મોહન પરમારની વાર્તાઓ/મોહન પરમારની વાર્તાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોહન પરમારની વાર્તાઓ

૧૯૮૦ પછી ગુજરાતી વાર્તામાં અનુઆધુનિક વાર્તાના નામે જે પરિવર્તનો આવ્યા તેમાં શ્રી મોહન પરમારની ભૂમિકા અતિ મહત્ત્વની છે. હું એમના સાતેસાત વાર્તાસંગ્રહમાંથી પસાર થયો છું. પીએચ.ડી. કરતી વખતે જેટલા સંગ્રહો પ્રગટ થયેલા તેનો મેં સમજપૂર્વક અભ્યાસ કરેલો. શ્રી માય ડિયર જયુએ ૨૦૦૫માં ‘મોહન પરમારની વાર્તાસૃષ્ટિ’નાં સંપાદકીય લેખમાં એવું નોંધેલું કે ઉપર્યુક્ત સાતે સંગ્રહોમાંની સીત્તેરેક વાર્તાઓમાંથી કેટલીક નીવડેલી વાર્તાઓને નજર સામે રાખીને મોહન પરમારની વાર્તાકળાના વિશેષો તારવવાનો અહીં ઉપક્રમ છે. એમ કહીએ છીએ ત્યારે એમ નોંધવું જોઈએ કે આ સમયગાળામાં વધુમાં વધુ પ્રભાવક વાર્તાઓ મોહન પરમાર પાસેથી જ મળી છે. ચાર વાર્તાસંગ્રહો એટલે ‘કોલાહલ’, ‘નકલંક’, ‘કુંભી’ અને ‘પોઠ’. આ ચાર સંગ્રહોમાં એટલી બધી ઉત્તમ વાર્તાઓ નીવડી આવી છે કે માય ડિયર જયુના સંપાદન પછી બીજા જ વર્ષે રાધેશ્યામ શર્માએ ‘મોહન પરમારની પ્રતિનિધિ વાર્તાઓ’નું સંપાદન કરેલું. તેમાં ઈલા નાયકનો લેખ ‘મોહન પરમાર : એક બલિષ્ઠ વાર્તાકાર’ મોહન પરમારની યશકલગીમાં મોટું ઉમેરણ ગણી શકાય. આ લેખમાં એમણે નોંધ્યું છે કે તેમના ચાર વાર્તાસંગ્રહોનોે અભ્યાસ કરતાં જણાય છે કે તેમણે સંખ્યાબંધ ઉત્તમ વાર્તાઓ આપી છે. ‘નકલંક’, ‘આંધુ’, ‘રેચબો’, ‘ચૂવો’, ‘કોહ’, ‘જળાશય’, ‘આડમ્બર’, ‘વાડો’, ‘હિરવણું’, ‘વાયક’, ‘ધૂરી’, ‘તેતર’, ‘છીંડું’, ‘થળી’, ‘વેઠિયા’, ‘કુંભી’, ‘મંડપ’, ‘કળણ’, ‘તટવર્તી’, ‘પટરાણી’, ‘ભાગોળ’, ‘વાવ’, ‘ખળી’, ‘રઢ’, ‘લાગ’, ‘પોઠ’ ચિરંજીવ બની રહે તેવી વાર્તાઓ છે. આ તો ચાર સંગ્રહની છવ્વીસ વાર્તાઓનો ઉલ્લેખ થયો તે પછી ૨૦૦૮માં પ્રગટ થયેલા ‘અંચળો’ સંગ્રહમાંથી ‘અંચળો’, ‘સમથળ’, ‘ભ્રમણા’, ‘હેડકી’, ‘પડળ’, ‘ઉચાટ’, ‘ઘોડાર’, ‘ટોડલો’, ‘વરસાદ’, ‘કાયાપલટ’, ‘નાથટેકરી’ જેવી અગિયાર ઉત્તમ વાર્તાઓ મળે છે. તો છઠ્ઠા વાર્તાસંગ્રહ ‘હણહણાટી’માંથી ‘દેરી’, ‘જાળું’, ‘સોનકીડી’, ‘નજર’, ‘ઇચ્છનિદ્રા’, ‘શ્યામજી-ઘનશ્યામજી’, ‘હણહણાટી’ જેવી સાતેક ઉત્તમ વાર્તાઓ ઉપલબ્ધ થઈ છે. ૨૦૨૧માં પ્રગટ થયેલા ‘અચરજ’ સંગ્રહમાંથી ‘ખાડ’, ‘ગમાણ’, ‘જગતિયું’, ‘અચરજ’, ‘ખળું’, ‘ધૂળ’, ‘જન્માન્તર’ અને ‘અડચણ’ જેવી આઠેક ઉત્તમ વાર્તાઓ મળે છે. આમ સાતેય સંગ્રહની વાર્તાઓનો ઉત્તમ વાર્તાઆંક બાવન જેટલો થવા જાય છે. એકસો સત્તર વાર્તાઓમાંથી બાવન જેટલી વાર્તાઓ ઉત્તમ નીવડી આવે ત્યારે આવા વાર્તાકારને અનુઆધુનિક સ્થિત્યંતરના અત્યંત મહત્ત્વના વાર્તાકાર કહેવામાં મને જરાય સંકોચ નથી. ભરત મહેતા જેવા વિવેચક મોહન પરમારને ‘કેવળ મહત્ત્વના ગુજરાતી વાર્તાકાર જ નહિ, પણ ઉચ્ચ કોટિના ભારતીય વાર્તાકાર છે’ એમ કહીને પ્રમાણે છે, તે ઉચિત છે. એટલે જ કિરીટ દૂધાત કહે છે : ‘સફળ ટૂંકી વાર્તાના જે લક્ષણો વિદ્વાનોએ મોહન પરમારની વાર્તાઓને ઉલટભેર પોંખી છે.’ મારા પીએચ.ડી.ના શોધકાર્ય દરમિયાન મોહન પરમારની વાર્તાઓનો અભ્યાસ કરવાનું બન્યું ત્યારે એમની ચોવીસ ઉત્તમ દલિત વાર્તાઓનો મેં ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એમની વિશેષતાઓ તારવેલી. આ સમય દરમિયાન અને તે પછી પણ એમની વાર્તાઓમાંથી પસાર થવાનું બન્યું. તો મને એક વાતની પ્રતીતિ એ થઈ છે કે મોહન પરમારની વાર્તાઓના સંપાદકોએ એમની દસબાર જાણીતી વાર્તાઓ સિવાય બીજે દૃષ્ટિ ફેરવી જ નથી. આ પરંપરા તોડવા માટે મારી દૃષ્ટિએ અન્ય ઉત્તમ લાગેલી વાર્તાઓનો આ સંપાદનમાં સમાવેશ કર્યો છે. ઓછી જાણીતી ઉત્તમ વાર્તાઓની સાથે ‘આંધુ’, ‘હેડકી’, ‘તેતર’, ‘ઘોડાર’ જેવી ઉત્તમ વાર્તાઓ લઈને સંપાદનનું બેલેન્સ જાળવ્યું છે. આ સંપાદનમાં પસંદ કરેલી દસ વાર્તાઓ રચનારીતિની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ, પણ વિષયવૈવિધ્ય, પરિવેશની વિશિષ્ટતા, અર્થનિષ્પત્તિ, ભાષાપ્રભુત્વ અને આગવી કોઠાસૂઝને કારણે આકર્ષણનું કેન્દ્ર બને તેવી વાર્તાઓ છે. સાતેય વાર્તાસંગ્રહનું પ્રતિનિધિત્વ જળવાય તે રીતે આ વાર્તાઓ મેં પસંદ કરી છે. ‘કોલાહલ’ વાર્તામાં સ્વપ્નિલ પરિવેશ દ્વારા નાયકની સાંપ્રત સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કૃતિનું નિર્વહણ એટલું ચુસ્ત છે કે અંત સુધી વાચકનું કુતૂહલ જળવાઈ રહે છે. ‘આંધુ’ એમની જાણીતી વાર્તા છે. આ વાર્તામાં ગ્રામપરિવેશ અને પાત્રોની મનોદશા આલેખવામાં તળપદી બોલી પાસેથી લેખકે સૂઝપૂર્વક કામ લીધું છે. કિરીટ દૂધાતને એ પ્રગટ થઈ ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતીમાં લખાયેલી અત્યંત નોંધપાત્ર વાર્તા લાગેલી. ભોળીદાની ભયગ્રસ્ત