મારી લોકયાત્રા/૧૧. અરેલા ગાયક જીવાકાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૧.

અરેલા ગાયક જીવાકાકા

ખભે ટેપરેકર્ડર મૂકેલો થેલો જોઈ મારા હિતચિંતક સહકાર્યકર એક શિક્ષકે કહ્યું, “સંશોધન અર્થે ખેડબ્રહ્મા તાલુકામાં બધે જજો પણ બહેડિયા ગામે ક્યારેયે જશો નહીં. ટેપરેકર્ડર તો ઠીક પણ આ તમારાં પહેરેલાં બે કપડાં શરીર પર નહીં રહે. ખોખરા થશો એ નફામાં. બહેડિયા કાળા ચોરોનું ગામ; માણસ ધોળે દિવસે પણ લૂંટાય!” હું એમનાં વિધાનો ૫૨ વિચારવા લાગ્યો, “આપણા દેશભાંડુ માટે જાત- અનુભવ વિના કેવી-કેવી વૈવિધ્યસભર કાલ્પનિક કથાઓ માનસમાં પાળી પોષીને મોટી કરી છે!” એમની આ સલાહ પહેલાં બહેડિયા ગામના મારા એક વિદ્યાર્થી, ૨મેશ અરઝણ ગમારના ઘેર જઈ, પીઠીનાં ગીતો ધ્વનિમુદ્રિત કરેલાં અને તેના ઘેર એની આઈએ નેહ નીતરતા હાથે બનાવેલ મકાઈનો રોટલો અને લસણની ચટણી ખાધેલાં. પીઠીનાં ગીતો રાતે જ ગવાય અને તે સમયે વર કે કન્યા પંદર દિવસ પીઠીએ બેસતાં. આથી ૧૫ દિવસ રાતે બહેડિયા ગામની પદયાત્રા કરી પીઠીનાં ગીતો પ્રાપ્ત કરેલાં. આ ઉપરાંત નેતા ગમારના ઘેર સર્પદંશથી મૃત્યુ પામેલી સ્ત્રીના થયેલા પિયરવાળાના ચરેતરાના ન્યાયનો સાક્ષી બનેલો. આ સમયે અને લગ્ન પ્રસંગે અરેલા-ગાયક જીવાભાઈ ઝાલાભાઈ ગમારની ભાળ રમેશના કાકાના દીકરા નેતા ગમાર અને ગુજરા ગમારે આપેલી. બંને ભાઈ ભારે પરગજુ. અરેલા (મૌખિક મહાકાવ્ય) આસો માસમાં ગવાય પણ ભાદરવો બેસતાં પહેલાં જીવાકાકાને મળવાની અભિલાષા જાગેલી. આથી શનિવારની સવારની હાઈસ્કૂલ છૂટ્યા પછી બહેડિયા જવા ખભે થેલો ભેરવેલો. ‘ડેગરુ'ના ટેકરે બસમાંથી ઊતરી બે કિલોમીટર ચાલી બહેડિયા ગામે રમેશના ખોલરે પાણી પીવા ગયો. રમેશના ખોલરાથી ઉત્તરે આવેલા નેતા ગમારના ખોલરે વાજાં વાગી રહ્યાં હતાં. મેં રમેશને પ્રશ્ન કર્યો, “નેતાના ઘેર શાનો ઉત્સવ છે?” રમેશે પ્રત્યુત્તર પાઠવ્યો, “નેતાનો બા(બાપ) ૫૨ણે’ મને નવાઈ લાગી, “નેતાના બાપની ઉંમર ૭૦ વર્ષ. પુત્ર-પુત્રીઓ અને પૌત્ર-પૌત્રીઓનો પાર નથી! હવે ઢળી ચૂકેલી ઉંમરે ડોસાને પરણવાના શાના કોડ?’ આશ્ચર્ય રોકી શક્યો નહીં. પાણી પીને રમેશને સાથે લીધો, અમે નેતાના ઘેર પહોંચ્યા. નેતાના બાપ દેવાએ નવાં કપડાં પહેર્યાં હતાં. કુટુંબની સ્ત્રીઓ ૭૦ વર્ષનાં સાસુ-સસરાને વધાવતી હતી. ખોલરું આનંદથી થિરકતું, હિલ્લોળા લેતું હતું. મેં ગુજરાને પ્રશ્ન કર્યો, “૭૦ વરહે થાર (તારા) બાન (બાપને) પણ્ણવાનું (પરણવાનું કારણ?” બોલ્યો, “ગેઈ સાલ માર (મારી) આઈ (ભા) મરતોક પૉમી. બા એખલો (એકલો) પરી ગો (ગયો). એખલાની ઝંગ્ગી (જિંદગી) હેંણ (શાને) ઝાય? એતણ (એટલે) નવી આઈ લેઈ આવા.” “ભોટાન (ડોસાને) કેંર (ઘેર) સૈયાંન પૉણ સૈયાં હેં. પેસ પછી) ભોટાન પણ્ણતાં હરમ (શરમ) નેં આવે?” “ઈમાં (એમાં) હેંણી હ૨મ? અમાર તો ઝુવાંની (યુવાન) સૈયા-સોરી પાગી ઝૉય (ભાગી જાય). પેસ કળબાવાળા (કુટુંબવાળા) પકરી લાવેં. કન્યાના બાન દાપું (કન્યા-શુલ્ક) આલે (આપે) એતણ (એટલે) લગન થઉં ગણાય. ૭૦ વરહે ભોટા-ભોટીન (ડોસા-ડોસીને) ઉમા ઝાગે (અભિલાષા જાગે) કે અમે નાતના રિવાઝ ઓઝ (જેમ) લગન નહીં કરું તો ભોટી (ડોસી) એંણા બાના કેંર (ઘેર) ઝાઈન પીઠીએ બેહે. પિયરવાળાં પીઠીનાં ગીતો ગાંય નં ભોટીન માંસે (ખાટલે) બેહારી મોરિયું નસાવે (ખાસ પ્રકારનું ભીલી નૃત્ય). પીઠી બેઠેલો ભોટો પરતી પૂનમે પણ્ણવા ઝાય. ઝૉનમા (જાનમાં) ભોટાનાં સૈયાંનાંયે સૈયાં ગાય નં ઢોલે નાસે. આઈ-બાન (મા-બાપને) પણ્ણાવે નં ગાઝે-વાઝે બધાં કેંર આવે” નેતાએ મને એમના સમાજના એક રિવાજની માહિતી આપી. હું વિચારવા લાગ્યો કે ૭૦ વર્ષે મા-બાપ પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં પરણે તોપણ કોઈ પ્રકારનો સામાજિક છોછ નહીં. નિર્ભેળ આનંદ વહેંચાતો હોય. મને આવા ઉદાર લોકના વિશાળ હૃદયનો અનુભવ પહેલી વાર થયો હતો. મારે અરેલા-ગાયક જીવાભાઈ ગમારને મળવાનું હતું. આથી મારા માટે આ વિશિષ્ટ લગ્નોત્સવ પૂરેપૂરો માણી શકાયો નહીં. અમે એમનાથી અલગ પડ્યા. મણા ગમારના ઘર પાસેનાં ખજૂરીનાં ઝુંડ પસાર કરી અમે પુરાણા પીપળાની છાયામાં વિશ્રામ કરવા બેઠા. ઉ૫૨ મધમાખીઓએ પૂડા બાંધ્યા હતા. આ સમયે મને ખબર નહોતી કે આ છાયા દીર્ઘકાળ સુધી મારું આશ્રયસ્થાન રહેશે અને ઋષિ સમા અશ્વત્થના સાંનિધ્યમાં ગુજરાતના એક સત્ત્વશીલ લોકમહાકાવ્ય ‘ગુજરાંનો અરેલો'ના પ્રથમ પાઠનું જીવાકાકાના મધઝરતા કંઠમાંથી અંકન કરીશ તથા આ કંઠવેદ સમું લોકમહાકાવ્ય યુનિવર્સિટીના અભ્યાસનો વિષય બનશે. પશ્ચિમ તરફ આંગળી ચીંધતાં રમેશ બોલ્યો, “ઓથું (ત્યાં) કાળી સીપાં (શીલાઓ) કને કાકા ઝીવાનું ખોલરું દેખાય.” ‘સંધેરા’ અને બોરડીનાં વૃક્ષોથી આચ્છાદિત જીવાકાકાનું ખોલરું દૃષ્ટિપથમાં આવ્યું. આંગણામાં ધોળી ધ્વજા ફરકતી હતી. રમેશને આંગણે ધોળી ધ્વજા ફરકાવવાનું કારણ પૂછ્યું. “તૉળી તઝા (ધ્વજા) તુંબરાઝ બાવસીની હેં. તુંબરાઝ પારગીઓનો મોટો દેવ હેં. કાકા ઝીવાન એક બાયલી (પત્ની) પારગણ (પારગી ગોત્રની) અતી. એતણ હાહરીમા પૉણ તુંબરાઝ બાવસીની તઝા સરાવવી પરેં નં દિવાળીએ બકરાનો પોગ (ભોગ) ધરાવવો પરેં. બાયલીના પિયરના દેવ પૉણ હાહરીવાળાંન મોનવાં પરેં. નકર કળબા(કુટુંબ)નું ૨ડણપડણ( રમણભ્રમણ) કરેં.” રમેશનાં વિધાનોમાં સ્ત્રીના સાસરીમાં સન્માન સાથે પિયરના દેવના ગૌરવનો ભાવ સૂચવાતો હતો. રમેશનાં વિધાનોને ધ્યાનમાં લેતાં મને બીજો પ્રશ્ન સૂઝ્યો, “એક બાયલી પારગણ તો બીઝી કિયા ગોતરની હેં? કાકા ઝીવાન બે બાયલીઓ હેં?” રમેશ હસી પડ્યો, “બે નહીં પૉણ એંણાન તો બાર બાયલીઓ અતી!” મને રમેશની વાત સમજાઈ નહીં. મને લાગ્યું કે મારી વારંવારની પ્રશ્નોત્તરીથી કંટાળ્યો છે આથી વ્યંગ્યમાં આવો ઉડાઉ જવાબ આપે છે. પણ એની વાધારા આગળ વહેલા લાગી, “નેં મૉનાં તો બાયલીઓનાં નૉમ બોલું.” મારી જિજ્ઞાસા સંતોષવા જીવાકાકાની સ્ત્રીઓનાં નામ બોલવા લાગ્યો, “હૉંપળાં સાએબ નૉમ..... વઝકી, નાઝુરી, વારકી, વાદળી, કાળી, હુઝકી, બીલકા, ઝૉનકી, હોમલી, રૂપલી, લખુમ્બરી નં ધૂળકી.” એકી શ્વાસે બાર બાયડીઓનાં નામ બોલી પોતાના વિધાનની સત્યતા પુરવાર કરી, જીવાકાકાના જીવનમાં બાર બાયડીઓ આવવાનાં કારણો કહ્યાં. યુવાનીમાં જીવાકાકા બળદના વેપારી હતા. બળદ ખરીદવા એક ગામમાં લાંબો સમય રોકાવું પડતું. જીભના મધ જેવા મીઠા અને અરેલા ગાવાના માહે૨ જીવાકાકા, ‘ગુજરાંનો અરેલો’ના નાયક ભોજા અને નાયિકા ઝેળુની જેમ પ્રેમ થતાં જ નવી બાયડી લઈ આવતા. ભ્રમણશીલ જીવ. ઘેર લાંબો સમય પગ ટકે નહીં. જેથી જીવનમાં આવી એવી જ સ્ત્રીઓ ચાલી ગઈ. અત્યારે જીવનમાં શેષ બે જ સ્ત્રીઓ છે, હુઝકી અને વઝકી. અમે દુકાળિયા વહેળે આવ્યા. રમેશને દુકાળિયા વહેળાના