માણસાઈના દીવા/‘રોટલો તૈયાર રાખજે!’
બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે ‘પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો. તે ‘હૈડીઆ વેરો' નામે જાણેતો છે. આ અન્યાયી વેરા સામે ‘ના–કર'ની લડત ઊપડી. મહીંકાંઠો મહારાજ સંભાળતા હતા; રતીભાર પણ ઘરવકરી અગર એક પણ ઢોર જપ્તીમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતા. એક દિવસ કાળુ ગામમાં એક ગરાસિયા ભાઈ મળ્યા. તેના કાનમાં એક સોનાની વાળી હતી. આ વાળી મહારાજે દેખી, અને બારૈયાને ટપાર્યો : “કાં, હેમતા ઠાકોર! આ વાળી કાનમાં રાખીને કેમ ફરો છે? જપ્તીવાળા જોશે તો ઊંચકાવી લેશે.” “મૂઉં, મહારાજ!" હેમતાભાઈ ગરાસિયાએ મોં મલકાવીને લજ્જતથી જવાબ વાળ્યો : “ક્યાં પરસેવો ઉતાર્યો હતો!” “કેમ? ત્યારે વાળી ક્યાંથી આવી પડી? આકાશમાંથી વરસી!” જવાબમાં ગરાસિયાની જીભ પાણીના રેલા પેઠે ચાલી. ધારિયાનો ટેકો લઈને અને માથા પરનું બોથાલું ફાળિયું જરાક ઠીક કરતે કરતે એણે વાત ચલાવી : એ તો એમ બનેલું, મહારાજ, કે એક દહાડો રાતે હું… ને ઘેર જઈ ચડ્યો. [એણે એક નામચીન મોટા માણસનું ને કાંઠાના એક ગામનું નામ લીધું.] ત્યાં એ નવી મેડીઓ ચણાવતા હતા. ચણતરકામ બંધ પડેલું જોઈને મેં પૂછ્યું : “કેમ બંગલો અધૂરો છે, …સાહેબ?” એ કહે કે, : હેમતા, તમે ઠીક ટાણાસર આવ્યા. બંગલો અધૂરો છે એ પૂરો કરવાનો છે; પણ નાણાં નથી. કહો હમણાં ક્યાંય ગયા છો કે નહિ?” મેં કહ્યું કે , “ના સાહેબ! હમણાં તો હું એ કામે નથી જતો.” એટલે અવાજને લગાર તપાવીને એ કહે કે, “જવું પડશે. મારું મકાન અધુરું છે—જોતો નથી?” હું વિચારમાં પડી ગયો. એટલામાં તો અમે બેઠા હતા ત્યાં અંદરનું બારણું ઊઘડ્યું. અને એમાંથી એક ઘૈડિયો જણ નેંકર્યો. મેં એને ઓળખ્યો : એ નજીકના ગામનો બામણો હતો. બહાર આવીને મને કહે છે કે, “ક્ષત્રિ છો ને?" મેં કહ્યું કે, “છીએ સ્તો!" કહેતે કહેતે, મહારાજ, મને પણ શરીરમાં કોંટો આવી ગયો! બામણ કહે કે, “ક્ષત્રિ હો તો પછી આવા મોળા જવાબ કેમ દો છો? હીંડો.” મેં કહ્યું કે, “હોવે, હીંડો." મને તો રાતે ત્યાં જમાડ્યો. તે પછી અંધારું ઘાટું થયું ત્યાર વેળાએ એ બંગલાવાળા …સાહેબ અને એ બુઢ્ઢો બામણ મને મહી પર લઈ ગયા. એક હોડી ત્યાં ઊભી હતી, એમાં અમે ત્રણ બેઠા, પાર પહોંચીને… સાહેબે મને તથા બામણને ઉતાર્યા. બામણ મને ગામમાં લઈ ગયો. એક લુવાણાનું ઘર આવ્યું. ઘર બંધ હતું, ને ચોમેર અંધારું હતું. ઘરની બહાર એક પથારી પાથરેલ ખાટલો ઢાળ્યો હતો; પણ પથારીમાં કોઈ સૂતું નહોતું : લુહાણો માઠી ચલગતનો હતો, એટલે કંઈ બહાર ગયેલો. બામણે મને છેટેથી ખાટલો બતાવી કહ્યું : જાઓ ઠાકોર. એને ઓસીકે ચાવી છે તે લઈને ઘર ઊઘાડજો. ઘરની અંદર બારણાની ડાબી ગમ એક તાકું છે, તે ખોલજો; ને અંદર જે કંઈ હોય તે લઈ લેજો. એ તાકાની ઉપર એક મજૂસ છે; તેમાંથી પણ જે મળે તે લઈ લેજો. બીજે કશે ફાંફાં ન મારતા. જાવ.” મને તો, મહારાજ, આ બધું બામણના કહ્યા પ્રમાણે કરી લેતાં હોકો પીએ એટલી જ વાર લાગી. તાકામાંથી ને મજૂસમાંથી જે મળી તે ચીજોની પોટલી બાંધીને હું તો બહાર નીકળીને નદી-કાંઠે આવતો રહ્યો. દીવાસળી કરી. એ નિશાની જોઈને હોડી દૂર ઊભેલી તે કાંઠા તરફ આવી; અને હજુ તો હોડી થોડે છેટે હતી ત્યાં હોડી પરથી અવાજ આવ્યો : “કાં! સિંહ કે શિયાળ! “એ અવાજ …સાહેબનો હતો. મેં જવાબ વાળ્યો કે, “સિંહ!” એટલે સામેથી …સાહેબે ખુશ થઈ કહ્યું કે, “વારુ! અલ્યા માછી! ચાલ. કાંઠેથી હેમતાભાઈને તેડી, ઊંચકીને હોડી પર લઈ આવીએ.” મને તો માછી એ આવીને ઉંચકી લીધો. હોડી પાછી હંકારી. હોડીમાં …સાહેબે મારે માટે દારૂ ને ભૂસું તૈયાર રાખ્યાં હતાં, મને આગ્રહ કરી કરીને પુષ્કળ દારૂ પોતાને હાથે પાયો. ને ભૂસું ખવરાવ્યું. મારી પાસે જે પોટકી હતી તેમાંનું બધું જ પોતે લઈ લીધું; અને મારી મેનત્ય બદલ ફક્ત એક હોકાને મઢાય તેટલું રૂપું આપ્યું. પણ હું તો પક્કો ખરો કની, મહારાજ , તે આ વાળી, મેં છાનીમાની કેડ્યે ચડાવી લીધી! એ છે આ વાળી. હવે એ સરકારવાળા લઈ જાય તો મૂઉં!—ક્યાં પરસેવો ઉતાર્યો હતો! એટલું બોલીને જુવાન હેમતો બારૈયો ધારિયું પાછું ખભે નાખીને મોં મલકાવતો ચાલ્યો ગયો.