સ્થિતિ અને શનાની વિનોદવૃત્તિનું આલેખન સ્વસ્થ ચિત્તે થયું છે. ‘તેતર’ વાસ્તવ અને પરિવેશને અનુકૂળ ભાષાસંયોજનાનો ઉત્તમ નમૂનો છે. તેતર પકડવા ગયેલા હેમતાજીના ક્રિયાત્મક આવેગો ધ્યાનપાત્ર છે. રાધેશ્યામ શર્માના શબ્દોમાં કહીએ તો ‘તેતર’ ભૂખના થર નીચે દબાયેલા નાયકના ભૂખાળવા પરિવેશને મૂર્ત કરતી લેખકની જાણે ચિત્રકૃતિ છે. ‘અશ્વપાલ, પીંગળા અને કાનાજી’ વાર્તામાં તૂરી અને ઠાકોર કોમના ભિન્ન ભિન્ન મનોવૃત્તિ ધરાવતાં પાત્રો, ભિન્ન પ્રકારનો પરિવેશ, ભિન્ન લોકબોલી વગેરે દ્વારા અરૂઢ જાતીય આવેગોનું રહસ્ય ઉકેલવામાં વાર્તાકારનું કૌશલ્ય ખપ લાગ્યું છે. ડૉ. લીલાભાઈ કડછાને આ વાર્તા ‘સુશ્લિષ્ટ ભાષાકર્મ, નવ્યકથાનક અને રસઃપૂત રચનારીતિને કારણે મોહન પરમારની જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ કક્ષ અને પૂર્ણતઃ ઉત્તમ આધુનિક વાર્તા લાગી છે.’ ‘હેડકી’ વાર્તામાં નાયિકા કાંતાની હતાશ વ્યથિત મનઃસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ થયું છે. નછોરવી કાંતાને બાટલો આપવા આવતા છોકરા રામજી પ્રત્યે વાત્સલ્યભાવ જાગે છે. વિકટ પરિસ્થિતિમાં પણ એનો વાત્સલ્યભાવ ટકી રહે તે પ્રકારની કથાસંયોજના લેખકની કલાસૂઝનું પરિણામ છે. ‘ઘોડાર’માં ગરીબ અને તવંગરનો ભેદ માંયકાંગલા અને તગડા ઘોડાઓના પ્રતીક દ્વારા વ્યક્ત થયો છે. નદીકિનારે આવેલાં ગરીબોના ઝૂંપડાં તોડી પાડવા માટે દરબારે આદેશ કર્યો તે રણમલને પસંદ નથી. એનો વિદ્રોહ અન્યાય સામે છે. ખવાસ જાતિનો હોવાથી વિદ્રોહ કરવા માટે નિઃસહાય છે. મનોમન ભભૂકેલો આક્રોશ માંયકાંગલા ઘોડાઓને ડાંગ વડે મારીને ઉતારે છે. ગુજરાતી વાર્તાસાહિત્યમાં ‘ઘોડાર’ જેવી વાર્તાઓનું આગવું સ્થાન છે. ‘સોનકીડી’ પ્રણયની અતૃપ્ત ઝંખનાના નિરૂપણની વાર્તા છે. નાયક-નાયિકા એકબીજાને પામી શક્યા નથી. તેની બન્નેને પીડા છે. બન્ને અન્યની સાથે લગ્ન કરી બેઠાં છે, સંજોગોવસાત્‌ નાયિકાના ઘરે જ મળવાનું થાય છે તે વખતે નાયકને એમ કે નાયિકા પોતાની તરફ સ્નેહનજરથી જોશે. પણ નાયિકાનો રોષ ઊતર્યો નથી. પોતાની સમીર છે તેનું નાયક ભાન કરાવી કટાક્ષયુક્ત વિધાનો દ્વારા નાયકને હતોત્સાહ કરી મૂકે છે. એટલે જ જતી વખતે દાદર ઊતરતાં હાથ પર ચઢી રહેલી સોનકીડીને ઝાટકો મારીને ખંખેરી નાખે છે. ‘નજર’માં રાધાનું જાતીય શોષણ થયા પછી અને પલટાયેલી મનોવૃત્તિને લેખકે સરસ અક્ષરદેહ આપ્યો છે. ડૉ. સુમન શાહના શબ્દોમાં કહીએ તો ‘વાર્તાકારે પોતાનું સઘળું ધ્યાન રાધાની મનોસૃષ્ટિને શબ્દાકાર આપવામાં ખરચ્યું છે. એ આકાર નજરની ગતિવિધિના નિરૂપણથી આસ્વાદ્ય બન્યો છે.’ (વાર્તા રે વાર્તા, ૨૦૧૫) નાથી ડોસીના પ્રપંચથી કંટરાટી દ્વારા રાધાના જાતીય શોષણની અળખામણી પળોમાં રાધાના અકળ વર્તનનું ચિત્રણ દાદ માગી લે તેવું છે. ‘જગતિયું’ વાલાવીરા અને શિવા મનોર વચ્ચે ચાલતા ગજગ્રાહની વાર્તા છે. શિવા મનોરને દરેક પ્રસંગે નીચું દેખાડવા મથતા વાલાવીરા શિવાના પુત્ર કમલેશે આદરેલું જગતિયું બગાડવાના દાવપેચ રમી રહ્યા છે. પણ શિવા મનોર જગતિયાની આગલી રાત્રે વાલાવીરાને નિમંત્રણ આપવા એના ઘરે પહોંચી જાય છે. શિવાને પોતાને ઘેર આવેલા જોઈ વાલાવીરાની ઈર્ષા-વૈમનસ્યનું નિરસન થાય છે. અહીં સુધી પહોંચવામાં વાર્તાના આરોહ-અવરોહમાં વાર્તાકારે દાખવેલી કુનેહ ધ્યાનપાત્ર છે. ‘ધૂળ’ વાર્તા નાયક ત્રિવેદીના કથનકેન્દ્ર દ્વારા કહેવાઈ છે. હીરજી દરરોજ સોસાયટી વાળવા આવે છે. ત્રિવેદીના ઘર આગળ ધૂળ ઊડે છે, તે ત્રિવેદીને ગમતું નથી. એને તો એમ કે હીરજી જાણી જોઈને ધૂળ ઊડાડે છે. બસ માત્ર આટલા કથાવસ્તુને ખપમાં લઈને લેખકે ત્રિવેદીના અજ્ઞાત વિશ્વને બેનમૂન ચિત્રિત કર્યું છે. વાર્તાને અંતે વાર્તાનાયક ત્રિવેદીનું હીરજીમાં થતું રૂપાંતર એની આત્મખોજ બની રહે છે. એટલે તો ભરત મહેતા કહે છે : ‘વાર્તાનાયકને થતું આત્મદર્શન એ સમગ્ર પૂર્વગ્રહિત સવર્ણ સમાજ માટે આત્મખોજ દર્શન બની રહે છે. ચપટી વગાડવા જેટલી સહજતાથી વાર્તાકારે કેટલી સંકુલ સમસ્યાને રજૂ કરી છે. મોહન પરમારની આ વાર્તાઓ દલિતચેતના, ગ્રામચેતના, નારીચેતના, નગરચેતના જેવાં તમામ પાસાંઓને સ્પર્શે છે. એક સર્જક જ્યારે પોતાના સર્જનમાં બહુશ્રુત પરિણામલક્ષી દૃષ્ટિકોણ ઊભો કરે ત્યારે એની આગવી ઓળખ સ્થાપિત થતી હોય છે. પરિવેશની પ્રતીતિકર્તા અને પાત્રોની વિશિષ્ટ મુદ્રાને કારણે આ વાર્તાઓ આસ્વાદ્ય બની આવી છે. ગુજરાતી ભાષાને મોહન પરમાર જેવા વાર્તાકાર મળ્યા છે તેને હું આપણી ભાષાનું ગૌરવ સમજું છું. ભરત મહેતાએ ‘ધૂળ’ વાર્તાના આસ્વાદ વખતે ઉચ્ચારેલું આ વિધાન ટાંક્યા વિના હું રહી શકતો નથી. ‘મારી ભાષામાં આવો, એક વાર્તાકાર છે એ વાતે હું ફૂલ્યો સમાતો નથી...’