નામક૨ણ અંગે પૃચ્છા કરી. રમેશે પરંપરામાંથી પ્રાપ્ત જ્ઞાનના આધારે કહ્યું, “કાળ-દુકાળે પણ આનું પાણી સુકાયું નહોતું આથી આ વહેળાનું નામ દુકાળિયો પડ્યું છે.” આ સમયે હું નહોતો જાણતો કે જેને મળવા અમે જઈ રહ્યા છીએ એના ચિત્તમાં સદાનીરા વાણીનું માનસરોવર હિલ્લોળા લઈ રહ્યું છે. ઋતુચક્રના માસના વાતાવરણ પ્રમાણે જુદા-જુદા વિષયના તરંગો ઊઠે છે. કંઠમાં સંગીતમય વાણીનું રૂપ લઈ વહેવા લાગે છે અને પૂરા સમાજને ભીંજવે છે. ૨મેશે માથે ચડાવી જળ પીધું પછી વહેળામાં પગ બોળ્યા. રમેશને જળ માથે ચડાવવાનું કારણ પૂછ્યું. “ઝળમા લાખો ઝીવ હૂતા વૉય. પેંલા પૉગ (પગ) બોળીએ તો દુ:ખી થાતા ઝાગે. અમાર સાધુ તો ઝળ ઝગવવાનો ઝળના ઝીવોની માફી માંગતો મંતર (મંત્ર) બોલે પેસ (પછી) ઝળ ઝગવે. વૈંતું (વહેતું) ઝળ તો ગંગાનું નીર હેં. પીએં એતણ (એટલે) સંતોખ (સંતોષ) થાય.” વહેળો ચડતાં થોડેક દૂર ખોલરું (ઘર) હતું. આંગણામાં બોરડીના ઝાડ નીચે ખાટલો ઢળી ઉઘાડા ડિલે, કેડે રૂમાલ વીંટી જીવાકાકા બેઠા હતા અને ખોળામાં નવજાત બકરીનું લવારું રમાડી રહ્યા હતા. ખાટલાના પાયા પાસે એમની ઉંમ૨ની એક સ્ત્રી બેઠી હતી અને એમની સાથે વાતે વળગી હતી.. દૂરથી રમેશ પરિચય કરાવવા લાગ્યો, “કને બેઠી એ કાકી નાઝુરી હેં. પૉસ વરહ પેલાં કાકા ઝીવાએ સૂટા સેરા આલા છેં.” આજે મારા માટે આશ્ચર્યની પરંપરા સર્જાતી હતી. હું મારા સમાજના માપદંડથી ભીલસમાજને માપતો હતો, “સૂટા સેરા આલા પેસ (પછી) ઝૂના તણી (ધણી)ના કેં૨ (ઘેર) આવી હકાય?” રમેશ બોલ્યો, “કિમ નેં આવી હકાય? કાકી નાઝુરી, તેણ સૈયાં-કૉનઝી, કેવળી નં મીનાન નૉનકાં (નાનાં) મૂકીન ગેઈ હેં. આઈન (માતાને) સૈયાંન (સંતાનોની) સેત (યાદ) આવે એતણ મિળવા (મળવા) આવેં. સૈયાં દ:ખી (દુઃખી) થાય તો ઝૂના તણી ૫૨ પૉણ વિઝકેં (ગુસ્સે થાય). સૈયાંન હાઉ (સારું) લાગે એતણ બે-તેંણ રાત રોકાય પૉણ ખરી.” મેં પૂછ્યું, “નવો તણી (પતિ) વિરોધ (વિરોદ) નેં કરેં?” “ઈમાં હેંણો વિરોદ? સૈયાં નૉનકાં તાવણાં (ધાવણાં) વૉય નં સૂટાસેરા થાય તો નવા તણીના કેંર (ઘે૨) પૉણ લઈ ઝાય. મોટાં કરીન પાસાં ઝૂના તણીન હૂંપેય (સોંપેયે) ખરી!” વાતો કરતા અમે તેમની નજીક પહોંચ્યા ત્યારે