મોહન પરમારની વાર્તાઓ/૧. કોલાહલ
થોમસ ચોંકીને થોડીવાર ઊભો રહી ગયો. એણે આજુબાજુ નજર ઘુમાવી. દિશાઓ ખાલી ખાલી ખખડતી હતી. એણે ઊંધુ ઘાલીને ચાલવા માંડ્યું. બન્ને બાજુ થોરની ઊંચી વાડ હતી. ધૂળિયા રસ્તામાં એના પગ ખૂંપી જતા હતા. છતાં પોતાના દેહનું વજન ઊંચકીને એ ચાલતો રહ્યો. થોડુંક ચાલ્યા પછી એને થયું કે પોતે આવી ભયંકર રાતે ઘરમાંથી બહાર નીકળવાની ભૂલ કરી બેઠો છે. થોમસે આજુબાજુ નજર કરીને ફરીથી જોયું. રસ્તો ચિરપરિચિત હોય એમ એને લાગ્યું. મનમાં એ આનંદી ઊઠ્યો. થોડીવાર પછી એ ખુલ્લા રસ્તા પર આવ્યો. થોડે દૂર કેટલાક માણસોને એણે ફરતા જોયા. એણે બરાબર ધારી ધારીને જોયું. બધા ચહેરા ઉબડખાબડ લાગતા હતા. કશાય આકાર વિના... બધા જ એક સરખા લાગતા હતા. છતાં એ લોકો એને જોતા હોય એમ લાગ્યું. એના મનમાં બીક પેસી ગઈ. ને એ ચાલવા લાગ્યો, ચાલવાની ગતિમાં દોડ હતી. ખેતરના શેઢા પર કશુંક ઊભું હતું. એ અટક્યો. એને માણસ જેવું લાગ્યું. પછી એણે ધારી ધારીને જોયું તો ઝાડનું ઠૂંઠું હતું. એ મનોમન હસી પડ્યો. એણે પાછળ ફરીને જોયું. પેલા લોકો એના તરફ આવતા હોય એમ લાગ્યું. એ પેલા ઝાડના ઠૂંઠાની પાછળ સંતાઈ ગયો. એણે જોયું તો એ લોકોના હાથમાં લાંબા લાંબા ભાલા હતા. તેઓ ભાલાને હવામાં વીંઝી રહ્યા હતા. થોમસ ડરથી ધ્રુજવા લાગ્યો. ખેતરની ઊંચી ઊંચી થોરની વાડો કૂદીને આઠદસ માણસો એના તરફ ધસી આવ્યા. થોમસ એકદમ કંપી ઊઠ્યો. બધા જ માણસોના માથે પીંછાના મુગટ હતા. કમરે ઘાસના જાંઘિયા અને પગમાં બૂટ જેવું કશુંક પહેરેલું હતું. ગળામાં માદળિયા લટકતાં હતાં. અર્ધ નિરાવરણ દેહ ચંદ્રના પ્રકાશમાં ચમકતો હતો. ચંદ્રના આછા પ્રકાશના થોમસે પેલા માણસો તરફ નજર કરી તો એ હેબતાઈ ગયો. એ લોકો એક માણસને પકડીને ક્યાંક લઈ જતા હતા. થોમસ અવાક્ બનીને તાકી જ રહ્યો. થોડે દૂર ક્રોસ હતો. એ દિશામાં એ બધા જતા હતા. થોમસને એકાએક લાગ્યું કે એની નસોમાં વહેતું લોહી ક્યાંક થીજી ગયું છે. એણે હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો. પણ માંસના લોચાની જેમ હાથ લટકી રહ્યો હતો. એટલામાં કોણ જાણે ક્યાંથી, પેલા લોકોમાંથી કોઈ એક માણસ એની સામે આવીને ઊભો રહ્યો. થોમસે દોડવાનો પ્રયત્ન કર્યો, પણ પગ તો હતા જ ક્યાં? એ કંઈ વધુ વિચારે તે પહેલાં તો પેલો માણસ બોલી ઊઠ્યો : ‘કોણ છે તું?’ થોમસે જવાબ આપવા હોઠ ફફડાવ્યા. પણ હોઠમાંથી શબ્દો બહાર નીકળી શક્યા નહિ. પેલા માણસે ફરી ઊંચા અવાજે પ્રશ્ન કર્યો : ‘કેમ બોલતો નથી?’ થોમસે બોલનારની આંખોમાં જોયું, ને એને થયું કે આ તો આંખો છે કે પછી ગુફાઓ? ધ્રૂજતો ધ્રૂજતો એ જોઈ રહ્યો. પેલાની આંખોમાંથી જાણે અંધકાર ટપકતો હતો. થોમસ નીચું જોઈ ગયો. એ આખા શરીરે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. થોડીવાર સુધી નત્મસ્તકે એ ઊભો રહ્યો. પછી ધીરે ધીરે નજર ઊંચી કરીને એણે જોયું તો એની સામે ઘણા લોકો ઊભા હતા. એને લાગ્યું કે આ તો પેલા માણસને ક્રોસ તરફ ઘસડી જતા હતા તે બધા છે. એણે ક્રોસ તરફ નજર કરી. પેલા માણસનો નિર્જીવ દેહ હજુ પણ ક્રોસ પર લટકી રહ્યો હતો. થોમસ ધ્રૂજવા લાગ્યો. એની ડામાડોળ પરિસ્થિતિ જોઈ પેલા લોકો હસી પડ્યા. એમના હાસ્યમાંથી તણખા ઝરતા હતા. એમના પહોળા થયેલા બિહામણાં મ્હોં જોઈને થોમસને ચક્કર આવવા લાગ્યા, એ પડતાં પડતાં માંડ બચ્યો. એણે બે હાથે માથું પકડીને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો, પણ તે પહેલાં તો પેલા લોકો એની ફરતે વીંટળાઈને ઊભા રહ્યા, ગરોળી જેમ જીવડાને ઝડપવા આગળ વધે તેમ બધા થોમસની નજીક આવવા લાગ્યા. થોમસને બરાબરની બીક પેસી ગઈ કે કદાચ આ લોકો માનવભક્ષી હશે તો... તો પોતાનું આવી જ બન્યું! એ અસ્વસ્થ થઈ ગયો. માથું પકડીને નીચે બેસી ગયો. થોડીવાર પછી એણે ઊંચે નજર કરી. પેલા લોકોના હાથમાં ધારદાર ભાલા ચમકી રહ્યા હતા. શરૂમાં એની સામે ઊભેલા માણસે જરા દૂર જઈને બીજા લોકો સાથે કંઈક ગુસપુસ કરી પછી પેલાએ હાથ ઊંચો કરીને આળસ મરડી. ધીરે ધીરે મ્હોં પહોળું કરીને એણે એક ગગનભેદી ચીસ પાડી. ચીસથી જાણે હવા ચીરાઈ ગઈ હોય એમ થોમસને લાગ્યું. એને ડર લાગ્યો કે પેલાના અવાજથી તો પોતે ઊડી નહિ જાયને! સૂસવાટા મારતો પવન પણ હવે તો બંધ થઈ ગયો હતો. ચંદ્રના કિરણોનું તેજ ધીરે ધીરે ક્યાંક શોષાતું જતું હતું. થોડીવારમાં થોમસને લાગ્યું કે ધીરે ધીરે પોતે હવામાં અધ્ધર ઊંચકાતો જાય છે. ભાગવા માટે એણે હાથ પગ હલાવ્યા. પણ બધું વ્યર્થ હતું. પવન ન હતો છતાં