રચનાવલી/૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯. રાસમાળા (ફોર્બ્સ)


ગઈ સદીની વાત છે. ગઈ સદીના શરૂઆતના પાંચ-છ દાયકાની વાત છે; જ્યારે રેલગાડી નહોતી, તાર-ટપાલ નહોતી, વીજળીના દીવા નહોતા, છાપખાના નહોતાં, શાળાઓ નહોતી, મહાશાળાઓ નહોતી પણ દોઢસોએક વર્ષની અંધાધૂંધી પછી કારમી મહેસૂલી ઉઘરાણીઓ, લૂંટફાટ અને નાની નાની લડાઈઓનો અંત આવ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું અંગ્રેજી રાજ્ય ચારેબાજુ પથારો કરી રહ્યું હતું. મરાઠા, મોગલો અને મુસલમાન શાસકોથી રિબાતી ગુજરાતી પ્રજા કંઈ નિરાંતનો દમ લઈ રહી હતી. આ સમયે બ્રિટનથી રાજ્ય કરવા આવનારા અંગ્રેજો સાધનોના અભાવે ઝટ વતનમાં પાછા ફરી શકે તેમ નહોતા અને ધર્મની શ્રદ્ધા સાથે આવનારા હતા. તેથી એમાં કેટલાક એવા અંગ્રેજો પણ આવ્યા કે જેમણે અહીંની પ્રજા જોડે તાલ મેળવ્યો. અંગ્રેજોની સંસ્કૃતિથી ચક્તિ થયેલી અહીંની પ્રજાની પણ પોતાની એક સંસ્કૃતિ હતી. એ પ્રજાની પણ પોતાની ભાષા હતી, પોતાનો ધર્મ હતો, અને પોતાના આચાર- વિચાર તેમજ રીત-રિવાજ હતા. અહીંની પ્રજાની નાડ પારખી અને પોતાની કરવા ટેલર, હોપ, રસલ જેવા અંગ્રેજો આવ્યા એ બધામાં સૌથી મોખરે રહ્યા ફોર્બસ. એલેકઝાન્ડર કિન્લાક ફાર્બસ. ૧૮૪૭માં કંપની સરકારના અમલદાર તરીકે આવેલા ફોર્બસ જુદી માટીના હતા. એકવાર ભાટ- ચારણો કોઈ રાજપત્ર એમની સામે મૂકે છે અને રાજપત્રને અંતે સહીઓ હતી ત્યાં ફોર્બસ ત્રિશૂળના ફળાંના નિશાન જુએ છે. ગઢવીની કટારીના આ નિશાન ફોર્બસમાં ભાટચારણો અંગે, દેવીપુત્રો અંગે કૂતુહલ જન્માવે છે; અને એ સાથે ફોર્બસને ગુજરાતી પ્રજાની સંસ્કૃતિ, ગુજરાતી પ્રજાનો ઇતિહાસ, ગુજરાતી પ્રજાનો ભૂતકાળ સજીવન કરવાની ચાનક ચઢે છે. ફાર્બસ એ સમયના ભાતભાતના ગુર્જર ભાટોને આદર આપી બોલાવે છે અને એમની પાસેથી એમનાં મૌખિક કથાકાવ્યો સાંભળે છે. થોડુંક ગુજરાતી અને થોડુંક હિન્દી જાણતા ફોર્બસને આ કથાકાવ્યો – રાસો સમજવાં અઘરાં હતાં. ફોર્બસ કોઈ એવી વ્યક્તિની શોધમાં હતા જે એ વખતના ગુજરાતમાં ઠેરઠેર ફરીને આવું સાહિત્ય એકઠું કરી આપે, એટલું જ નહીં પણ એ સાહિત્યને બરાબર સમજાવી શકે. ફોર્બસ કવિ ઉત્તમરામ અને કવિ રણછોડ બારોટને ચકાસી જુએ છે પણ એમને સંતોષ થતો નથી. ફોર્બસને છેવટે દલપતરામ મળી ગયા. ફોર્બસે નિરધાર કર્યો કે આખા ગુજરાતના રાસ-સાહિત્યને એકઠું કરવું, એનું સંશોધન કરવું અને એને યોગ્ય રીતે ગોઠવવું અને એમ ગુજરાતના ઇતિહાસની ‘રાસમાળા' ગૂંથવી. ફોર્બસ અને દલપતરામના પાંચ વર્ષના સહિયારા પુરુષાર્થથી ખાસ્સું બધું ઇતિહાસ કાવ્યોનું સાહિત્ય એકઠું થયું. એ જમાનામાં જ્યારે છાપખાના નહોતાં ત્યારે હસ્તલિખિત પ્રત ભાગ્યે જ કોઈ બીજાને ધીરતું અને તેથી એમાંથી ઉતારો કરવો મુશ્કેલ બનતો. પરંતુ દલપતરામની કુનેહ અને ફોર્બસની વગથી આ કામ પાર પડ્યું. ‘રાસમાળા'ની ઇતિહાસ સામગ્રી માટે દલપતરામ ગુજરાતમાં ઠેર ઠેર ઘુમ્યા. અનેક કષ્ટ વેઠયાં. ધૂળધોયાનો ધંધો કર્યો, જૂની હસ્તપ્રતોને શોધીને, ઉતારીને દલપતરામે ફોર્બસ આગળ રજૂ કરી એના ભાષાંતરો કર્યાં. એ પ્રતો ફોર્બસને ભણાવી અને ફોર્બસ જે ભણ્યા એને છેવટે રાસમાળાનું રૂપ આપતા ગયા. ‘રાસમાળા’ની સામગ્રી ૧૮૫૩માં લગભગ તૈયાર થઈ પછી ત્રણ વર્ષ માટે ફોર્બસ વિલાયત જાય છે અને વિલાયતથી અંગ્રેજી ભાષામાં ગુજરાતી સંસ્કૃતિ અને એના ઇતિહાસને રજૂ કરતી ‘રાસમાળા’ ૧૮૫૬માં પ્રસિદ્ધ કરે છે. ૧૮૬૯માં રણછોડભાઈ ઉદયરામે એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. રાસમાળા ભાગ-૧ અને ભાગ-૨માં ગુજરાતનો સાંસ્કૃતિક રાજકીય ઇતિહાસ ભરેલો પડ્યો છે. ફોર્બસે એમાં કેટલાક ફોટોગ્રાફ મૂક્યા છે અને જ્યાં ફોટોગ્રાફ નથી લઈ શક્યા ત્યાં જાતે ચિત્રો દોરીને એમાં સામેલ કર્યાં છે. ફોર્બસને વિલાયતમાં અભ્યાસ દરમ્યાન શિલ્પસ્થાપત્ય વિષયનો નિકટથી પરિચય હોવાથી આ કામ તેઓ સુપેરે પૂરું કરી શક્યા છે. એટલું જ નહીં પણ ગુજરાતની કલાસંપત્તિને પણ સૂઝપૂર્વક પામી શક્યા છે. ‘રાસમાળા'માં કથાઓ છે, કાવ્ય છે, વર્ણનો અને આલેખનો છે. વલ્લભીપુર અને અણહિલ્લપુરની સુરેખ વિગતો છે. ગુજરાતી પ્રજાનાં પાંચસો વર્ષનો રાજપૂત ઇતિહાસ છે. ગુજરાતની ભૂગોળ અને કુદરત તેમજ એના ભૂતકાળનો જીવંત પરિચય છે. ‘રાસમાળા’ના બે ભાગમાં કુલ ચાર વિભાગ છે. એમાં ત્રણ વિભાગ ઇતિહાસ અંગેના છે, જ્યારે ચોથો રીત-રિવાજ, લગ્ન, વહેમ, ઉત્તરક્રિયા વગેરે અંગે છે. ફોર્બસ તો નમ્રતાથી કહ્યું છે કે એમાં કોઈ શાસ્ત્રીય કાર્ય કર્યાનો પોતાનો દાવો નથી પણ કર્નલ વોટસને પરીક્ષણને અંતે જાહેર કર્યું છે કે રાસમાળા ખરેખર શાસ્ત્રીય કાર્ય છે. એમાં ઇતિહાસભૂલો નથી રહી એવું નથી. પાછળથી કેટલાક સંશોધકોએ સુધારી પણ છે. તેમ છતાં ‘રાસમાળા'માં એક પ્રકારની ચોકસાઈ છે એને કોઈ નકારી શકે તેમ નથી. રાજસ્થાનમાં જ્ઞાનચન્દ્ર જતીની મદદથી જે કામ કર્નલ ટોડે પૂરું કર્યું છે. એવું જ ગુજરાતના સંસ્કારજીવનને વર્ણવવાનું કામ દલપતરામની મદદથી ફોર્બસે પૂરું કરેલું છે. ફોર્બસનું ગુજરાતી સાહિત્યમાં સીધું કોઈ પ્રદાન નથી, પણ પોતાના સમયના ગુજરાતી સાહિત્યના ઘડતરમાં ફોર્બસનો આડકતરો પણ મોટો પુરુષાર્થ છે. એ યુગની જાણીતી સાહિત્યકૃતિઓને ‘રાસમાળા’માંથી પ્રેરણા મળી છે. ઘણાં લેખકોએ ‘રાસમાળા’માં એકઠી થયેલી ઇતિહાસ સામગ્રીનો છૂટથી ઉપયોગ કર્યો છે. નંદશંકર તુલજારામ મહેતાની ‘કરણ ઘેલો' (૧૮૬૬) નવલકથા કે મહીપતરામ નીલકંઠની ‘વનરાજ ચાવડો' (૧૮૮૧) અને ‘સઘરા જેસંગ સિદ્ધરાજ જયસિંહ દેવની વાર્તા’ (૧૮૯૧) જેવી નવલકથાઓ કે નવલરામનું ‘વીરમતી નાટક’ (૧૮૬૯) – આ સહુ ‘રાસમાળા’ના ઋણી છે. ફોર્બસે ગુજરાતનો ઇતિહાસ રાસમાળા રૂપે પ્રજા સમક્ષ મૂક્યો ન હોત તો આ પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકૃતિઓનો જન્મ શક્ય નહોતો. ‘રાસમાળા’ એક રીતે જોઈએ તો ફોર્બસની છે પણ બીજી રીતે જોઈએ તો દલપતરામની વધુ છે. ફોર્બસે ખેલદિલીપૂર્વક પોતાની પ્રસ્તાવનામાં એનો એકરાર કર્યો છે. હિંદીને બદલે ગુજરાતીમાં કવિતા લખતા કરીને અને ગુજરાતના પહેલા સંશોધક બનવાની તક આપીને દલપતરામની ગુજરાતને ભેટ ધરનાર ફોર્બસને દલપતરામ મૃત્યુ શતાબ્દીના આ વર્ષ (૨૪ માર્ચ, ૧૯૯૮)માં, સલામ.