મોટો દીકરો રાયચંદ છૂટાછેડા આપેલી પોતાની ઓરમાન માને જમવા બોલવી રહ્યો હતો. બે અક્ષર ભણેલો હું વિચારી રહ્યો, “અમે શાના સભ્ય? અમારાં મન-હૃદય કેટ-કેટલાં સાંકડાં! કેટકેટલી ભિન્ન-ભિન્ન પ્રકારની સામાજિક ગ્રંથિઓ! સ્ત્રી તરફ અમારી ઉદારતા શી? અમારા સમાજમાં સ્ત્રીને વળી સ્વતંત્રતા શાની? મનોમન હું આ મહામના લોકોને નમી પડ્યો. નાનાં લાગતાં આ ખોલરાં(ઘ૨)માં મને મહાન સભ્યતાનાં દર્શન થયાં. જીવાભાઈ અમને આવકારવા ઊભા થયા. પાસેના નાળેરા પહાડ સરીખા અડીખમ, વત્સલ પિતા સમા લાગ્યા. રમેશે મારો પરિચય કરાવી આવવાનું પ્રયોજન કહ્યું. પાસે ઊભેલાં જીવાભાઈનાં બીજાં પત્ની વઝકીકાકી બોલ્યાં, “અરેલાની તો ઑણાના હરદામા (હૃદયમાં) ખૉણ (ખાણ) હેં. ઑણાના કઠન (કંઠને) મોઈન (મોહીને) તો હાહરે આવી અતી.” જીવાભાઈ ઘ૨માં જઈને ખમીસ ને ધોતિયું પહેરી આવ્યા. ઘર પાછળ આવેલા તેમની ગોત્રદેવી “ધપસામાતા'ના સ્થાનક તરફ અમને દોરવા લાગ્યા. મેં રસ્તામાં પૂછ્યું, “તમે ખણીસ નં તોતિયું (ધોતિયું) નેં પેરું (પહેર્યું) વૉત તો નેં સાલત?” જીવાભાઈ ભાર દઈને બોલ્યા, “નેં સાલે પાઈ, દેવી અગળ (આગળ) નાગા નેં ઝવાય.” કાળી શિલાની ઓથે આવેલી બોરડી નીચે એક નિરાકાર ઊભો શ્યામ પથ્થર હતો. તેને સિંદૂર અને તેલ ચડાવેલું હતું. મૂર્તિની ત્રણ બાજુ શ્રદ્ધાથી ચડાવેલા ઘોડા ગોઠવેલા હતા. આ ધપસાદેવીનું થાનક હતું. જીવાભાઈના પૂર્વજોએ આ ગોત્રદેવીની સ્થાપના કરી હતી. ધપસામાતાના ભરોસે એમના કુટુંબનો કારોબાર ચાલતો હતો. જીવાકાકાએ ધપસામાતાની ઓરાઝ (આરાધના) કરી. પછી કહેવા લાગ્યા, “આહો મઈનો (આસો માસ) આવી રો હેં. મારા હરદામા (હૃદયમાં) તો અણપણા (લખ્યા વિનાના-મૌખિક) મૂળો સૉપરા (ઘણા ગ્રંથ) હેં, હરદો અરેલા ગાવા કલાંવલાં (આતુર) કરે. થું મારા અરેલા ખેંસેટ (કેસેટ)મા પૂરેં તો માર દિવાળીનું પરબ સુતરી ઝાય (સુધરી જાય). ધપસાદેવીનું થાનક હતું. આસો માસ બેસવાની તૈયારી કરતો હતો અને જીવાકાકાના હોઠ નવલાખ દેવીઓનો રેલો ગાવા વલવલતા હતાઃ સૂંડ (ચામુંડા) નં સરાવરી (સરસ્વતી) વાત સોળે હેં... બાઈઓ... હોનાના પા૨ણે રમણા એ...ન લાગી હેં... ઘણી શોધને અંતે મને મારો યોગ્ય અરેલા-ગાયક મળ્યો હતો.

***