યાત્રા/તારી શી કૃતિ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તારી શી કૃતિ!

અહો અહો, અદ્‌ભુત તારી શી કૃતિ!
ગુરુત્વને તું લઘુતાથી સજ્જતી.
લઘુત્વમાં તું ગુરુતા નિપાવતી.
રચી રહી નૂતન તાલમાન!

અચેતનાની જડ આ શિલા વિષે
પ્રગાઢ પાર્થિવ્ય તણા પથારા
ખેંચી રહે ભૂતલ મેર, ઊડવા
જતા કિશોરાત્મ તણા શરીરને.

તું તાહરી ચેતનસર્જિકા દ્યુતિ
પ્રક્ષેપી એ દીર્ધ ગુરુત્વ જાડ્યનાં
આકર્ષણોનું બલ સંહરે શી!

ને ચેતનાની લઘુ બાલચંદ્ર શી
આ ક્ષીણ રેખા પ્રગટે અનંતશઃ
વિસ્તીર્ણ નિશ્ચિતન સૃષ્ટિપૃષ્ઠે.

વેળુપટે અંકિત ચિત્ર પેઠે
ભૂંસી શકે વાયુલહેર એને,
કો નાનકા વાદળની હથેલી યે
એનું શકે આવરી મંદ તેજ.

એ ક્ષીણતાને તવ પૂર્ણતાના
પયોધિથી સંગમતી તું, પૂષણા!
કેવી કલાઓ રચતી વિરાટની!

મહા મહા તારી રસાળ આ કૃતિ.
સૌ ઊર્ધ્વનાં શ્રેયસ પ્રેયસોને
ઊભેલ તું અંગુલિટેરવે ધરી;
જોઈ રહી ભૂચર આ મનુષ્યને
સુધાસ્મિતે મંડિત તારી આકૃતિ!


ઓક્ટોબર, ૧૯૪૫