વાતાવરણમાં એક પ્રકારની ઠંડક પ્રસરી રહી હતી. થોમસને આ લોકોનો વર્તાવ સારો લાગ્યો. એણે પેલા માણસની સામે નજર કરી તો એની આંખોમાં જાણે નદીઓ વહી રહી હતી. નદીઓની સાથે પર્વતોની હારમાળાઓ દેખાવા લાગી. થોમસને આશ્ચર્ય થયું. આની આંખોમાં તો આખું બ્રહ્માંડ દેખાય છે! એણે ફરી ધારી ધારીને આંખોમાં જોયું. એને એક મોટું શહેર દેખાયું... શહેરમાં કુટુંબના ભરણપોષણ માટે રાતદિવસ મહેનત કરતા માણસો દેખાયા... બચ્ચાં પેદા કરતી સ્ત્રીઓ દેખાઈ... ઊંડી ઊંડી ગટરો દેખાઈ... ઊંચા ઊંચા મહેલો દેખાયા... થોમસ હરખાઈ ઊઠ્યો. એનું મન હવે હળવુંફૂલ થઈ ગયું. એને આ લોકોમાં રસ પડવા લાગ્યો. એને થયું, પોતે લ્યૂસીને જાણ કર્યા સિવાય ઘેરથી નીકળી ગયો છે. સવારે મને નહિ જુએ ત્યારે લ્યૂસી કેવી ગભરાઈ જશે? એણે વિચાર્યું – પત્ની આ આંખોમાં દેખાય તો? એણે પેલાની આંખોમાં નજર કરી. ધીરે ધીરે આંખની ગુફાઓ નાની થતી જતી હતી. થોડો થોડો પવન શરૂ થયો. ચંદ્રના કિરણો હવે ઝગારા મારવા લાગ્યાં. ચીરાઈ ગયેલી હવાના થર ધીરે ધીરે ખસતા હતા. હવે પેલી ગુફાઓમાંથી દેખાતું શહેર ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું હતું. એ એકીટશે પેલાની આંખોમાં જોઈ રહ્યો. ટેકરા જેવા ભાગમાં હારબંધ જર્જરિત ઘરોમાં માખીઓ બણબણાટ કરતી ભળાઈ. નાગાંપૂંગાં છોકરાં રસ્તાની બાજુમાં આમતેમ આથડતાં હતાં. એક ઘરમાંથી એક સ્ત્રી હડફડ હડફડ કરતી બહાર નીકળી. થોમસે આંખો મસળી. આ સ્ત્રી તો લ્યૂસી છે. હેં... એની ઈંતેજારી વધી પડી. એણે જોયું તો લ્યૂસી નિઃસહાય થઈને ઓટલા પર બેસી પડી. એની આંખોમાંથી આંસુ ટપ્ટપ્ પડતાં હતાં. એક છોકરો દોડતો દોડતો આવ્યો. એના હાથમાં રોટલાનું સૂકું ચોથિયું હતું. એ લ્યૂસી પાસે બેસી પડતાં બોલ્યો : ‘બા, તું કેમ રડે છે?’ ‘બેટા, તારા બાપુજી જતા રહ્યા... હવે આપણે શું કરીશું?’ એણે પોક મુકવા જેવું કર્યું. આજુબાજુના ઘરોમાંથી દોડીને સ્ત્રીઓ લ્યૂસીની ફરતે ટોળે વળીને ઊભી રહી ગઈ. લ્યૂસીના માથા પર હાથ ફેરવીને સ્ત્રીઓ સાંત્વન આપતી ગઈ તેમ તેમ લ્યૂસીનાં ડૂસકાં વધી રહ્યાં હતાં. એક કાગડો ત્યાંથી ઊડતો ઊડતો પસાર થયો. એની ચાંચમાંથી ઘઉંના રોટલાનો ટુકડો લ્યૂસીના પગ પાસે પડ્યો. ખોળામાંથી માથું ઊંચું કરીને છોકરાએ રોટલાનો ટુકડો ઉઠાવી મોંમાં પધરાવી દીધો. ને લ્યૂસી જાણે મરણપોક પાડી બેઠી. જર્જરિત ઘર ધ્રૂજી ઊઠ્યાં. બધે સોપો પડી ગયો. થોડી થોડી ધૂળ ઊડી. લ્યૂસીએ મોટેથી રડીને નાક લૂછતાં લૂછતાં સ્ત્રીઓ સામે નિસાસો નાખતાં કહ્યું : ‘એ નહિ આવે તો અમે ખાશું શું?’ થોમસનું હૃદય દુભાયું. લ્યૂસીને એકલી મૂકીને નીકળવું જોઈતું નહોતું. એમ એને લાગ્યું. બિચારી મારા વિયોગમાં કેવી રડે છે... હું ત્યાં હતો તે મજૂરી કરીને છોકરાં અને લ્યૂસીનું પૂરું તો કરતો હતો. હવે લ્યૂસી શું કહેશે? એને મજૂરીએ કોણ રાખશે? મેં એને ઘરમાંથી કદી બહાર નીકળવા જ દીધી નથી. ખેતરોની મજૂરી કાંઈ એનાથી થઈ શકે? અને કદાચ કામ કરીને જાય તોય એનાથી તે થશે? એ થોડો ગળગળો થઈ ગયો. એને પાછા વળી જવાનો વિચાર થઈ આવ્યો. પણ ઘેર જઈને શું કરવાનું? ફૂલોના છોડની રખેવાળી કરવાની, કળફળાદિની વાડીઓમાં ફળો તોડવાનાં, જારનાં ડૂડાં લણવાનાં, ને ક્યાંક રાહત માટે ખાડા ખોદવા જવાનું... આના સિવાય ગામડામાં બીજું કયું કામ કરવાનું? ને એમાં તો કાંઈ પાંચ માણસનું પૂરું થાય? છોકરાંય ફાટેલાતૂટેલાં કપડા પહેરી અબુધની જેમ આમતેમ આથડ્યા કરે છે. એમના ભણતરનું શું? ના. ના હું શહેરમાં જઈને મિલમાં જઈશ. બીજી છૂટક મજૂરી કરીશ. ને ખૂબ ખૂબ કમાઈશ. પછી... પછી પોતે કાનમાં અત્તરનાં પૂમડાં મૂકી ફૂલફટાસીયાની જેમ ગામ જશે. લ્યૂસી તો પોતાને જોઈને ડઘાઈ જશે. પોતે એના માટે મોંઘાદાટ કપડાં લઈ ગયો હશે, તે જોઈને ખુશખુશાલ થઈ મારી છાતીમાં માથું નાખી દેશે. પછી રડતાં રડતાં લાડમાં મારી છાતીમાં મુક્કાઓ મારશે. તેવે વખતે આજુબાજુના ઘરોમાંથી સ્ત્રી-પુરુષો અને છોકરાં મારી આસપાસ ઘુમરીયો લેશે. હું બાદશાહી ઠાઠથી ત્રાંસી આંખે બધાની સામે જોતો જોતો મનમાં મલકાઈશ. લોકો મારાં વખાણ કરતાં થાકશે નહિ. પોતાનો આખા ગામમાં વટ પડશે. ત્યારે પોતે કદી ન જોયું હોય તેવું સુખ ભાળીને રાજી રાજી થઈ જશે. ‘છોકરા! તારે હવે બીજું કંઈ જોવું છે?’ ‘ના.’ થોમસના હોઠ ખૂલ્યા. ‘તો ચાલ અમારી સાથે!’ ‘ક્યાં?’ ‘અમારી ટોળકી સાથે...’ ‘ના મારે તો શહેરમાં જવું છે.’ ‘ન ચાલે. પકડો એને! આ બધું તને બતાવ્યું છતાં...’ ‘પણ મારી પત્ની!’ ‘એ એનું કરશે. તું તારી નવી જિંદગી શરૂ કરે.’ ‘મારે આવી જિંદગી નથી જીવવી. મારે શહેરમાં જઈને ખૂબ કમાવું છે. મારી લ્યૂસીને સુખી કરવી છે.’ થોમસ બબડવા માંડ્યો. હવે એને આ લોકોની બીક લાગવા માંડી હતી. આ સકંજામાંથી છૂટાય કેવી રીતે? એણે ભાગવા માંડ્યું. એક સરદાર જેવો માણસ આગળ આવ્યો. એણે રૂઆબભેર આદેશ છોડ્યો. ‘એને ઊંચકી લ્યો, શું જોઈ રહ્યા છો?’ બધાએ ભાલા દૂર ફેંકી દીધા અને થોમસને ઊંચકી લીધો. એણે ઘણાય ધમપછાડા માર્યા, પણ એ છૂટી શક્યો નહિ. એણે પેલાઓને બચકાં ભરવાં શરૂ કર્યાં. પણ પથ્થર પર દાંત ઘસવા જેવો અનુભવ થયો. થોડું ચાલ્યા બાદ પેલો ક્રોસ આવ્યો. એટલે પેલા માણસે સંકેત કર્યો. બધા ઊભા રહ્યા, પેલાએ ખૂબ મોટે અવાજે કહ્યું : ‘આપણી ટોળકીમાં ન ભળવું હોય તો ચઢાવી દો એને ક્રોસ પર...’ એકજણે થોમસને ઊંચો કર્યો, ને ક્રોસ તરફ જવા લાગ્યો. ક્રોસ પર લટકતા પેલા માણસની લાશ જોઈ થોમસથી ચીસ પડાઈ ગઈ. ‘લ્યૂસી... એ લ્યૂસી!’ ને એની આંખ ખૂલી ગઈ. એણે આખા શરીર પર હાથ ફેરવી જોયો. પછી આજુબાજુ નજર ફેરવી. પોતે પોતાના ઘરમાં હતો. દીવડીના આછા અજવાસમાં ઘર સૂકુંભઠ્ઠ ભાળીને એણે નિસાસો નાખ્યો. કપાળ પર વળેલા પરસેવાને લૂછ્યો. હોઠ સુકાઈ ગયા હતા. તરસથી ગળું શોષાતું હતું. એણે બૂમ પાડી. ‘લ્યૂસી!’ ઘરમાં કોઈ જણાતું નહોતું. તૂટેલફૂટેલ ખાટલીમાંંથી બેઠા થઈને એણે પાણી પી લેવાનો વિચાર કર્યો. પણ એનાથી બેઠા થઈ શકાયું નહિ. પોતાના ખખડી ગયેલા શરીર પર હાથ ફેરવતા એણે ફરી બૂમ પાડી. એની બૂમ સાંભળીને બહાર સૂતેલી લ્યૂસી પગ પછાડતી આવી. એણે કલકાણ કરી મૂકી. બારણું વળોટતાં નફરતભર્યો બબડાટ શરૂ કર્યો. પછી કશીક બદબૂથી બચવા મથતી હોય તેમ એણે નાક પર હાથ મૂકી દીધો. નજીક આવીને છણકો કરતાં એ બોલી : ‘શું છે? છાનામાના પડી રહોને! કોઈને ઊંઘવાય દેતા નથી...’ થોમસનું લોહી ઉકળી ઊઠ્યું. શરીરમાં ધ્રૂજારી વ્યાપી ગઈ. ધમણની જેમ ફેંફસા હાંફી ગયા. દેહ ઠૂંઠવાઈને લાકડું થઈ ગયો જાણે! એણે હળવેથી આંખો મીંચીને પડખું ફેરવ્યું, કશોક અવાજ થયો. બારણાની પાંગથ ફટાક કરતીક તૂટી, ને એની પીઠ લીંપણની ઓકળીઓ પર ઘસાઈ. એ સાથે લ્યૂસીને સુખી કરવાની ઇચ્છા પર એણે ચોકડી મારી. – હવે તો એને પેલા ક્રોસ પર લટડી જવું હતું.