે શું થયું, પણ મહારાજ, મેં તો બાંધેલી પોટલી છોડી નાખીને એમાંથી એક પછી એક ઘરેણું લઈ લઈને બાઈની છાતી માથે ફેંકવા માડ્યું. આલ્ખી પોટલી ખલાસ કરીને હું બહાર નીકળી ગયો, ને મેં મારી જાતને કહ્યું કે, ‘ફૂલિયા! મારા હાહરા! એ લક્ષ્મી તે એની જ હશે. એણે પોકાર કર્યો જ નહિ હોય. તેં ખોટું સાંભળ્યું! તું ઘર ભૂલ્યો, ફૂલીયા! મારા હાહરા!' આમ મહારાજ, અમારા તો પગ જ કહી આપે. હકની લક્ષ્મી હોય એને ત્યાં તો અમારા પગ ન જાય.અમને તો ઈશ્વરે મેલ કાઢવા જ સરજ્યા છે. જેમ સુતારને, લુહારને અને ભંગીને સરજ્યા છે, એમ અમને સરજ્યા છે. તેમ છતાં, તમે કહેતા હો તો, હું ચોરી છોડી દઉં.” ફૂલાનું બોલવું પૂરું થયું ત્યારે, મહારાજ કહે છે કે, મને યજુર્વેદનો આ શ્લોક યાદ આવ્યો”

स्तेनेभ्यो नमः। तस्क रेभ्यो नमां।
तस्क राणं पतये नमः।

ચોરોને ને નમન હો! તસ્કરોને નમન હો! નમન હો તસ્કરોના સ્વા મી ને!