યાત્રા/ચિત્તપૂર્ણતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચિત્તપૂર્ણતા

અહો, તું વિકસાવી કેવી રહી ચિત્તની પૂર્ણતા!
અમારી લઘુ ભેમમાં ગગનકર્ષી પ્રાસાદ તું
રચે ખચતી રમ્ય રત્નમણિ સ્તંભસ્તંભે, હરે
અમારી યુગઆદિની અતલ દીન આ ઊનતા.

અમે ન કશું જાણતાઃ કવણ તત્ત્વ ધ્યાવું, કશે?
અમારી દશ, ઇન્દ્રિયોની અટવી અટંતા અમે,
ન ભાળ કંઈ ઊર્ધ્વની, લઘુ પદાર્થને વાંછતા.
પ્રપાત કરતી તું ત્યાં તવ મહાગ્નિરાશિ થકી
સ્ફુલિંગ : બસ, રૂ સમું સળગી જાય આ જાળું ને
અમારું મન સ્વર્ણભાણ્ડ થઈ શી અભીપ્સા ધરે.

કરી હૃદય ઝંખતું તું અમમાં પછી સંભરે
અગાધ તવ શાંતિનાં મરકતો, ઋતોની ઋચા
નવી પર નવી સ્ફુટે સ્ફટિક જેવી, તારાં ઘણાં
અગમ્ય કરતી તું ગમ્ય; અમ ચિત્તમાં ચૈત્ય તું
રચે દ્યુતિનું જ્યાં ગુહાશયિત આત્મ આવિર્ બને,
સમસ્ત અમ ભાવિ અર્થ અણતાગ શ્રદ્ધા બઢે.

ધરી ચરણ તાહરે શિર, અઠંગ આશ્વાસને
પછી ગગન સ્હેલવા પખ પસારીએ, રાખીએ
રતિ ભર ન બોજ સ્કંધ નિજ, વાયુથી યે થઈ
વિશેષ હળવા, અમારું અણુ એ અણુ તું પ્રતિ
અમે બહવીએ, અમારી ગતિ-રીતિ-બુદ્ધિ બધી
સમર્પણની થૈ સરિત્ વહતી થાય ત્વત્-સાગરે.

અહો તદનું શી ઉઠે ઝણણી ચિત્તતંત્રી અમ!
જવલત્ સુભગ સ્પર્શ માત્ર બસ તાહરો ને ત્યહીં

સુરીલ સ્વરતી ઉઠે શી લયસજ્જ રાગાવલિ
અનંત રસની સુધા ઉભરી રોમરોમે રહે
ભરી હૃદયકુંભને છલકતી શી ભાવાર્દ્રતા.
તને, બસ તને જ કેવળ રહંત ભક્તિ-પ્રિયા.

અને વિગલી જાય ધુમ્મસ અહંરચેલાં બધાં,
બને ગિરિશિરો શી સ્પષ્ટ પરમોન્નતા ચેતના;
અમે નિજ સમસ્ત સત્ત્વ ત્યહીં પ્રેરતા, તું વિષે
થઈ સ્થિર દૃઢાવતા સકલ ભાવ-ઉદ્‌ભાવના.
થતી દૃગ અચંચલા, પ્રગટતી શી સંવાદિતા.
રચાય દૃઢ વેદી ચૈત્યમય સત્યનિષ્ઠાની શી!

ઝગે શરદ ચંદ, મંદ મલયાનિલો સંવહે,
બજે વરદ બાંસુરી, શી મધુરી મુદા નિર્ઝરે,
અપૂર્ણ મનુતાની માંહ્ય તવ દૈવી સંપૂર્ણતા
રહે વિતરતી તું ભવ્ય નિત નવ્ય રંગે રસે,
અને કલકલી મિલી મિલી ઉર લસે પ્રોલ્લસે.


એપ્રિલ, ૧૯૪૫